Abtak Media Google News

પાડાના વાંકે પખાલીને ડામ

દુર્ઘટનાને લઈ લાંબાગાળાનાં આયોજનની જગ્યાએ ગભરાહટમાં

લુંટ બજાર ખુલ્લી: ફાયર સેફટીનાં હાટડાઓ ધમધમયા

નોટિસ અને એનઓસીનાં ચકકરમાં ‘રાહ’ ભુલતું તંત્ર

ખાનગી, ગ્રાન્ટેડ તેમજ સરકારી શાળાઓનાં સંચાલકો સાથે તંત્રએ લાંબાગાળાનું આયોજન કરવું જરૂરી?

આપણે ત્યાં કાયમ તરસ લાગે ત્યારે કુવો ખોદવા દોડીએ તેવો ઘાટ હોય છે પછી તે ભુકંપ હોય કે વાવાઝોડું, પુર હોય કે આગ કોઈપણ ઘટનામાં ઘટના ઘટયા બાદ ભયનો માહોલ ઉભો કરવામાં આવે છે. ભય હોવાને લીધે નબળા તત્વો લાભો લઈ રહ્યા છે જે માટે તંત્ર અને લોકોએ જાગૃત થવું ખુબ જ જ‚રી છે. ઘટના કે દુર્ઘટનામાંથી બોધપાઠ લઈ લાંબાગાળાનાં આયોજનની જગ્યાએ જવાબદારીમાંથી છટકી જવું શું એ સરળ માર્ગ આપણી નબળાઈઓમાં વધારો નથી થતો ? શું કોઈ એકલ-દોકલ પ્રવાસની દુર્ઘટના વિદ્યાર્થીઓને પ્રવાસથી વંચિત રાખવા એજ રસ્તા ? આવા ઘણાં પ્રશ્ર્નો જયારે સુરતની ઘટના ઘટી ત્યારપછી લોકોનાં માનસ ઉપર અને તંત્રએ પણ આવા પ્રશ્ર્નોથી બોધપાઠ લઈ લાંબાગાળાનાં આયોજન માટે સુઝબુઝ અને ધૈર્ય રાખી વિઝન સાથે કામગીરી કરવી અત્યંત આવશ્યક બની ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, સુરતમાં થોડા દિવસ અગાઉ જે ઘટના બની ત્યારબાદ સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ટાઉન પ્લાનીંગ વિભાગે ગેરકાયદેસર બાંધકામ માટે સ્કુલો-કોલેજોને એનઓસી અને નોટીસ આપી હતી. ખરેખર તો આવી ઘટના બાદ જ તંત્ર હરકતમાં આવતું હોય છે જોકે ટાઉન પ્લાનીંગ શાખાએ જે-તે સમયે બાંધકામ થયું હોય ત્યારે મંજુરી મળવી જોઈએ તે ચેક કરતું નથી અને હવે સુરતની ઘટના બાદ મોટાભાગનાં બાંધકામોમાં તંત્ર દ્વારા નોટીસ આપવામાં આવી રહી છે. જો પ્લાન પાસ હોય તો હવે શેની નોટીસ ?

આજે ૨૧મી સદીમાં દરેક ગામડાઓ, શહેરો, મેગા શહેરો ડેવલોપ થઈ રહ્યાં છે ત્યારે તમામ ગામડા અને શહેરોમાં ફાયર સેફટીનાં સાધનો તેમજ કોઈ આકસ્મિક ઘટના સર્જાય તો તે માટેનાં સાધનોમાં અપગ્રેડેશન જરૂરી નથી. સુરતમાં જે ઘટના બની ત્યારે ફાયર બ્રિગેડ પાસે ચોથા માળે પહોંચી શકે તેવી સીડી ન હતી. આવી ઘટના બાદ જ તંત્ર દ્વારા ધોસ બોલાવવામાં આવે છે અને નોટીસો ફટકારવામાં આવે છે તો આગોતરું આયોજન કરી તમામ શહેરો અને ગામડાઓમાં આધુનિક સાધનો વિકસાવવા જરૂરી બન્યા છે.

લોકોનો જીવ જોખમમાં મુકીને બેદરકારી દાખવતી સંસ્થાઓ સામે માત્ર કલમ ૨૬૦ની નોટીસ ફટકારવી જ સજા છે ? લોકોનાં જીવ સાથે પોતાનાં ફાયદા માટે જાણે રમત રમતા હોય તેવા તત્વો સામે માત્ર આવી કાગળની નોટીસ પુરતી ન ગણાય તેવા સુર ઉઠવા પામ્યા છે. વધુમાં ઘટનાનાં થોડા દિવસોમાં તંત્ર સફાળુ જાગીને નોટીસોની બજવણી કરવામાં કોઈ કચાશ છોડતી નથી પરંતુ આ બધું ક્ષણિક જ હોય છે. થોડા દિવસો બાદ તંત્ર જૈસે થેની સ્થિતિમાં આવીને પોતાએ જ ફટકારેલી નોટીસોને પોતે જ ભુલી જતું હોય છે.

સુરતમાં જે ઘટના બની તેવી ઘટના જો ભાગ્યે સર્જાય તો તંત્રનું કામ લોકોનો ગભરાહટ ઓછો કરવાનું હોય છે અને લોકોની સલામતી રાખવાનું કામ કરવાનું હોય છે જોકે આવી ઘટના બાદ દરેક વખતે તંત્ર લોકોનો ગભરાહટ ઓછો કરવાની વાત દુર રહી પરંતુ અનેક સ્થળોએ જઈને ધોસ બોલાવતી હોય છે જોકે આવા સમયે તંત્ર દ્વારા લોકોની સલામતી અને ગભરાહટ ન સર્જાય તેમજ લોકોને એજયુકેટ કરવા અત્યંત આવશ્યક બન્યું છે.

સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં હાલ સ્કુલો અને કોલેજોમાં વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે બસ હવે ગણતરીનાં દિવસો બાદ જ સ્કુલો અને કોલેજો ફરીથી ધમધમવાનાં છે ત્યારે તંત્ર દ્વારા જે રીતે સ્કુલો અને કોલેજોમાં તેમજ ટયુશન કલાસીસોમાં નોટીસ ફટકારવામાં આવી રહી છે અને સીલ લગાવવામાં આવી રહ્યા છે શું આજ યોગ્ય રસ્તા છે ? સ્કુલો અને કોલેજોમાં ફાયર સેફટીનાં સાધનો વિકસાવવામાં આવી કોઈ ઘટના સર્જાય તો તેનાથી કેમ બચવું તે માટે સમય આપવો પણ હાલ અતિ જરૂરી બન્યો છે. હાલ સ્કુલ અને કોલેજોમાં તંત્રની બીકનાં કારણે સંચાલકોમાં પણ ગભરાહટનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યો છે અને હાલ જે સંસ્થાઓ ફાયર સેફટીની વ્યવસ્થા કરી રહી છે તે સુરક્ષા માટે નહીં પણ તંત્રની કાર્યવાહીથી બચવા માટે કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.

સુરતની ઘટના બાદ સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં લોકો ફાયર સેફટીનાં સાધનો લગાવવા પડાપડી બોલાવી રહ્યા છે. ફાયર સેફટીનાં હાટડાઓ ધમધમવા લાગ્યા છે. એકબાજું ફાયર સેફટીનાં સાધનોને લઈ બજારમાં અછતની સ્થિતિ સર્જાય છે ત્યારે એકી સાથે ફાયર સેફટીનાં સાધનો લાવવા ઉઠેલી માંગને પહોંચી વળવા તંત્ર કટીબઘ્ધ છે? કયાંકને કયાંક જે ઘટના સુરતમાં બની છે ત્યારબાદ એવું લાગી રહ્યું છે કે, તંત્ર પોતાની જવાબદારીમાંથી છુટવા માંગી રહ્યું છે.

એક બાદ એક સ્કુલ, કોલેજો અને ટયુશન કલાસીસો પર તંત્ર દ્વારા ધોસ બોલાવી નોટીસો આપવામાં આવી રહી છે. શું તંત્રને ખબર છે કે, જે ઘટના સુરતમાં બની તે હવે બે-પાંચ દિવસમાં ફરી પાછી આવી ઘટના બનવાની હોય તેવી રીતનાં તંત્ર હાલ કામગીરી કરી રહ્યું છે તો શું તંત્રને ખબર જ છે કે ફરી દુર્ઘટના સર્જાશે. જોકે આવી કામગીરીનાં બદલે ખાનગી ગ્રાન્ટેબલ તેમજ સરકારી શાળાઓનાં સંચાલકો સાથે તંત્રએ લાંબાગાળાનું આયોજન કરવું ખુબ જ જરૂરી બન્યું છે. 

ડિઝાસ્ટર મેનેજમેન્ટ પરંતુ ડિઝાસ્ટર વિનાનું મેનેજમેન્ટ કયારે?

તાજેતરમાં સુરતમાં બનેલી ઘટનાને લઈ તંત્ર જાણે સફાળુ જાગ્યું હોય તેવી કામગીરી કરી રહ્યું છે. સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવી સંસ્થાઓ ઉભી છે ત્યારે આવી ઘટના બાદ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા દુર્ઘટના વધુ ન સર્જાય તે માટે કામગીરી કરતી હોય છે જોકે ડિઝાસ્ટર ન થાય તે માટે આયોજનવાળું તંત્ર કયારે બનશે તે જોવાનું રહેશે. સુરતમાં આગની ઘટનાને પગલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા અનેકવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે હવે ભવિષ્યમાં આવી કોઈપણ ઘટના ન સર્જાય તે માટેનું આયોજનવાળું તંત્ર બનાવવું અતિઆવશ્યક છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટો છે પરંતુ ડિઝાસ્ટર વિનાનું મેનેજમેન્ટ કયારે?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.