Abtak Media Google News

આવતીકાલે હિંમતનગર અને આણંદમાં પણ વડાપ્રધાનની જાહેરસભા: ૨૧મીએ ફરી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતનાં પ્રવાસે

ગુજરાતની લોકસભાની ૨૬ બેઠકો માટે આગામી ૨૩મી એપ્રીલે યોજાનારા મતદાનના આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસે રાજયમાં બહુમતી સીટો હાંસલ કરવા માટે સ્ટાર પ્રચારકોની ફૌજ મેદાનમાં ઉતારી દીધી છે. ગઈકાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ સૌરાષ્ટ્ર તથા ગુજરાતમાં ચુંટણીસભાઓ સંબોધી હતી.

દરમિયાન આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ફરી રાજયમાં ઝંઝાવતી ચુંટણીપ્રચાર માટે આવી રહ્યા છે. કાલે તેઓ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને રાજયમાં હિંમતનગર તથા આણંદમાં ચુંટણીસભાઓ સંબોધશે. જયારે ગુરુવારે વડાપ્રધાન અમરેલી ખાતે એક જાહેરસભાને સંબોધશે. મતદાનનાં બે દિવસ પૂર્વે એટલે કે ૨૧મી એપ્રીલના રોજ ફરી વડાપ્રધાન ગુજરાતમાં આવશે અને પાટણ ખાતે એક જાહેરસભા સંબોધશે.

કાલે સવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું માદરે વતન ગુજરાતમાં આગમન થશે. તેઓ સૌપ્રથમ હિંમતનગર ખાતે ચુંટણીસભા સંબોધશે ત્યારબાદ બપોરે ૩ કલાકે સુરેન્દ્રનગર સ્થિત પોલીસ હેડ કવાર્ટરના ગ્રાઉન્ડ ખાતે ચુંટણીસભા સંબોધશે. સુરેન્દ્રનગર લોકસભા બેઠકના વર્તમાન સાંસદ દેવજીભાઈ ફતેપરાના સ્થાને ભાજપે ડો.મહેન્દ્રભાઈ મુંજપરાને ટીકીટ આપી હોય આ બેઠક ભાજપ માટે નબળી મનાઈ રહી છે. આવામાં સુરેન્દ્રનગર બેઠક પર ભાજપને વિજય બનાવવા માટે ખુદ વડાપ્રધાન મોદી અહીં સભા સંબોધવા માટે આવતીકાલે આવશે.

કાલે સાંજે પી.એમ આણંદ ખાતે પણ એક ચુંટણીસભા સંબોધશે ત્યારબાદ તેઓ ગાંધીનગર ખાતે રાજભવનમાં રાત્રી રોકાણ કરશે અને ૧૮મી એટલે કે ગુરુવારના રોજ અમરેલી લોકસભા બેઠક પર ચુંટણીસભા સંબોધશે. ૨૩મી એપ્રીલે રાજયની ૨૬ બેઠકો માટે મતદાન યોજાવાનું છે. ૨૧મીએ સાંજે ૬:૦૦ કલાકે પ્રચાર-પડઘમ શાંત થવાના છે તે પૂર્વે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ફરી એક વખત ગુજરાતમાં આવશે અને તેઓ પાટણ ખાતે ચુંટણીસભા સંબોધશે.

આ પૂર્વે ગત ૧૦મી એપ્રીલના રોજ વડાપ્રધાને જુનાગઢ અને વ્યારામાં ચુંટણીસભા સંબોધીને ગુજરાતમાં ચુંટણી પ્રચારનાં શ્રીગણેશ કર્યા હતા. ભાજપે સ્ટાર પ્રચારકોને અંતિમ દિવસોમાં મેદાનમાં ઉતાર્યા છે. આજે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ગુજરાતની મુલાકાતે છે. તેઓ અલગ-અલગ સ્થળોએ ચુંટણીસભા સંબોધવાના છે. આવતીકાલે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની રાજકોટમાં ચુંટણીસભા સંબોધશે. જયારે ૧૮મીએ કેન્દ્રીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને ૧૯મીએ કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી ગુજરાતમાં ચુંટણી પ્રચાર માટે આવી રહ્યા છે. જયારે કોંગ્રેસના સ્ટાર પ્રચારક નવજોત સીધુ અને શત્રુઘ્ન સિંહા પણ ચુંટણી પ્રચાર માટે ગુજરાતને ધમરોળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.