ખંભાલીડાની બૌદ્ધગુફાની દુર્દશા: રજૂઆત છતાં પગલા નહીં

60

પુરાતત્ત્વ વિભાગે ફિટ કરેલો ઢાંચો કદરૂપો, સ્થાપત્યની સુંદરતા મરી ગઈ

ગુફા સામે ખુલ્લી જગ્યામાં પારદર્શક ડોમ બનાવાય તો સ્થાપત્યોનું રક્ષણ થાય

પ્રાચીન સંસ્કૃતિ બચાવવા જયાબેન ફાઉન્ડેશનની વધુ એક વખત સરકારને રજૂઆત

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વિરપુર નજીક આવેલ રળીયામણા ખંભાલીડા ગામની ભાગોળે સાંતવડાની નાની ડુંગરમાળાની ગોદમાં ઝરણા કિનારે સુંદર કુદરતી સૌદર્ય ધરાવતી જગ્યાએ ૧૮૦૦ વર્ષ પ્રાચીન અદભુત શિલ્પો ધરાવતી બૌધ્ધગુફાઓ આવી છે. આવી ગુફા ગુજરાતમાં આ એક જ છે, આ રાજય રક્ષીત સ્મારક છે. વિશાળ કદના પ્રાચીન શિલ્પો ખુલ્લામાં છે જેથી વાતાવરણની થપાટોથી ખવાતા જાય છે. આરક્ષીત સ્થળને અને તેના પ્રાચીન શિલ્પોને બચાવવા જયાબહેન ફાઉન્ડેશને ર૦૦૩થી પુરાતત્વ વિભાગ તેમજ સરકારના આ વિભાગ સંભાળતા દરેક મંત્રીને રજુઆતો કરી છે અને તેની યાદ સતત આપી છે, અને તેની જાણ મુખ્યમંત્રી અને વિરોધપક્ષના નેતાને પણ કરી છે. સેંકડો પત્રો લખાયા, રૂબરૂ રજુઆતો થઇ. આશ્વાસન મલ્યુ, પત્રોના જવાબ માત્ર મલ્યા પણ સંસ્કૃતિ બચાવવાના અતિ મહત્વના પ્રશ્નનો નિકાલ આજ સુધી નથી કરવામાં આવ્યો. શુ તંત્ર પત્રોના જવાબ આપી પ્રાચીન સંસ્કૃતિ બચાવ્યાનો સંતોષ માની રહ્યું છે?

જયાબહેન ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં ફરી વિભાગના મંત્રીને વિસ્તારપૂર્વક રજુઆતો કરી છે અને તેની જાણ વડાપ્રધાન મોદી, રાજયના મુખ્યમંત્રી  રૂપાણી, વિરોધપક્ષના નેતા પરેશભાઇ ધાનાણી, કેબીનેટ કક્ષાના પ્રવાસન મંત્રી જવાહર ચાવડા, રાજકોટ જિલ્લાના રહેવાસી અને કેબીનેટ કક્ષાના મંત્રીઓ  કુંવરજીભાઇ બાવળીયા, જયશેભાઇ રાદડીયાને સતત નુકશાન પામી રહેલ આપણી પ્રાચીન સંસ્કૃતિની અલભ્ય વિરાસતને બચાવવા ભારપૂર્વક માંગણી કરવામાં આવી છે.

ફાઉન્ડેશનના પરેશ પંડયા જણાવે છે કે સેંકડો વર્ષી વાતાવરણની થપાટોથી બૌધ્ધગુફાના શિલ્પોને પારાવાર નુકશાન થઇ રહ્યું છે. ગુફાઓ નબળી પડી છે, અનેક રજુઆતો બાદ પુરાતત્વ વિભાગે બૌધ્ધગુફા ઉપર વિચીત્ર રીતે ફાઇબરનો ઢાંચો લગાડેલ છે. જે અતી કદરુપો છે, જેનાથી શિલ્પોનું રક્ષણ નથી થતું, ઉપરાંત તેનાથી પ્રાચીન સ્થાપત્યની સુંદરતા મારી નાખવામાં આવી છે. આ અંગે ફોટોગ્રાફ સાથે  મંત્રીને અનેક વખત જાણ કરવામાં આવેલ અને બૌધ્ધગુફાની મુલાકાત લેવા માંગણી કરવામાં આવેલ પણ તેમને જાણે મુલાકાત લેવાનો સમય નહી હોય ? તેથી સાચી સ્તિી તેઓએ આજ સુધી અનુભવી નથી.

ફાઉન્ડેશન દ્વારા ફરી માંગણી કરવામાં આવે છે કે બૌધ્ધગુફા અને તેના શિલ્પોને ગુફાની ઉપરની જમીનથી નીચે ગુફા સામેની ખુલ્લી જમીન પર વિશાળ પારદર્શક મજબુત પ્લાસ્ટીકનો ડોમ બાંધવામાં આવે તો સંપૂર્ણપણે શિલ્પો અને ગુફાઓ ઢંકાઇ જાય જેથી તેને વાતાવરણની થતી ખરાબ અસર સામે પુરતુ રક્ષણ આ અંગે વિસ્તૃત રીતે ઉચ્ચ સ્થાને રજૂઆત પણ કરવામાં આવી છે. આશ્ચર્ય અને દુ:ખ એ બાબતનું છે કે આપણી અલભ્ય સંસ્કૃતિ બચાવવા વર્ષોી માંગણી થાય છે, પણ કેમ કોઇ પગલા લેવામાં આવતા નથી?

બૌધ્ધગુફા પવિત્રસ્થાન છે,અહિ ઘોર તપસ્યા થઈ છે, આજે પણ અહી આધ્યાત્મિક સ્પંદનો અનુભવાય છે, અને જે સમગ્ર પશ્ર્ચિમ ભારતનું સૌથી પ્રાચીન બૌધ્ધશિલ્પ સ્થાપત્ય છે, તેની જાળવણીના અભાવે આજે તેમાં સેંકડો-હજ્જારો ચામાચીડાયાઓનો વસવાટ થઇ રહ્યો છે. સાંજે સૂર્યાસ્ત પછી તે બહાર આવે છે અને વહેલી સવારે ગુફાઓમાં ભરાઇ જાય છે.  બૌધ્ધગુફામાં પોલાણ હશે કે ચામાચીડાયાએ પોલાણ કરેલ હશે તેમાં ભરાઇ જાય છે. કેમ કે દિવસના ગુફામાં દેખાતા નથી, ભારે દુર્ગંધ અનુભવાય છે. આ પરથી એ સ્પષ્ટ થાય છે કે ગુફામાં જો પહેલેથી પોલાણ હશે તો તે સંશોધનનો વિષય બને છે. જો ચામાચીડાયાઓએ પોલાણ કર્યાહશે તો તે સમગ્ર બૌધ્ધગુફાને ભયંકર નુકશાનકારક સાબીત થશે. વધુ નુકશાન થાય તે પહેલા પગલા ભરવા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી છે.

ર૦૦૩થી સતત છેલ્લા સત્તર વર્ષથી અવિરત રજુઆતો જયાબહેન ફાઉન્ડેશન કરે છે ત્યારે પુરાતત્વ વિભાગ રજુઆતોના લેખિત જવાબ આપવા જેટલુ જ સક્ષમ છે. સ્ટાફનો સંપૂર્ણ અભાવ છે, રાજકોટ સર્કલ ઓફીસ હેઠળ ૧૦ જિલ્લાનું કાર્યક્ષેત્ર છે, આશરે ર૮૦ જેટલા રક્ષીત સ્મારકોની જાળવણીની જવાબદારી છે. નવા સંશોધનોનો વિચારજ ના થઈ શકે કેમકે આ સર્કલ ઓફીસમાં વર્ષોથી ફકત એક જ જુનિયર કલાર્ક કાયમી ફરજ બજાવે છે. આવી શરમજનક પરિસ્થિતી દુર કરી તાત્કાલીક ધોરણે સંસ્કૃતિ બચાવવા મહેકમ મુજબ સ્ટાફની ભરતી કરવા માટે અનેક રજુઆતો કરવામાં આવી છે.

ઉચ્ચ સ્થાને રજુઆત કરાય તો વર્ષોથી જવાબમાં કહેવામાં આવે છે કે ભરતી પ્રક્રિયા ચાલુ છે, તો શું આપણે પ્રાચીન સંસ્કૃતિનો વિનાશ કરવો છે? પરેશ પંડયા જણાવે છે કે  ખુશ્બુ ગુજરાત થકી જાહેરાત મેગાસ્ટાર અમિતાબ બચ્ચનને લઇ બનાવવામાં આવી જેમાં આ બૌધ્ધગુફા સામેલ હતી. જેથી પ્રવાસીઓ આવે તે આવકારદાયક છે, પ્રચાર તો કર્યો પણ આ સંસ્કૃતિની જરૂરી કાળજી લેવાઇ નથી તે પણ હકીકત છે. તેમ ફાઉન્ડાશને જણાવ્યું છે.

મુખ્યમંત્રી અને સરકારના બે કેબીનેટ મંત્રી રાજકોટ જિલ્લાના છે છતા આ જિલ્લામાં પણ પુરાતત્વ વિભાગ નિષ્ક્રીય હોય ત્યારે એ હકીકત પણ સ્પષ્ટ બને છે કે રાજય સરકારમાં આ વિષય સમજી શકે તેવો અભ્યાસુ અને વિદ્વાન મંત્રીના હવાલે પુરાતત્વ વિભાગ હોવો જોઇએ. બૌધ્ધગુફા પાસે સુવિધાજનક પ્રવાસન સ્થળનું ખાતમુહુર્ત ર૦૧૧ માં કરવામાં આવ્યું બાંધકામ શરૂ થયુ પણ છેલ્લા આશરે પપ માસથી બાંધકામ બંધ છે. સંસ્કૃતિ બચાવવા દરેક લોકપ્રતિનિધિઓ, ઉદ્યોગપતિઓ, જાહેર સંસ્થાઓ, યુનિવર્સિટીઓએ ગંભીરતાપૂર્વક સક્રિય બનવું જરૂરી છે. ચર્ચા કરવાને બદલે સંસ્કૃતિ બચાવવા માટે નિર્ણાયક પગલા ભરવા જોઇએ તે માટે તેઓએ પોતાની પુરી વગનો ઉપયોગ કરવો અતિ આવશ્યક છે. તેમ ફાઉન્ડેશનની યાદીમાં જણાવાયું છે.

Loading...