Abtak Media Google News

ધર્મ પરિવર્તન મામલે યુપી બાદ એમપી આકરા પાણીએ

યુપી સરકારે ધર્મ પરિવર્તન અંગે ગંભીરતા દાખવી કેબીનેટમાં ધર્મ પરિવર્તનને ગેરકાયદેસર ઠેરવતો ખરડો પસાર કર્યો હતો. ઉત્તરપ્રદેશની યોગી સરકારે ફક્ત લગ્ન માટે કરવામાં આવતા ધર્મ પરિવર્તનને ગેરકાયદેસર ઠેરવ્યું છે. હવેથી યુપીમાં ફક્ત લગ્ન માટે જે ધર્મ પરિવર્તન કરવામાં આવશે તેને ગેરકાયદેસર ગણવામાં આવશે. કોઈપણ વ્યક્તિએ ધર્મ પરિવર્તન કરતા પૂર્વે જે તે ધર્મ અંગેનું જ્ઞાન તેમજ વિશ્ર્વાસ હોવો પણ જરૂરી છે તેવું યુપી સરકારે નોંધ્યું છે. ત્યારે યુપી બાદ હવે મધ્યપ્રદેશની શિવરાજ સરકાર પણ ધર્મ પરિવર્તન મુદ્દે આકરા પાણીએ આવી છે.

Dbjfdmgu0Aao6Ju E1530275072274 696X411 1

શિવરાજ સરકારે ધર્મ પરિવર્તન તેમજ લવ જેહાદ અંગે ગંભીરતા દાખવી છે. શિવરાજ સરકારે આ બન્ને મુદ્દે એક ડ્રાફટ તૈયાર કર્યો છે જેમાં ૫ વર્ષની સજાને વધારીને ૧૦ વર્ષ સુધીની કરવામાં આવી છે. હવેથી મહાકાલની ભૂમિ તરીકે ઓળખાતી મધ્યપ્રદેશમાં લોભ, લાલચ કે ગેરરીતિ માટે કરવામાં આવતા ધર્મ પરિવર્તનને ગેરકાયદેસર ગણી ફોજદારી ગુનો નોંધવામાં આવશે. આ પ્રકારના ગુનામાં હવે આરોપીએ ૧૦ વર્ષની સજા ભોગવવી પડશે. તે પ્રકારનો વિધેયક એમપી સરકાર ડિસેમ્બર માસના બીજા સપ્તાહની કેબીનેટમાં મંજૂરી માટે મુકનાર છે.

મધ્યપ્રદેશના રાજ્ય ગૃહમંત્રી નરોતમ મિશ્રાએ સત્તાવાર રીતે જણાવ્યું હતું કે, ધર્મ પરિવર્તન અને લવ જેહાદ મામલે ડ્રાફટ તૈયાર કરી લેવામાં આવ્યો છે જેને ધર્મની સ્વતંત્ર્તા બીલ ૨૦૨૦-મધ્યપ્રદેશ નામ આપવામાં આવ્યું છે. આ બીલ મધ્યપ્રદેશ સરકારની કેબીનેટના શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે. જેની શરૂઆત ૨૮ ડિસેમ્બરના રોજથી થવા જઈ રહી છે. વધુમાં મિશ્રાએ જણાવ્યું હતું કે, વધતા જતા ગેરકાયદેસર ધર્મ પરિવર્તન અને લવ જેહાદને ધ્યાને રાખી સજાને આકરી બનાવવાના ભાગરૂપે ૧૦ વર્ષ સુધીની સજાની જોગવાઈ બીલમાં કરવામાં આવી છે. બળજબરીપૂર્વક, લોભ-લાલચ અથવા ગેરરીતિ માટે ધર્મ પરિવર્તન કરવું એ ગેરકાયદેસર છે. મધ્યપ્રદેશ ખાતે હાલ સુધી આ પ્રકારના મામલામાં ૫ વર્ષ સુધીની કેદ ફટકારવામાં આવતી હતી પરંતુ હવે બીલ પસાર થયા પછી આ પ્રકારના મામલામાં ૧૦ વર્ષ સુધીની કેદ ફટકારવામાં આવશે. લવ જેહાદના કાયદાને વધુ અસરકારક બનાવવા માટે આ પગલું ખુબ મહત્વનું સાબીત થશે.  મિશ્રાએ વધુમાં ઉમેર્યું હતું કે, આ પ્રકારના ગુન્હાનો બીનજામીનપાત્ર ગુનામાં સમાવેશ કરવામાં આવશે. જેથી આરોપીઓ સરળતાથી છટકી નહીં શકે.

મિશ્રાના જણાવ્યા અનુસાર ડ્રાફટ કેબીનેટની બેઠકમાં ડિસેમ્બર મહિનાના બીજા સપ્તાહ દરમિયાન રજૂ કરવામાં આવશે અને વિધાનસભાના શિયાળુ સત્રમાં કાયદાના સ્વરૂપ માટે પણ વહેલી તકે રજૂ કરવામાં આવશે. મધ્યપ્રદેશ ખાતે ધર્મ પરિવર્તનના ગુના પર નિયંત્રણ લાવવા માટે મંત્રી, ગૃહ મંત્રાલયના પ્રિન્સીપાલ સેક્રેટરી, ડાયરેકટર જનરલ ઓફ પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીની હાજરીમાં બેઠક પણ યોજવામાં આવી હતી.

સુત્રો તરફથી મળતી માહિતી મુજબ ડ્રાફટ તૈયાર થયા બાદ મંજૂરી માટે મુખ્યમંત્રી શિવરાજસિંઘ ચૌહાણને મોકલવામાં આવશે. મામલામાં શિવરાજે બુધવારે ઉમરીયા ખાતે કહ્યું હતું કે, મધ્યપ્રદેશની ભૂમિ પર કોઈપણ કાળે લવ જેહાદને ચલાવી લેવામાં નહીં આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.