Abtak Media Google News

જામનગર જિલ્લા સહકારી બેન્કના એમડી જીવણભાઈ કુંભરવડિયાએ કાઢી સરકારની ઝાટકણી

ગુજરાતની ભાજપ સરકારે દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત વિસ્તારો માટે જાહેર કરેલી રાહતો ખેડૂતો અને ગામડાઓની મશ્કરીરૃપ હોવાનો આક્ષેપ જિલ્લાના સહકારી અગ્રણી તેમજ જિલ્લા સહકારી બેંકના મેનેજીંગ ડાયરેક્ટર જીવણભાઈ કુંભરવડિયાએ એક નિવેદનમાં કર્યો છે. સરકારની વિલંબ નીતિ તથા અણઆવડત સાથેના અણઘડ વહીવટ અંગે પણ તેમણે આક્રોશ વ્યક્ત કર્યો છે.

ગુજરાત સરકાર તરફથી પ૧ જેટલા તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરી આ અછતના કામકાજને ૧ લી ડિસેમ્બર ર૦૧૮ થી અમલમાં મૂકવાનો નિર્ણય લેવાયાનું જાણવા મળ્યું છે, પરંતુ હજુ ગુજરાતમાં ઘણાં તાલુકા ગામોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની જરૃર છે. તેવી પરિસ્થિતિનો કયાસ વર્તમાનપત્રોના રિપોર્ટો ઉપરથી મળી રહે છે.

આ વર્ષે ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં ખૂબ જ ઓછો વરસાદ પડેલ છે અને દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગ્રામ્ય વિસ્તારની પ્રજાની ખૂબ જ દયનીય પરિસ્થિતિ છે, અને ખેડૂતો માટે તો ઉપર આભ અને નીચે  ધરતી તેવી અકલ્પનીય હાલત છે. ખેડૂતોનો પાક સંપૂર્ણપણે નાશ થયો છે.

કોઈ  ઉપજ કે પેદાશ મળે તેમ નથી. પશુઓ માટે ઘાસચારા અને પ્રજાને પણ પીવાના પાણીની અસાધારણ મુશ્કેલીઓ ઊભી થઈ છે. માલધારી લોકો પશુધન સાથે ક્યાંક પાણી હોય તેવા વિસ્તારની શોધ સાથે હિજરત કરી રહ્યા છે, અને આમ લોકો માટે રોજીરોટી અને રોજગારીના ભયજનક પ્રશ્નો ઊભા થઈ ગયા છે. ખેડૂતો આપઘાત કરી રહ્યા છે તેવા સમાચારો પણ મળે છે.

આવી વિકટ પરિસ્થિતિમાં સરકારનો પ્રજાજનોને મદદ કરવાનો તાત્કાલિક અભીગમ હોવો જોઈએ તેને બદલે ડિસેમ્બર ર૦૧૮ થી આવી દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિનો સામનો કરવાની શરૃઆત કરવાનો નિર્ણય જાહેર કરવો તે બિલકુલ અયોગ્ય અને ભૂલભરેલું પગલું છે.

સરકારે મોરબી તાલુકામાં સાવ ઓછો વરસાદ હોવા છતાં તેને અછતગ્રસ્ત જાહેર ન કરીને વાહલાદવલાની નીતિને ઉજાગર કરેલ છે. મોરબી તાલુકાને અડીને આવેલ ચારેકોરના વિસ્તારો જેમ કે મળવદ, વાંકાનેર, માળિયા મિયાણા અને જોડિયા, ધ્રોળ તાલુકાઓમાં રપ૦ મી.મી.થી ઓછો વરસાદ હોવાનું દર્શાવેલ છે, ત્યારે મોરબી તાલુકામાં રપ૦ મી.મી.થી વધારે વરસાદ હોવાની કોઈ કાળે સંભાવના રહેતી જ નથી તેવી ચોખ્ખી વાત છે.

આમ મોરબી તાલુકાને અન્યાય કરેલ છે તે દિવા જેવી વાત છે. મોરબી તાલુકાના પ્રજાજનો માને છે કે તેમના તાલુકાને અછતગ્રસ્ત જાહેર ન કરવામાં સરકારનું ખોટી રીતે અધિકારીઓ ઉપર દબાણ થયું છે.ખેડૂતોને હેક્ટરએ રૃા. ૬,૮૦૦ અને વધુમાં વધુ બે હેક્ટર સુધી ૧૩,૬૦૦ સહાય તરીકે આપવાની સરકારે જાહેરાત કરી છે.

તે ઘણી ઓછી રકમની જાહેરાત છે. કારણ કે ભારત સરકાર તથા ગુજરાત સરકાર વીમા પ્રિમિયમ તરીકે વીમા કંપનીઓને કપાસમાં રૃા. ૩પ,ર૦૦ અને મગફળીમાં રૃા. ૧૯,ર૦૦ ખેડૂત દીઠ ગણીને આશરે ૧પ,૦૦૦ કરોડ રૃપિયા વીમા પ્રિમિયમની રકમ સરકાર વીમા કંપનીઓને આપવાની છે.

તે જોતા આવી સહાયની રકમ ઘણી ક્ષુલક અને વામણી જણાય છે. આ હકીકતે ખાનગી વીમા કંપનીઓને મળતી કરોડોની રકમના સંદર્ભમાં ખેડૂતોને મળનાર રાહતની રકમની ગણતરીઓ સરકારે કરવી જોઈએ તેવી સમયની માંગ છે.

આવા વિકટ સમયે તો અછતની પરિસ્થિતિ સરકાર જાહેર કરે તે પહેલા ડીઝાસ્ટર મેનેજમેન્ટ પગલાંઓ ભરી લેવા જોઈએ અને તેમાં પણ સરકારે ઘણું મોડું કરી દીધેલ છે. અમારૃ સૂચન છે કે આ ડિસેમ્બરની વાટ જોવાને બદલે તાત્કાલિક અસરથી તાલુકા જિલ્લા સ્તરે અછત અને રાહત વિગેરે કામકાજ માટે સમિતિઓની રચના કરી દેવી જોઈએ અને આવી સમિતિઓમાં ગ્રામ્ય/તાલુકા/જિલ્લા પંચાયતના પદાધિકારીઓ તથા સરકારી અધિકારીઓ અને સમાજના સેવાભાવી માણસોને નીમી તાત્કાલિક આયોજન કરી ઘાસ વિગેરે પશુઓની જરૃરિયાતવાળી વસ્તુઓ તથા ગરીબ લોકો વિગેરે માટે પણ જરૃરી વસ્તુઓની ઉપલબ્ધીના પગલાંઓ લેવા જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.