Abtak Media Google News

યાત્રાળુઓની આતુરતાનો અંત

૧૩ વર્ષ પહેલા ખાતમુહૂર્ત કર્યા બાદ હવે લોકાર્પણનો લ્હાવો પણ નરેન્દ્રભાઈ લેશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના મહાનુભાવો રહેશે ઉપસ્થિત

વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ગિરનાર રોપ વે આગામી ૨૪ ઓકટોબરના સાકાર થાય તે માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, વડાપ્રધાન મોદી ૨૪ ઓક્ટોબરે પોતાના ડ્રીમ પ્રોજેક્ટ ગિરનાર રોપ વે નું લોકાર્પણ કરશે અને આ તકે મુખ્યમંત્રી રૂપાણી ખાસ હાજર રહેશે તેવું જાણવા મળી રહ્યું છે.

ગરવા ગઢ ગિરનાર ઉપર રોપ-વે શરૂ થાય તે માટે દસકાઓથી જૂનાગઢના રાજકીય, સામાજિક અગ્રણીઓએ ભારે જહેમત ઊઠાવી હતી અને દસકાઓથી પ્રવાસીઓ, યાત્રાળુઓ ગિરનાર રોપ-વે શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા હતા.

જો કે, ગિરનાર રોપ વે શરૂ થવા માટે અનેક વિઘ્નો આવી પડ્યા હતા. અને વિવિધ પ્રશ્નો એ ચાર દસકાઓથી ગિરનારનો પ્રોજેક્ટ ટલે ચડી રહ્યો હતો. તો વાદ વિવાદો, કાનૂની લડત તથા વિવિધ બાબતો અને સરકારના વિવિધ વિભાગો દ્વારા ન મળતી મંજૂરીના કારણે દસકા સુધી ગિરનાર રોપ વે પ્રોજેક્ટ સાકાર થાય તે માટે જૂનાગઢના વિવિધ પક્ષના આગેવાનો સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ દ્વારા ભારે મહેનત તો કરવામાં આવી હતી છતાં પણ દસકાઓ સુધી ગિરનાર રો પ વે માટે માટે લોકોને ઇન્તજાર કરવો પડ્યો હતો.

વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે એક સપનું સેવ્યું હતું કે,  ગિરનાર રોપ-વે પ્રોજેક્ટ શરૂ થવો જોઈએ અને તેમણે ૧/૫/૨૦૦૭ ના રોજ રોપ વે પ્રોજેક્ટનો સિલાયાન્સ કર્યો હતો. પરંતુ ફરી એક વખત આ પ્રોજેક્ટના રૂટ ઉપર આવતા ગીધના માળા ના કારણે અધ્ધરતાલ થયો હતો અને તેના કારણે રોપ વે નો રૂટ બદલાવી નવો રૂટ તૈયાર કરાયો હતો.

જો કે, ગુજરાતના મુખ્યમંત્રી મોદી બાદમાં વડાપ્રધાન બનતા તેમણે તેમના ડ્રીમ પ્રોજેક્ટ સાકાર કરવા અને જૂનાગઢના અગ્રણીઓ તથા લોકોની માંગણીને સંતોષવા માટે અંગત રસ લઈ તમામ વિભાગોમાંથી સત્વરે મંજૂરી મળે અને રોપ વે પ્રોજેક્ટ માટે પૂરતી ગ્રાન્ટ ફાળવવામાં આવે તે માટે સતત પ્રયત્નશીલ રહી અંતે જુનાગઢના રોપ વેનો  ફરી એક વખત સિલાયાંસ કર્યો હતો. અને વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત જૂનાગઢનાા પ્રવાસે આવી બહાઉદ્દીન કોલેજના મેદાનમાં તેમણે જાહેર કર્યું હતું કે, હું ગિરનાર રોપ વે નું મારા હાથે લોકાર્પણ કરીશ.

આમ વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ અને જૂનાગઢની આર્થિક જીવાદોરી સમાન ગિરનાર રોપ વે આગામી તારીખ ૨૪મી ઓક્ટોબરના રોજ શરૂ થાય તે માટે તમામ તૈયારીઓ તડામાર રીતે થઈ રહી છે, માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રોજેક્ટની ઈ લોન્ચિંગ કરે તે માટેના સમય અને તારીખ આપે તેની રાહ જોવાઈ રહી હતી. જે દિવસ ૨૪ ઓક્ટોબર નક્કી થાય તેવું વર્તુળોમાંથી જાણવા મળી રહ્યું છે.

જો કે કોરોનાના કારણે શાનદાર એવા આ પ્રોજેક્ટની ઉજવણી સરકારી ગાઇડ લાઇન મુજબ થવાની છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજ્યના પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા સહિતના ગુજરાતના મંત્રીઓ આ તકે ઉપસ્થિત રહે તેવી પણ સંભાવના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.