Abtak Media Google News

પોતાના હકકનાં પૈસા મેળવવા માટે છેલ્લા ૧૫ દિવસથી એસબીઆઈ બેંકના ધકકા ખાતા નિવૃત પટ્ટાવાળા: મેનેજરે ઉઘ્ધતાઈભર્યા વર્તન સાથે કહી દીધું આવા પ્રશ્નો મને ન કહેવા

પોલીસ કમિશનર કચેરીના નિવૃત પ્યુને કચેરી સ્થિત એટીએમ મશીનમાં કાર્ડ નાખીને પૈસા ઉપાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ પૈસા ઉપડયા ન હતા તેમ છતાં બેંક ખાતામાંથી પૈસા ઉધાર થઈ ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે. વધુમાં પોતાના હકકના પૈસા મેળવવા માટે આ પ્યુન છેલ્લા ૧૫ દિવસથી એસબીઆઈ બેંકના ધકકા ખાઈ રહ્યા છે. મેનેજરે એવો ઉઘ્ધતાઈભર્યો જવાબ પણ આપ્યો છે આવા નાના પ્રશ્નો લઈને મારી પાસે આવવું નહીં.

પોલીસ કમિશનર કચેરીના નિવૃત પટ્ટાવાળા યુનુસભાઈ ઉમરભાઈ શેખ તા.૧ના રોજ કમિશનર કચેરી ખાતે જ આવેલા એટીએમ મશીને પૈસા ઉપાડવા માટે પહોંચ્યા હતા ત્યારે આ મશીનમાં કાર્ડ નાખ્યા બાદ પૈસા ઉપડયા ન હતા પરંતુ બેંક ખાતામાંથી પૈસા ઉધાર થઈ ગયા હતા ત્યારે યુનુસભાઈએ જવાહર ચોક સ્થિત એસબીઆઈ બેંકની શાખાનો રૂબરૂ સંપર્ક કર્યો ત્યારે તેઓએ એક કલાકની રાહ જોવાનું જણાવ્યું હતું.

આમ તેઓએ એક-એક કલાકના ગાળે બે થી ત્રણ ધકકા બેંક ખાધા તેમ છતાં તેઓના ખાતામાં પૈસા પરત જમા થયા ન હતા અંતે બીજા દિવસે તેઓને ફોર્મ ભરવાનું જણાવાયું હતું. બાદમાં એક અઠવાડિયા સુધી પણ કોઈ કાર્યવાહી ન થતા ફરી તેઓ કચેરીએ ગયા હતા ત્યારે માલુમ પડયું હતું કે, તેઓએ જે ફોર્મ ભર્યું હતું તે હજુ સુધી ઈન્વર્ડ પણ કરવામાં આવ્યું ન હતું.

આમ એસ.બી.આઈ બેંકના કર્મચારીઓએ એક બીજાને ખો આપીને નિવૃત પટ્ટાવાળાને બેંકના પટ્ટાવાળા બનાવી દીધા હતા. ઉપરાંત આ મામલે જયારે નિવૃત પટ્ટાવાળાએ બેંક મેનેજરનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો ત્યારે બેંક મેનેજરે ઉઘ્ધતાઈ ભર્યા વર્તન સાથે કહ્યું કે, હું તમને જવાબ દેવા માટે બંધાયેલો નથી. આવા પ્રશ્નો મને કહેવા નહીં.

આમ પોતાની નિવૃતિના સમયમાં એક તરફ આર્થિક પછડાટ ભોગવી રહેલા સિનિયર સીટીઝનને એસબીઆઈ બેંકના સ્ટાફ દ્વારા હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ થયો છે ત્યારે આ સિનિયર સીટીઝનને પોતાના હકકના પૈસા પરત મળે છે કે કેમ તે જોવું રહ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.