વિધાનસભાની ૮ બેઠકોની પેટાચૂંટણીમાં આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ

૧૬ ઓક્ટોબર સુધી ફોર્મ ભરી શકાશે, ફોર્મ ભરવા માટે ચૂંટણી પંચે ઓનલાઈન વ્યવસ્થા પણ ગોઠવી : ભાજપ અને કોંગ્રેસ બન્ને મુખ્ય પક્ષો દ્વારા હજુ એક પણ ઉમેદવારોના નામ સત્તાવાર રીતે જાહેર કરાયા નથી

વિધાનસભાની ખાલી પડેલી ૮ બેઠકોની પેટાચૂંટણી માટે ૩ નવેમ્બરે મતદાન થવાનું છે. આ પેટાચૂંટણી માટે આજથી ઉમેદવારીપત્રો ભરવાનો પ્રારંભ થયો છે. ઉમેદવાર રૂબરૂ જઇને અથવા તો ઓનલાઇન ફોર્મ ભરી શકે છે. ત્યારે ઉમેદવારો ૧૬ ઓક્ટોબર સુધી ઉમેદવારી પત્રો ભરી શકશે. જોકે, બંને મુખ્ય રાજકીય પક્ષોએ હજુ સુધી પોતાના ઉમેદવારો જાહેર નથી કર્યા. ૮ માંથી ૭ બેઠકો પર ભાજપના ઉમેદવારો લગભગ નક્કી છે.  માત્ર ઔપચારિક જાહેરાત આગામી સપ્તાહે કરવામાં આવશે. ભાજપના સંભવિત ઉમેદવારોએ પ્રચાર કરવાની શરૂઆત પણ કરી દીધી છે.

જૂનમાં રાજ્યસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા બાદ આઠ બેઠકો ખાલી પડી હતી. જેમાં મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ, અબડાસા, લિંબડી અને કપરાડા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણી પંચે પણ તૈયાર શરૂ કરી લીધી છે. કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં વિધાનસભાની ૮ બેઠકો માટેની પેટા ચૂંટણી આગામી ૩ નવેમ્બરે યોજાનાર છે. જેના ઉમેદવારી ફોર્મ આજથી ભરાવાના શરુ થયા છે. ત્યારે ઉમેદવારોને આ ચૂંટણી માટે ઓનલાઈન ફોર્મ ભરવાની સુવિધા પણ શરુ કરી દેવામાં આવી છે.આ અંગે રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી ડો. એસ. મુરલી ક્રિષ્ણાએ જણાવ્યું હતું કે હાલમાં કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને જોતાં ગુજરાતમાં ૮ બેઠકોની પેટા ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે વધારાની સુવિધા ૂૂૂ.તીદશમવફ. યભશ.લજ્ઞદ.શક્ષ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ વેબસાઈટ પર જે તે બેઠક પર ઉમેદવારી કરી રહેલા ઉમેદવારો પોતાના ફોર્મ ઓનલાઈન ભરી શકશે. તે ઉપરાંત ઉમેદવારી ફોર્મ સાથે એફિડેવિટ પણ ઓનલાઈન ભરી શકશે. ઓનલાઈન ફોર્મ ભરવા માટે ઉમેદવારને ત્રણ તારીખના વિકલ્પ આપવામાં આવ્યાં છે. આ ત્રણ તારીખમાંથી કોઈ પણ એક તારીખે ઉમેદવારે રિટર્નિંગ ઓફિસર પાસે ઓનલાઈન ભરેલા ફોર્મની પ્રિન્ટ સહી કરીને રૂબરૂમાં રજુ કરવાની રહેશે.

૮૦ વર્ષના સિનિયર સિટીઝનો તથા દિવ્યાંગો માટે પોસ્ટલ બેલેટની સુવિધા

મુખ્ય નિર્વાચન અધિકારી ડો. એસ.મુરલી ક્રિષ્ણાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યની પેટા ચૂંટણીમાં ૮૦ વર્ષ કે તેથી વધુ વયના સિનિયર સિટીઝનો તથા દિવ્યાંગ મતદારો મતદાન કરી શકે તે માટે ભારતનાં ચૂંટણી પંચે ખાસ વ્યવસ્થા ગોઠવી છે. સૌ પ્રથમ બુથ લેવલ ઓફિસર દ્વારા આ મતદારોના ઘરે જઈને તેમને ફોર્મ ૧૨- ડી પહોંચાડાશે. ત્યારબાદ તેની ચકાસણી કર્યા બાદ પોસ્ટલ બેલેટ રિટર્નીંગ ઓફિસર દ્વારા ઈસ્યુ કરવામાં આવશે અને પછી, સ્પેશ્યિલ પોલિંગ ટીમ દ્વારા વોટિંગ કરેલા પોસ્ટલ બેલેટ એકત્ર કરવામાં આવશે. આમ, રાજ્યની આઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં નાગરિકો મત આપવાના અધિકારથી વંચિત રહી ન જાય તેનું ચૂંટણી પંચ દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

આચારસંહિતા પર નજર રાખશે ચૂંટણી પંચ, ૨૭ ફ્લાઈંગ સ્ક્વોડ આજથી કાર્યરત

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી માટે મુખ્ય ચૂંટણી પંચે ૮ બેઠકો માટે તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. કોરોનાને કારણે આ વખતે ૫૬૫ જેટલા વધું બૂથ રાખવામાં આવશે. ૮ બેઠકો માટે કુલ ૩૦૨૪ બૂથ બનાવવામાં આવશે. આજથી ૨૭ જેટલી ફ્લાઈંગ સ્કોડ ૮ બેઠકો પર ચૂંટણી આચાર સંહિતા પર નજર રાખશે.

ભાજપના ઉમેદવારો ૧૨ ઓક્ટોબર બાદ ફોર્મ ભરશે

ભાજપના ઉમેદવારો ૧૨ ઓક્ટોબર બાદ ફોર્મ ભરશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જોકે, ભાજપના તમામ ઉમેદવારો રૂબરૂમાં ફોર્મ ભરશે. કોરોનાને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે તૈયાર કરાયેલા વેબ પોર્ટલનો ઉપયોગ નહિવત રહેશે. ઉમેદવારી ફોર્મ ભરવા સમયે રાજ્ય સરકારના મંત્રી તથા સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. તેમજ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ પણ હાજરી આપશે.

કોરોનાના સંક્રમિત કે શંકાસ્પદ દર્દીઓ માટે અલાયદી સુવિધા

હાલના સમયમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા તથા શંકાસ્પદ દર્દીઓ મત આપ્યા વિના રહી ન જાય તે માટે ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા પ્રમાણે નિયત નમૂના ફોર્મ-૧૨ ડીમાં જરૂરી વિગતો સાથે ચૂંટણીના જાહેરનામાની તારીખના પાંચ દિવસની અંદર ચૂંટણી અધિકારીને ફોર્મ ૧૨-ડી પહોંચાડવાના રહેશે. કોરોનાથી પ્રભાવિત મતદારો હોસ્પિટલાઈઝડ છે કે ઘરે અથવા અન્ય જગ્યાએ ક્વોરન્ટીન છે તેની વિગતો દર્શાવતું આરોગ્ય સત્તાધિકારીનું પ્રમાણપત્ર અને ભરેલાં ફોર્મ સાથે સામેલ કરીને સંબંધિત રિટર્નિંગ ઓફિસરને પહોંચાડવાનું રહેશે.

Loading...