Abtak Media Google News

ફાયરીંગ કે પથ્થરથી કાચ ફૂંટયો તે અંગે વૈજ્ઞાનીક ઢબે પરિક્ષણ  બાદ સાચુ કારણ બહાર આવશે:  એસ.પી.બલરામ મીણા

કાર્યાલયેથી મોડી રાત્રે ઘરે જતી વેળાએ ડબલ સવારી બાઈક ચાલકે ફાયરીંગ કર્યાની કાર ચાલકની આશંકા

લોકસભાની ચૂંટણીના મતદાનને ગણતરીની કલાકો આડે છે બંને પક્ષ દ્વારા ચૂંટણી જંગ જીવતા મરણીયા પ્રયાસ થઇ રહ્યા છે. ત્યારે પોરબંદર લોકસભાની બેઠકના કોંગ્રેસના ઉમેદવારના સમર્થક પર મોડીરાતે ગોંડલ નજીક ફાયરિંગ થયાની ઘટનાના કારણે રાજકીય ગરમી સાથે ચર્ચાએ ચકચાર જગાડી છે. ફાયરિંગ થયું છે કે કેમ અને કોણે કર્યુ તે અંગે પોલીસે વૈજ્ઞાનિક ઢબે તપાસમાં ફાયરિંગ અંગેના કોઇ પુરાવા મળ્યા ન હોવાનું સામે આવ્યું છે. તેમજ વધુ તપાસ માટે સેમ્પલ ગાંધીનગર એફ.એસ.એલ.માં મોકલવામાં આવ્યા છેતેમ પત્રકાર અને એસ.પી. બલરામ મીણાએ જણાવ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ નજીક આવેલા નાગરકા ગામે રહેતા કોંગ્રેસના કાર્યકર રાજેશભાઇ લાલજીભાઇ સખીયા નામના પટેલ યુવાન પોતાની કાર લઇને નાગરકા ગામે જઇ રહ્યા હતા ત્યારે તેમની કાર પાછળ બાઇક પર આવેલા બે શખ્સોએ ફાયરિંગ કર્યાનું મોડીરાતે પોલીસમાં જાહેર થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓમાં ઘટના સ્થળે દોડી ગયા હતા.

જિલ્લા પોલીસ વડા બલરામ મીણા અને ડીવાય.એસ.પી. હરપાલસિંહ જાડેજા અને ગોંડલ પી.આઇ. પી.એસ. કોરીંગા સહિતના સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા. ફાયરિંગ અંગેના પુરાવા એકઠા કરવા એફએસએલની મદદ લેવામાં આવી હતી. મોડીરાતે એફએસએલના ખાસ તપાસ થઇ ન હતી તેમ છતાં કારની પાછળના કાર પર ફાયરિંગ નહી પણ પથ્થરની મદદથી કાચ તોડવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

એફએસએલની ટીમ દ્વારા કારની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પરંતુ સબળ પુરાવો ન મળતા વધુ તપાસ માટે કાચના નમુના લઈ ગાંધીનગર એફએસએલ ખાતે મોકલવામાં આવશે અને જે તપાસમાં બહાર આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ પત્રકારોને જિલ્લા પોલીસવડા બલરામ મીણાએ જણાવ્યું હતું.

ગોંડલ મત વિસ્તારના ૧૧૩ જેટલા મતદાન બુથ અતિ સંવેદનશીલ હોવાનું અને ત્યાં પોલીસનો વધુ બંદોબસ્ત મુકવાની માગણી સાથે હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી તેમજ ગોંડલના મતદારોને અનિરૂધ્ધસિંહ જાડેજા અને પૂર્વે ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની હાજરીના કારણે મતદારો મતદાન કરતા ખચકાતા હોવાનું જણાવવામાં આવ્યું હોવાના કારણે ફાયરિંગ થયાનો રાજેશ સખીયા દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પોલીસે આ દિશામાં પણ તપાસ હાથધરી છે.

રાજેશ સખીયા ગોંડલથી કાર લઇને મોડીરાતે નાગડકા જઇ રહ્યા હતા ત્યારે નાગડકા નજીક જ ધડાકાનો અવાજ આવ્યો હતો ત્યારે ડબલ સવારી બાઈક પર બે શખ્સોએ પોતાની કારની સાઈડ કાપી હતી આથી તેઓએ ફાયરીંગ કર્યાની પોલીસને આશંકા દર્શાવી હતી પણ પોતે ફાયરીંગ કર્યા હોવાનું જોયુ ન હતું તેમ પણ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.