લોકડાઉનમાં પ્રોગ્રામ ન મળતા ગાયક કલાકારે ડ્રગ્સનો ધંધો શરૂ કર્યો

કુવાડવા નજીક ૧૬ કિલો ગાંજા સાથે રેલ્વેના નિવૃત કર્મચારીનો પુત્રની ધરપકડ

સુરતથી છેલ્લા આઠ માસથી ગાંજા લાવી વેચાણ કર્યાની કબુલાત

કુવાડવા હાઇવે પરના માલીયાસણ, સોખડા ચોકડી પાસેથી માધાપર વિસ્તારમાં રહેતા ગઢવી ગાયક કલાકારને એસઓજીના સ્ટાફે કારમાં ૧૬ કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી લઇ વધુ તપાસ અર્થે રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, માધાપર વિસ્તારની વિનાયક વાટીકામાં રહેતો મનીષદાન નવલદાન ગઢવી નામનો ગાયક કલાકાર ગાંજાનું વેચાણ કરતો હોવાની એસઓજીના જમાદાર જીતુભા ઝાલા, ફીરોજભાઇ શેખ અને વિજુભા ઝાલાને મળેલી બાતમીના આધારે એસીપી જે.એચ.સરવૈયાના માર્ગદર્શન હેઠળ પી.આઇ. આર.વાય. રાવલ તથા પો.સબ. અંસારી તથા જાહીરભાઇ અનિલસિંહ સહીતના સ્ટાફે કુવાડવા હાઇવે પરના સોખડા પાટીયા પાસેથી કાર લઇને નીકળેલા મનીષદાન ગઢવીને ઝડપી લીધો હતો.

પોલીસે કારની તલાસી લેતા તેમાંથી રૂ . ૯૭,૫૨૪ ની કિંમતનો ૧૬ કિલો અને ૨૫૪ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતા ગાંજો, મોબાઇલ અને કાર સહીત રૂ . ૫.૦૭ લાખનો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસની પ્રાથમીક તપાસમાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલા મનીષદાન ગઢવી આઠેક માસથી ગાંજાનો ધંધો કરતો અને સાયલા પંથક તેમજ સુરતથી લઇ આવી વેચતો હોવાનું ખુલ્યું હતું. મનીષદાનના પિતા રેલવેના નિવૃત કર્મચારી હતા હાલ હયાત નથી પોલીસે વધુ તપાસ અર્થે ગાયક કલાકાર મનીષદાન ગઢવીને રીમાંડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.

Loading...