Abtak Media Google News

મંત્રી રમણલાલ પાટકરની ઉપસ્થિતિમાં જસદણ ખાતે જિલ્લા કક્ષાની ૭૩માં સ્વાતંત્ર્ય પર્વની આન, બાન અને શાનથી ઉજવણી

સમગ્ર દેશમાં ૭૩મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન અને શાનથી ઉજવણી કરવામાં આવી હતી. મોડેલ સ્કૂલ, જસદણ ખાતે રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી પ્રસંગે વન અને આદિજાતિ વિકાસ રાજય મંત્રી રમણલાલ પાટકરે ત્રિરંગો ફરકાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાનમાં જોડાઈ આ મહાપર્વમાં સહભાગી બન્યા હતા..

મંત્રી રમણલાલ પાટકરે આઝાદી પર્વની શુભેચ્છા પાઠવતા ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને જનસમૂહને જણાવ્યું હતું કે, દેશને આઝાદ કરાવવા અનેક વીર સપૂતોએ બલિદાન આપ્યા છે, દેશના સાર્વભૌમત્વને અખંડ રાખવાની જવાબદારી આપ સૌ કોઈ યુવાનોના શિરે છે. આજનો પર્વ ખાસ હોવાનું જણાવતા તેમણે કહ્યું હતું કે સરદાર વલ્લભભાઈ અને પૂ. બાપુના અખંડ ભારતના સ્વપ્નને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહની આગેવાની હેઠળ જમ્મુ કાશ્મીરમાં ૩૭૦ કલમ દૂર કરી પૂર્ણ કરેલ છે.આ પ્રસંગે દેશદાઝથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ થયા હતા, જેમાં જસદણની મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓએ જય હો ગીત પર સુંદર ડાન્સ રજુ કર્યો હતો. વિછીયાની કે.જી.બી.વી. સ્કૂલના વિદ્યાર્થીઓએ યોગ નિદર્શન કર્યું હતું. એસ.પી.એસ આટકોટની શાળાના વિદ્યાર્થીઓએ સેલ્ફ ડિફેન્સના દાવ રજુ કર્યા હતા. ઓમકાર વિદ્યાલય જસદણના વિદ્યાર્થીઓએ ‘નહીં તીર તલવાર’ ગીત પર સુંદર રજુઆત કરી હતી. વી.પી. હાઇવે વીરનગરના વિદ્યાર્થીઓએ દંગલ ગીત, આસ્થા સ્કુલના વિદ્યાર્થીઓએ પુલવામાં થીમ પર હૃદયદાવક રજુઆતકરી હતી. એમ.બી અજમેરા સ્કુલના વિદ્યાર્થીઓએ ‘દુધે તે ભરી તલાવડી’ ગીત પર ગરબા રજૂ કર્યા હતા. અમરાપુર આદર્શ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પિરામિડ કૃતિ રજૂ કરી હતી તેમજ નવાગામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ આદિવાસી નૃત્ય રજૂ કરી સૌ કોઈને રોમાંચિત કરી દીધા હતા.

મંત્રી તેમજ મહાનુભાઓ દ્વારા કૃતિ રજુ કરનાર બાળકોને પ્રોત્સાહનરૂપે ધનરાશિ આપવામાં આવી હતી જયારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમના વિજેતાઓને ઇનામ વિતરણ કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન સંજયભાઈ સખીયા તેમજ નીતાબેન અંતાણીએ કર્યું હતું. કાર્યક્રમના અંતે મહાનુભાઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વન વિભાગ દ્વારા આ પ્રસંગે વિના મૂલ્યે રોપા વિતરણ કરાયું હતું. સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે સરદાર પટેલ જળસંચય યોજના ના ચેરમેન ડો. ભરતભાઈ બોઘરા, નગરપાલિકા પ્રમુખ પ્રજ્ઞેશભાઈ હિરપરા, મેહુલભાઈ બરાસરા,કલેકટર ડો. રાહુલ ગુપ્તા, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવાસીયા, ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીના, પ્રાંત અધિકારી એ. એચ.  ચૌધરી, મામલતદારશ્રી ધાનાણી, ચીફ ઓફિસર પરાક્રમસિંહ, જિલ્લા શિક્ષણાધિકારી ઉપાધ્યાય, પ્રાથમિક શિક્ષણાધિકારી એન.જી. વ્યાસ, યુવક સેવા અને સાંસ્કૃતિક અધિકારી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, અગ્રણિઓ ભીખાભાઇ, ભરતભાઈ, મનસુખભાઇ, પંકજભાઈ, કાજલબેન, સ્વાતંત્ર સેનાની, જિલ્લાના તથા નગરના વરિષ્ઠ નાગરિકો, વિવિધ શાળાના છાત્રો, વિવિધ વિભાગના સરકારી અધિકારીઓ તથા દેશપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.