Abtak Media Google News

અમદાવાદ અને કેવડિયા વચ્ચેની સી-પ્લેન સર્વિસને નરેન્દ્ર મોદીના હસ્તે લીલીઝંડી અપાય તેવી શકયતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિતે ફરી એકવાર ગુજરાતની મુલાકાત લે તેવી શકયતાઓ જોવા મળી રહી છે. તેઓ અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદારને શ્રદ્ધાંજલી અર્પણ કરે તેવી વિગતો મળી રહી છે. આ સાથે તેઓના હસ્તે અમદાવાદ અને કેવડીયા વચ્ચે સી પ્લેન સર્વિસને લીલીઝંડી મળે તેવી પણ શકયતા સેવાઈ રહી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તાજેતરમાં તેઓના જન્મદિવસ નિમિતે ગુજરાત આવી શકયા ન હતા. દર વર્ષે તેઓ જન્મદિવસ નિમિતે ગુજરાત આવી માતા હીરાબાના આશીર્વાદ લેતા પરંતુ આ વખતે વ્યસ્તતાના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી શકયા ન હતા ત્યારે હવે તેઓ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિતે ૩૧ ઓકટોબરના રોજ ગુજરાતની મુલાકાતે પધારે તેવું લાગી રહ્યું છે.

આ માટે તંત્ર દ્વારા તૈયારીઓ પણ કરવામાં આવી રહી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા ખાતે પધારીને સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલી અર્પણ કરશે. આ સાથે તેઓ અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે જાય તેવી પણ શકયતા જોવા મળી રહી છે. વધુમાં અમદાવાદથી કેવડિયા વચ્ચે સી-પ્લેન સર્વિસ શરૂ કરવાનો જે તખ્તો ઘડાયો છે તેને વડાપ્રધાનના હસ્તે લીલીઝંડી મળે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.

સીએમઓના સુત્રોમાંથી જણાવ્યા મુજબ ૩૧મી ઓકટોબર સરદાર પટેલની જન્મજયંતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલીઝંડી બતાવીને આ સેવાનો પ્રારંભ અમદાવાદના રીવરફ્રન્ટથી કરે તેવી શકયતા છે. હાલ રિવરફ્રન્ટમાં સી પ્લેન માટે લોટીંગ જેટીના કામો ચાલી રહ્યા છે. મોદી અમદાવાદથી કેવડીયા સુધી સી પ્લેન મારફતે જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.