Abtak Media Google News

રકતદાન એ માનવતાસભર એવું કાર્ય છે જેના દ્વારા માનવી બીજા અનેક લોકોની જિંદગી બચાવવામાં સહભાગી બની માનવનો માનવ પ્રત્યે પ્રેમ પ્રગટ કરે છે. જો યોગ્ય સમયે યોગ્ય માત્રામાં યોગ્ય વ્યકિતનું લોહી ન મળે તો જરૂરીયાતમંદ વ્યકિત કદાચ મૃત્યુના મુખમાં પણ ધકેલાઈ જાય.

ત્યારે ગત તા.૯ના રોજ સેંકડો લોકોનો જીવ બચાવવામાં નિમિત બનનાર શતકવીર રકતદાતાઓનો સન્માન સમારોહ રાજભવન, ગાંધીનગર ખાતે યોજાઈ ગયો. આ દિવસે ગુજરાત રાજયના માનનીય ગવર્નર ઓ.પી.કોહલીનો ૮૪મો જન્મદિવસ હતો. તેના અનુસંધાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમા સમગ્ર ગુજરાતનાં ૧૦૦ કે તેથી વધારે રકતદાન કરનાર રકતદાતાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં ગુજરાત રાજયના ગવર્નર ઓ.પી.કોહલીએ ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલ ઉપરાંત ગુજરાતનાં રાજયકક્ષાના મંત્રી કાનાણી આઈએએસ પુનમચંદ પરમાર, આઈએએસ ડો. જયંતી એસ. રવિ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

અમૂલ્ય માનવ જીંદગી બચાવવા માટે રકતદાનની પ્રવૃત્તિને વેગ આપવા તથા રકતદાતાએ કરેલ ત્યાગ અને સેવાને પ્રોત્સાહિત કરવા દરેક શતકવીર રકતદાતાઓનું મોમેન્ટો તથા સર્ટીફીકેટ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતુ.

રાજકોટ સ્થિત લાઈફ બ્લડ સેન્ટરમાંથી છ શતકવીર રકતદાતાઓ અભયભાઈ ઢેબર, સ્વ. કિરીટ અંતાણી, નટવરલાલ ચાવડા, કિરીટ ભટ્ટ, વિજય ભટ્ટી, વેલજી સેલીયાનું સન્માન કરવામાં આવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.