Abtak Media Google News

માં..આપને એમ થતું હશે કે આવતીકાલથી પરીક્ષા છે એટલે મેં યાદ કર્યા…નહીં ! હા, માં એ તો ખરુ જ કે આપના આશીર્વાદ વગર મેળવેલ જ્ઞાનને વ્યકત કરવાનું પણ મુશ્કેલ છે પણ આજે પરીક્ષાની આગામી રાત્રે વાંચવાનું છોડીને હું આપના અદકેરા આશીર્વાદથી અપેક્ષા સહ આ અરજી પહોંચાડુ છું.

સૌપ્રથમ તો ‘મા’ મારા ધૈર્ય અને સંતોષ પહોંચાડજો. તેઓને એવી ખાતરી આપજો કે એમના સંતાનને માતા સરસ્વતીએ એટલે કે આપે મહેનતનું વાજીંત્ર ભેટ ઘરેલું છે. હા…એ વાજીંત્રને મારા માનનીય અને પુજનીય ગુરુદેવોએ બરાબર ટયુન કર્યું છે. મેં એનો સંપૂર્ણ રીયાઝ કર્યો છે. આપની કૃપાથી અત્યાર સુધી મને મહેનતના ફળ મળતા જ રહ્યા છે જેને અવાર નવાર સમાજે વધાવ્યા છે. મિત્રોએ પ્રેરણાસભર સ્વિકાર્યા છે. પરિવારે બિરદાવ્યા છે, ગુરુજનોએ વખાણ્યા છે અને શાળાએ શણગાર્યા છે. આ વખતે પણ મારા મહેનતરૂપી વૃક્ષ પર મીઠુ ફળ ઉગે એવી આપના ચરણોમાં પ્રાર્થના.

મને આસપાસમાંથી, શાળામાંથી ઘરમાંથી અનેક જગ્યાએથી આ પરીક્ષાથી ડરવાનું નથી તેના પ્રત્યક્ષ અને પરોક્ષ સંદેશાઓ મળ્યા છે. આ પરીક્ષા કરતા જિંદગીમાં અનેક પરીક્ષાઓ આવશે. આવી વાતો વાંચવા સાંભળવા મળી છે પણ આજની તારીખે વાસ્તવિકતા એ છે કે મારે આ પરીણામનો આ ગોઠવાયેલી પરીક્ષા પઘ્ધતિનો સ્વિકાર કરવાનો જ છે ત્યારે મા મારી પ્રાર્થના છે કે મારા મહેનતના વાજીંત્રમાં આત્મવિશ્વાસનો સ્વર મહત્વનો છે તે શ્રુતિભાર પણ બેસુરો થાય નહીં.

શુભેચ્છા આપવા આવનારા મિત્રો અને પરિવારના સ્નેહીઓ/ મિત્રોએ સલાહોના વહેણ વહાવવાને બદલે સારા કાર્યોમાં પ્રભુ સાથે આપશે જ એવો વિશ્વાસ અપાવી મારી શ્રદ્ધાને બેવડાવે એવી મા આપને વિનંતી કરું છું. મારા મિત્રો અને સહાઘ્યાયીઓ પરીક્ષા પૂર્વેની તૈયારીમાં કયાંય અટકે તો હું એને ઉપયોગી થાવ અને નિસ્વાર્થ ભાવે તેઓની મદદ ખેલદિલી પૂર્વક કરું એવો ભાવ મારા અંતરમાં જગાડજે ‘મા’. શાળામાં શીખેલી દરેક વાત વ્યવસ્થિત સમજાવીને મગજમાં બેસાડવાના મારા ગુરુજનોના પ્રયત્નોને હું સલામ કરુ છું. કોઈપણ કારણસર…મારી કે મારા સહાઘ્યાયીઓની કોઈ વિષયમાં તૈયારીની મર્યાદા રહી ગઈ હોય તો પણ પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધીનો અમારો ઉત્સાહ અકબંધ રહે. અમે શાંતીથી બધા જ પેપરો પૂર્ણ કરીએ એવી હિંમત આપવાની નમ્ર અરજ.

‘મા’ અમારા હૈયામાં આ સમય દરમિયાન ધારણા, ધૈર્ય, હિંમત, શાંતીનું સિંચન કરજો જેથી હકારાત્મક અભિગમ સાથે અમારો આગળ વધવાનો પંથ સરળ બને, અમે શીખેલા પાઠો સમજણ સાથે વ્યકત કરવાના શબ્દોનો અમોને સાથ મળી રહે અને આપના દ્વારા પ્રાપ્ત જ્ઞાનના પ્રકાશનું અજવાળું મારા પરીક્ષક સુધી પહોંચે એવી ફરી ફરી પ્રાર્થના. મારા પરિણામને હું, મારો પરિવાર અને સમગ્ર સમાજ સહર્ષ સ્વિકારી લે એવી અંતરથી આરાધના સાથે વંદન સહ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.