Abtak Media Google News

આઈએમસીસીને માન્યતા મળતા મેડિકલ ક્ષેત્રે નવી દિશા ખુલશે

આધુનિક વિશ્વમાં તબીબી ક્ષેત્રે પ્રવર્તમાન એલોપેથીક વિદ્યાશાખાની મર્યાદાઓ સામે ભારતની પ્રાચીન આયુર્વેદ તબીબ શાસ્ત્ર હોમિયોપેથીક અને પ્રાકૃતિક ઉપચાર ખુબજ અસરકારક રીતે કાર્યરત હોવાની વાત વિશ્વ આધુનિકતાના મદમાં ક્યાંકને ક્યાંક ભુલી ગયું હતું પરંતુ ભારતમાં આયુર્વેદના ઉંડા મુળીયા અને નેચરોપેથીની સારવારની પૂર્ણતામાં તમામ રોગના અકસીર ઈલાજની શક્તિ હવે વિશ્વ સ્વીકારતું થયું છે તેમાં બે મત નથી. કોરોના કટોકટીમાં અત્યાર સમગ્ર વિશ્વ આ રોગચાળાથી બચવા માટે રીતસરનું રઘવાયું છે ત્યારે કોરોના પ્રિવેન્ટીંગ સારવાર એટલે કે, કોરોનાથી બચાવના ઉપાયમાં અત્યારે ભારતની ઘરગથ્થુ ઉકાળા પધ્ધતિ અકસીર બની છે. ભારતના ઘરે-ઘરમાં વાપરવામાં આવતા દેશી ઓસડીયાઓની મદદથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાના પ્રયોગો સફળ રહ્યાં છે. ત્યારે એલોપેથીકના દબદબા વચ્ચે હવે ફરીથી ભારતનું પ્રાચીન આયુર્વેદ શાસ્ત્ર, પ્રાકૃતિક નેચરોપેથી અને હોમિયોપેથીકની ક્ષમતાનો સ્વીકાર કરવાનું સરકારનું પગલુ આયુર્વેદિક, હોમિયોપેથીક અને નેચરોપેથીના શિક્ષણ અને તેના વિકાસની એક નવી દિશા ખોલવા જઈ રહ્યું છે. રાજ્યસભાએ શુક્રવારે સેન્ટ્રલ કાઉન્સીલ ઓફ હોમિયોપેથી એન્ડ ઈન્ડિયન મેડિકલ સેન્ટ્રલ કાઉન્સીલના ખરડાને મંજૂરી આપતા આયુર્વેદિક, હોમિયોપેથીક અને નેચરોપેથીકની સારવારને સર્વસ્વીકૃતિ મળતા તબીબી ક્ષેત્રે એક નવો અધ્યાયનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.

ભારત વર્ષમાં દાયકાઓથી નહીં પરંતુ સદીઓથી આયુર્વેદ શાસ્ત્રનો ઉપચાર અકસીર માનવામાં આવે છે. પ્રાચીન યુગમાં જ્યારે ભારતમાં ગુરુકુળ અને આશ્રમ શાળાઓમાં શિક્ષણ મેળવવાની પરંપરા હતી ત્યારે આયુર્વેદ શાસ્ત્રનું સર્જન સઘન અભિયાસ અને ઉંડાણપૂર્વકના અધ્યયનથી ભારતનું આયુર્વેદ ખુબજ સમૃધ્ધ વૈવિધ્યતાવાળી સારવાર પદ્ધતિ બની હતી. તમામ પ્રકારના રોગ ઉપરાંત જટીલ શસ્ત્રક્રિયાની માહેરત ધરાવતા આયુર્વેદ શાસ્ત્ર કાળક્રમે ભારત ઉપરાંત સમગ્ર વિશ્ર્વમાં ફેલાયું હતું. આયુર્વેદ શાસ્ત્રો ઉપરથી બનેલુ હોમિયોપેથીક ઉપચાર પણ ગ્રીસ સુધી ફેલાયું હતું. આ સાથે સાથે ભારતની પ્રાકૃતિક ચિકિત્સા પધ્ધતિ પણ કાળક્રમે વિકસીત થતી રહી છે પરંતુ પાશ્ર્ચાત્ય સાંસ્કૃતિક આક્રમણ અને અંગ્રેજી સંસ્કૃતિનો ઉદય થતાં જે એલોપેથીક તબીબી વિદ્યા શાખાનો ઉદય આયુર્વેદ, હોમિયોપેથીક અને કુદરતી ઉપચારમાંથી થયો હોવા છતાં આ તમામ વિદ્યાશાખાઓને હાંસીયામાં મુકીને એલોપેથીકનો પ્રચાર થયો અને અત્યારે અંગ્રેજી ભાષાની જેમ એલોપેથીક ઉપચાર પદ્ધતિનો પ્રભાવ વિશ્વમાં વધ્યો છે. પરંતુ હોમિયોપેથીક, આયુર્વેદિક અને કુદરતી ઉપચાર પધ્ધતિની ક્ષમતાની હવે વિશ્વને સમજ આવી ગઈ હોય તેમ તેનું મહત્વ વધી રહ્યું છે.

અત્યારે સમગ્ર વિશ્વ કોરોનાકાળથી ઝઝુમી રહ્યું છે તેવા સંજોગોમાં એલોપેથીક તબીબ વ્યવસ્થામાં હજુ સુધી કોવિડ-૧૯ની સારવારનો ઈલાજ શોધાયો નથી તેવા સંજોગોમાં આયુર્વેદિ હોમિયોપેથીક અને નેચરોપેથી અત્યારે સમગ્ર માનવ જાતને કોરોના સામે સુરક્ષીત કરી રહી છે. ભારતમાં ઘરગથ્થુ ઉકાળાઓ અને દેશી પધ્ધતિથી તમામ જટીલ બિમારીઓની સારવાર ઉપલબ્ધ છે તે વાત અત્યારે કોરોના કાળમાં ઉકાળાના ઉપયોગથી કોરોના સંક્રમણ સામે બચાવથી સિધ્ધ થઈ ગઈ છે. ત્યારે ફરીથી ભારતમાં આયુર્વેદિક, હોમિયોપેથીક અને નેચરોપેથીક વિદ્યાશાખાનો ઉદય થવાના દરવાજા ખુલ્યા છે.

રાજ્યસભાએ શુક્રવારે મંજૂર કરેલા બે વિધેયકમાં સેન્ટ્રલ કાઉન્સીલ હોમિપેથીક એન્ડ ભારતીય મેડિસન સેન્ટ્રલ કાઉન્સીલને લગતા ખરડાઓ લાવવામાં આવ્યા છે.   તેમાં હોમિયોપેથીક સેન્ટ્રલ કાઉન્સીલ સુધારા બીલ ૨૦૨૦માં ૨ વર્ષ પુરા કર્યા બાદ ૧ વર્ષમાં સેન્ટ્રલ હોમિયોપેથીની રચના કરવા સમયમાં વધારો કરવામાં આવ્યો છે. તેવી જ રીતે ઈન્ડિયન મેડિકલ સેન્ટ્રલ કાઉન્સીલ એમેડમેન્ટ બીલ ૨૦૨૦માં સેન્ટ્રલ કાઉન્સીલ ફરી ગોઠવવા માટે એક વર્ષનો સમય વધારવામાં આવ્યો છે. આ વચગાળાના સમયમાં તેની સત્તાનો ઉપયોગ કરવા માટે ડિરેકટર બોર્ડની રચના કરવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને આ બન્ને બીલો પરના જવાબમાં જણાવ્યું હતું કે, સરકાર દરેક નાગરિકને પોષણક્ષમ અને સરળ આરોગ્ય સંભાળ સુવિધાઓ આપવા માટે આ ક્ષેત્રમાં કંઈ પણ અસામાન્ય નથી. બન્ને બીલ ચોમાસા સત્રના પ્રથમ દિવસે ૧૪ સપ્ટેમ્બરે રજૂ કરવામાં આવ્યા હતા. હોમિપેથીક બીલમાં ૧૯૭૩ના કાયદામાં સુધારો કરીને હોમિયોપેથીક સેન્ટ્રલ કાઉન્સીલની રચના કરવામાં આવી છે. આ જોગવાઈમાં ૨ વર્ષ માટેની પુન: રચના કરવાની રહેશે અને તેની મુદતમાં ત્રણ વર્ષ સુધીનો વધારો કરવામાં આવ્યો છે. સરકારના આ પગલાથી હોમિયોપેથીક અને આયુર્વેદિક અભ્યાસક્રમોને મહત્વ મળશે અને હોમિયોપેથીક ડોકટરો આખા ભારતમાં પ્રેક્ટિસ કરે છે તેમને એક નવું માળખુ પ્રાપ્ત થશે. હોમિયોપેથીક અને આયુર્વેદિક વિદ્યાશાખાના વિકાસ માટે સરકારે હાથ ધરેલા પ્રયાસો સામે જો કે, વિપક્ષે વિરોધ ઉઠાવ્યો છે અને આપના સભ્ય સંજયસિંહે જણાવ્યું હતું કે, આયુષ મંત્રાલય માટે ૨૧૨૨ કરોડ અને તેમાંથી હોમિયોપેથીકને માત્ર ૧૩૮ કરોડ જ ફાળવ્યા છે જે પુરતા નથી. સરકારના આ પગલાથી હવે દેશમાં હોમિયોપેથીક અને આયુર્વેદિક અભ્યાસ અને તબીબી પ્રવૃતિને વેગ મળશે. અત્યાર સુધી આ બન્ને વિદ્યાશાખાને બીજા ક્રમની ગણવામાં આવતી હતી. સારી વ્યવસ્થા અને ઉપલબ્ધી હોવા છતાં તેનો ઉપયોગ મર્યાદિત રહેવા પામ્યો હતો. હવે તેના અભ્યાસક્રમમાં વિદ્યાર્થીની રુચી વધશે.

અત્યાર સુધી હોમિયોપેથીક, આયુર્વેદિક અને નેચરોપેથીક તબીબી વિદ્યાશાખા એલોપેથીકની અવેજીમાં મર્યાદિત રીતે ઉપયોગમાં લેવામાં આવતી હતી. આ વિદ્યાશાખાની ક્ષમતા હતી પરંતુ તેને વ્યવહારૂ બનાવવામાં આવી ન હતી. કોરોના મહામારીએ ભારતની પરંપરાગત હોમિયોપેથીક, આયુર્વેદિક અને ઉપચાર પધ્ધતિનું મહત્વ સમજાવ્યું. અત્યારે કોરોના સંક્રમણથી બચવા માટે એલોપેથીમાં ક્યાંય કોઈ ઈલાજ નથી માત્ર દવાઓના પ્રયોગ જ થાય છે ત્યારે આયુર્વેદિક અને હોમિયોપેથીક ઉપચારમાં ઉકાળા પધ્ધતિથી આ વાયરસ ફેલાતો અટકે છે. શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે.

સરકાર દ્વારા લાવવામાં આવેલા બન્ને બીલોથી હોમિયોપેથીક અને આયુર્વેદિક વિદ્યાશાખાઓને અત્યાર સુધી જે વિદ્યાર્થીઓની ઘટનો સામનો કરવો પડતો હતો તેમ નહીં થાય. ભારત ઉપરાંત વિદેશના વિદ્યાર્થીઓ પણ ભારતમાં અભ્યાસ કરવા આવશે. હોમિયોપેથીક અને આયુર્વેદિક કાઉન્સીલની રચનાથી આંતર માળખાકીય સુવિધાઓ ઉભી થશે અને એલોપેથીક તબીબી ક્ષેત્રની સમાંતર જ ભારતમાં જ ઉંડા મુળ ધરાવતા આયુર્વેદિક અને નેચરોપેથીક  સારવાર પધ્ધતિનો ઉપયોગ વધશે.

ભારતમાં એજ્યુકેશન ટુરીઝમને મળશે વેગ

આયુર્વેદ અને હોમિયોપેથીક કાઉન્સીલની રચનાથી બન્ને અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓ અને તબીબો માટે વ્યવસાયીક ધોરણે નવી દિશા ખુલશે. અત્યાર સુધી એલોપેથીકની સરખામણીમાં નંબર-૨ અને ૩ પર ચાલતા આ બન્ને અભ્યાસક્રમો હવે તબીબી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં આવી જશે. જેનાથી ભારતમાં મેડિકલ એજ્યુકેશનનું આંતરરાષ્ટ્રીય હબ ઉભુ થશે અને મેડિકલ/અભ્યાસનું આંતરરાષ્ટ્રીય ટુરીઝમનું વાતાવરણ રચાશે. અત્યારે ભારતના

વિદ્યાર્થીએ ચીન, યુક્રેન, ફિલીપાઈન્સ, યુરોપ અને અમેરિકામાં ડોકટર બનવા જાય છે. હવે વિદેશી વિદ્યાર્થીઓ ભારતમાં આયુર્વેદ અને હોમિયોપેથીક જ્ઞાન મેળવવા આવતા થઈ જશે.

કોરોના  મહામારીમાં એલોપેથીકના હાથ હેઠા પડ્યા ત્યાં વિશ્વને હોમિયોપેથીક, આયુર્વેદિકનું સુરક્ષા કવચ કામ આવ્યું

ભારતમાં આયુર્વેદ, હોમીયોપેથીક અને નેચરોપેથીક સારવારનો ઉદય સંશોધન અને તેના વપરાશમાં મુળીયાઓ દાયકો નહીં પરંતુ સદીઓ જુના છે. પ્રાચીન અનુભવ અને લાંબાગાળાના સંશોધનથી આ બન્ને તબીબી વિદ્યાશાખાઓમાં માનવ જાત સાથે સંકળાયેલા જૂના સમયના વિશાણુજન્ય રોગની પૂર્ણ સારવાર વ્યવસ્થા ઉપલબ્ધ છે. અત્યારે કોરોનાનો વાયરસ પણ લાંબાગાળાના ઉત્ક્રાંતિથી સર્જાયેલી નવી આવૃતિ જેવા હોય તેના મારણ માટે આયુર્વેદ શાસ્ત્રમાં પુરેપૂરું માર્ગદર્શન ઉપલબ્ધ હોય, આ વાયરસને અટકાવવા માટે શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવાની ભલામણના આધારે અત્યારે કોરોના સામે

આયુર્વેદિક અને હોમિયોપેથીક ઉકાળા અને દવાઓ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારી કોરોના સામે સુરક્ષા કવચ બની રહી છે. કોરોનાએ આયુર્વેદિક અને હોમિયોપેથીકની અસરકારકતા વિશ્ર્વ સમક્ષ સિધ્ધ કરવાનું કામ કર્યું છે.

ભારતમાં આયુર્વેદ શિક્ષણ પધ્ધતિના મુળ સદીઓ જૂના

ભારતની પ્રાચીન આયુર્વેદ શિક્ષણ પધ્ધતિમાં જટીલ રોગો અને મહામારી સામેના અસરકારક ઈલાજની ઉપલબ્ધી કોરોના કાળમાં પરંપરાગત ઉકાળાથી થતાં ફાયદાએ સિધ્ધ કરી ભારતીય ઋષિકાળથી આયુર્વેદનું સંશોધન આજના યુગમાં પણ ખુબજ ઉપયોગી સાબીત થઈ રહ્યું છે. આયુર્વેદમાં તમામ રોગના ઉપચારની સાથે સાથે જટીલ શસ્ત્રક્રિયાનું કૌશલ્ય પણ સામેલ છે.

આયુર્વેદ, હોમિયોપેથીક અને નેચરોપેથીક સારવાર પધ્ધતિ ઉત્તમ હોવા છતાં તેની ઉપેક્ષા હવે ભૂતકાળ બનશે

ભારતીય આયુર્વેદ શિક્ષણ પધ્ધતિ, હોમિયોપેથીક અને નેચરોપેથીક સારવારમાં કફ, વા, પીત આધારિત તમામ રોગના અસરકારક ઈલાજ મોજુદ છે અને આ પધ્ધતિ ભારત ઉપરાંત સમગ્ર વિશ્ર્વમાં પ્રચલીત હતી પરંતુ પાશ્ર્ચત્ય સાંસ્કૃતિક આક્રમણ અને અંગ્રેજી ભાષાની જેમ યુરોપીયન કલ્ચરના આક્રમણની જેમ તમામ જૂની તબીબી વિદ્યાશાખા ઉપર એલોપેથીકનું આક્રમણ થયું. એલોપેથીમાં સારવારની અનેક મર્યાદા હોવા છતાં તાત્કાલીક અસર કરતી આ પધ્ધતિથી આયુર્વેદિક અને હોમિયોપેથીક સારવાર વ્યવસ્થા નબળી પડી પરંતુ અત્યારના યુગમાં કોરોનામાં જે રીતે આયુર્વેદિક અને હોમિયોપેથીકની

અસરકારકતા વિશ્વને સમજાય અને ભારતમાં આ વિદ્યાશાખાઓને વધુ સવલતોના સરકારના પ્રયાસોથી આયુર્વેદિક, હોમિયોપેથીક અને નેચરોપેથીક સારવારની ઉપેક્ષાનો યુગ પુરો થઈ જશે.

ભારતમાં તબીબી ક્ષેત્રે નવા યુગનો આરંભ

ભારત સરકાર દ્વારા આયુર્વેદ, હોમિયોપેથીક અને નેચરોપેથીક તબીબી વિદ્યાશાખાઓને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરેલી કવાયતના પગલે ભારતમાં તબીબી વિદ્યા ક્ષેત્રે એક નવા યુગનો આરંભ થશે. અત્યારે ભારતની વસ્તી વધારાના દર સામે એમબીબીએસ તબીબોની ઘટ સતતપણે વધતી જાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં માન્ય ડિગ્રી ધરાવતા ડોકટરો ન હોવાથી ઉંટવેધાનું જોખમ વધતું જાય છે, હવે હોમિયોપેથીક અને આયુર્વેદિક ડોકટરોની સંખ્યા અને આ બન્ને વિદ્યાશાખાનું જ્ઞાન લોકો સુધી પહોંચતા ભારતનું તબીબી ક્ષેત્ર નવા યુગ તરફ પર્યાણ કરશે તેમાં બે મત નથી.

હોમિયોપેથીક, આયુર્વેદિક કાઉન્સીલની રચનાથી એલોપેથીક મેડિકલ વિદ્યાશાખાનું વળગણ અને ભારણ ઘટશે

કેન્દ્ર સરકાર દ્વારા હોમિયોપેથીક અને આયુર્વેદિક વિદ્યાશાખાનું મહત્વ વધારતા કાયદાકીય સુધારાઓથી આ બન્ને વિદ્યાશખાના વિદ્યાર્થીઓ માટે નવી દિશા ખુલશે. સાથે સાથે અત્યારે એલોપેથીક મેડિકલ કોલેજો પરનું વળગણ ઘટશે. હોશિયાર વિદ્યાર્થીઓ હોમિયોપેથીક અને આયુર્વેદિકના અભ્યાસ અને તબીબો બનવા તરફ વળશે. એલોપેથીકની મર્યાદાથી હોમિયોપેથીક અને આયુર્વેદિક ખુબજ વિશાળ સારવાર પધ્ધતિ ધરાવે છે. સરકારના આ પગલાથી એલોપેથીક તબીબોની સતત અછત વચ્ચે હોમિયોપેથીક અને આયુર્વેદિક ડોકટરોની સંખ્યા પુરતી મળશે અને એલોપેથીક મેડિકલ વિદ્યાશાખાનું ભારણ ઘટશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.