Abtak Media Google News

લગ્નપ્રસંગમાં સાળી સાથે હસી મજાક કરતા બનેવી અને સાઢુ પર શખ્સે આડેધડ છરીના ઘા ઝીંકયા

‘સાળી તો આધી ઘરવાલી હોતી હૈ’ તેમ સમજી સાળી સાથે મજાક મશ્કરી કરતા યુવાનોને ચેતવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરનાં પુનિતનગરમાં મામાજી સસરાના દીકરાના લગ્ન પ્રસંગમાં ભેગા થયેલા સાળી બનેવી અને સાસરીયાઓ હસી મજાક કરતી વેળાએ શંકાશીલ સ્વભાવના સાઢુ ભાઈએ સાઢુભાઈ પર છરી વડે હુમલો કરી સાસુને છરીના ઘા મારી ઈજા કરતા ગંભીર હાલતમાં સારવારમાં ખસેડવામાં આવ્યા છે.

આ અંગેની વિગત મુજબ સુરતનાં શાંતિ નિકેતન વરછામાં રહેતા અરવિંદ કેશુભાઈ થોરીયા (ઉ.વ.૪૭) નામનો પ્રજાપતિ યુવાન તથા તેની પત્ની લીલા સહિતનો પરિવાર રાજકોટમાં મટુકી રેસ્ટોરન્ટ સામે ૮૦ ફુટ રોડ પર પુનિતનગરમાં મામાજી સસરા રમેશભાઈ જીવરાજભાઈના પુત્ર યાજ્ઞિકનાં લગ્ન પ્રસંગે આવ્યા હોય ત્યારે અરવિંદની સાળી જે હાલ ધારી નવી વસાહતમાં રહે છે તે રોશની અને તેનો પતિ ચંદ્રકાંત બટુક જોટાણીયાનો પરિવાર પણ લગ્નપ્રસંગમાં આવ્યા હતા ત્યારે લગ્ન પ્રસંગમાં મજાક મશ્કરી કરતા સાળી બનેવીને જોઈ ઉશ્કેરાયેલા ચંદ્રકાંત જોટાણીયાએ તેના સાઢુ ભાઈ અરવિંદ થોરીયા પર છરી વડે હુમલો કરી શરીરે ઈજા કરી હતી અને સાસુ સમજુબેન મધુભાઈ નળીયાપરા (ઉ.વ.૬૫) છોડાવવા વચ્ચે પડતા તેને પણ જમાઈ ચંદ્રકાંતે છરીના ઘા મારી શરીરે ગંભીર ઈજા કરતા લગ્ન પ્રસંગમાં નાસભાગ મચી ગઈ હતી. બનાવનાં પગલે ઈજાગ્રસ્ત હાલતમાં સાસુ અને જમાઈને સારવારમાં સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બનાવ અંગેની જાણ તાલુકા પોલીસ મથકે કરવામાં આવતા એ.એસ.આઈ આર.બી.જાડેજા સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી જઈ કોઠારીયા સોલવન્ટ પાસે આવેલી સીતારામ સોસાયટીમાં રહેતા મનોજ મથુભાઈ નળીયાપરાની ફરિયાદ નોંધી હુમલો કરનાર ચંદ્રકાંત સામે કાર્યવાહી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.