Abtak Media Google News

ચૂંટણી દરમિયાન ફતવા કે વિવાદાસ્પદ નિવેદનો કરતા મુસ્લિમ આગેવાનોએ વ્યૂહરચનાના ભાગરૂપે ચૂપકીદીસાધી લેતા ઉત્તરપ્રદેશમાં નિર્ણાયક ગણાતા મુસ્લિમ મતદારોના મતો કોને મળશે? તેના પર રાજકીય પંડિતોની મીટ

દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ ચરમસીમાએ પહોચ્યો છે. ત્યારે સૌથી વધુ બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશની ૮૦ બેઠકો પર રસાકસીભર્યો જંગ મંડાય રહ્યો છે. ઉત્તરપ્રદેશમાં ૧૯ ટકા જેટલા મુસ્લિમ મતદારો હોય અને અનેક બેઠકો પર મુસ્લિમ મતદારો નિર્ણાયક હોય ચૂંટણીમાં મુસ્લિમોના મત્તો મેળવવા દરેક રાજકીય પક્ષોના નેતાઓ મુસ્લિમ આગેવાનોને સાધવાનો પ્રયાસ કરતા હોય છે. મુસ્લિમ આગેવાનો પણ ફતવા, વિવાદાસ્પદ નિવેદનો દ્વારા મુસ્લિમ મતદારોને ખાસ પાર્ટીના ઉમેદવારોને મત આપવા જણાવતા હોય છે. ઉત્તરપ્રદેશની બેઠકો પર તબકકાવાર મતદાન યોજાઈ રહ્યું હોવા છતા તમામ મુસ્લિમ આગેવાનો ભેદી ચુપકીદી સાધી લઈને ફ્તવા, વિવાદાસ્પદ નિવેદનોથી દૂર રહ્યા છે. મુસ્લિમ આગેવાનોના મૌનથી મુસ્લિમ મતદારો કંઈ તરફ મતદાન કરશે તે મુદે અસમંજસની સ્થિતિ ઉભી થવા પામી છે.

ઉત્તર પ્રદેશમાં યોજાતી વિવિધ ચૂંટણીઓ દરમ્યાન નિર્ણાયક મનાતા મુસ્લિમ મતદારો માટે ઓલ ઈન્ડીયા મુસ્લિમ પર્સનલ બોર્ડ, દેવબંદ વગેરે જેવી સંસ્થાઓ તથા દિલ્હીની જામા મસ્જિદનાઈમામ બુખારી વગેરે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ફતવા બહાર પાડીને કે નિવેદનો આપીને મુસ્લિમ મતદારોને કોની તરફેણમાં મતદાન કરવું તે અંગે સલાહ આપતા હોય છે.

પરંતુ સાત તબકકામાં યોજાનારી લોકસભાની ચૂંટણીના ત્રણ તબકકા પૂર્ણ થઈ ગયા હોવા છતાં ઉતરપ્રદેશનાં મુસ્લિમ મતદારો પણ પ્રભાવ ધરાવતી એક પણ સંસ્થા કે મુસ્લિમ આગેવાનો દ્વારા ફતવા કે ચૂંટણીલક્ષી નિવેદનો બહાર પાડવામાં આવ્યા નથી જેથી કોંગ્રેસ, સપા, બસપા વગેરે રાજકીય પક્ષો કે જેઓને મુસ્લિમ મતદારોના મતો મળવાની અપેક્ષા વધારે હોય છે તેમની સ્થિતિ અકળાવનારી બની છે.

આ ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં રામપુરમાં સપાના ઉમેદવાર આઝમખાન અને ભાજપના ઉમેદવાર જયાપ્રદા વચ્ચે ધર્મના મુદે આમને સામને આક્ષેપો થયા હતા તે સિવાય એક પણ સ્થાન પર ધાર્મિક મુદે આક્ષેપો, પ્રતિઆક્ષેપો થયા નથી આધારભૂત વર્તુળોમાંથી મળેલી વિગતો મુજબ ઉત્તર પ્રદેશમાં ભાજપ દ્વારા હિન્દુ મતદારોને સંગઠીત કરવાનાં થઈ રહેલા પ્રયાસો બાદ મુસ્લિમ આગેવાનોએ તેમની વ્યૂહરચના બદલી છે. ભાજપના હિન્દુઓને સંગઠીત કરવાનાં પ્રયાસ બાદ ૨૦૧૪ની લોકસભા અને ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જવલંત વિજય મળ્યો હતો અને મુસ્લિમોનાં એકપણ ઉમેદવાર જીત્યા ન હતો જે બાદ મુસ્લિમ સંસ્થાઓએ નવી વ્યૂહરચના ઘડી કાઢી હતી.

આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીકના ગણાતા અને મુસ્લિમોની અનેક સંસ્થાઓ સાથે નજીકથી જોડાયેલા ઝફર સરેશવાલાએ જણાવ્યું હતુ કે છેલ્લા બે વર્ષમાં અમે ભારતભરનાં મુસ્લિમોને સંગઠ્ઠીત કરીને તેમને કોઈપણ ઉશ્કેરણીમાં આવી જઈને મતદાન ન કરવા સમજાવવાનો પ્રયાસ કર્યો છે. નવેમ્બર ૨૦૧૮માં આરએસએસ સહિતના હિન્દુ સંગઠ્ઠનો દ્વારા અયોધ્યામાં યોજાયેલી બેઠક દરમ્યાન અનેક સાંપ્રદાયીક ટીપ્પણીઓ થઈ હોવા છતાં કોઈપણ મુસ્લિમ નેતાએ મુસ્લિમ સમુદાયને ઉશ્કેરે તેવી ટીપ્પણી કરી નથી અને દરેક મુસ્લિમ મતદારોને એક હિન્દુસ્તાનીની જેમ મતદાન કરવા માર્ગદર્શન અપાયું છે.

જયારે ઓલ ઈન્ડીયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્ય ઝફરથોલ જીલાનીએ આ અંગે જણાવ્યું હતુ કે મુસ્લિમ આગેવાનોએ ચૂંટણી પ્રચાર દરમ્યાન પરિપકવ ભાષણો કર્યા છે. ભાજપના આગેવાનોએ કોમી લાગણી ઉશ્કેરાય તેવા ભાષણો આપ્યા હોવા છતાં મુસ્લિમ આગેવાનોએ તેનો જવાબ ભડકાઉ કે ઉશ્કેરણીજનક આપ્યો નથી ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન મુસ્લિમ આગેવાનોએ એક નિશ્ચિત વ્યૂહરચનના ભાગરૂપે કોઈપણ રાજકીય પક્ષના ઉમેદવારોને ટેકો જાહેર કર્યો નથી કે ઉશ્કેરીજનક ભાષણો કર્યા નથી જેથી, મુસ્લિમ આગેવાનોનું આ ભેદી મૌન અને વ્યુહરચના આ ચૂંટણીમાં કોને ફળશે તે મુદે તમામ રાજકીય પક્ષોમા અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.