Abtak Media Google News

ટિકિટ લીધેલા પ્રવાસીઓ ચાર-ચાર કલાક સુધી હેરાન

જૂનાગઢના ગિરનાર ઉપરનો રોપવે ગઈકાલે ચારેક કલાક જેટલા સમય માટે ટેકનિકલ ખામી સર્જાતા બંધ કરવામાં આવ્યો હતો, ત્યારે અંબાજી ટોચ પર પહોંચેલા પ્રવાસીઓના જીવ તાળવે પહોંચ્યા હતા, જ્યારે ટિકિટ લીધેલા પ્રવાસીઓને ચાર ચાર કલાક સુધી રોવપે માં બેસવા અથવા ટિકિટના રૂપિયા પરત લેવા રાહ જોઈને બેસી રહેવું પડ્યું હતું. જોકે ચાર કલાક સુધી રોપવે બંધ રહેવા છતાં રોપવે સત્તાવાળાઓ દ્વારા માત્ર પંદર મિનિટ જ રોપવે બંધ રખાયો હોવાનું અને રોપવે  બંધ રાખવા માટે અનેક બહાનાઓ બતાવી, પ્રવાસીઓ સામે રોપવે ની ગંભીર બેદરકારી છૂપાવવાના પ્રયત્નો કરવામાં આવતા હોવાના આક્ષેપ ખડા થયા હતા.

ગઈકાલે રોપ-વે શરૂ થતાની સાથે જ બસો થી અઢીસો મુસાફરો ગિરનારની ટૂંક ઉપર પહોંચ્યા હતા અને અમુક ટ્રોલી માં બેઠા હતા ત્યારે કોઈ ટેકનિકલ ખામી સર્જાતા તેમને અંબાજી ટ્રોલી ઉપર પહોંચાડી દીધા બાદ રોપવેના સંચાલકો દ્વારા રોપવેને એકાએક રોકી દેવામાં આવ્યો હતો. અને ટેકનિકલ ખામી દૂર કરવા ટેકનિકલ સ્ટાફ કામે લાગ્યો હતો.

બીજી બાજુ રોપવેનું સંચાલન કરતા અધિકારીઓ ઉપર પહોંચેલા પ્રવાસીઓને નીચે કેમ લાવવા તે માટે ઊંધે માથે થયા હતાા, જોકે ચારેક કલાક બાદ રોપવે શરૂ થતા ઉપર પહોંચેલા પ્રવાસીઓ અને તેના સંચાલકોએ હાશકારો અનુભવ્યો હતો.

રોપવે સ્થગિત કરવામાં આવતાં ટિકિટ લીધેલા પ્રવાસીઓને લગભગ ચારેક કલાક સુધી રોપવેમાં બેસવાની રાહ જોઈને બેસવું પડ્યું હતું અને અમુક લોકોને ટિકિટના પૈસા પાછા જોઈતા હતા તેમને સંચાલકો દ્વારા પૈસા પરત આપવામાં આવતા ન હતા અને હમણાં જ રોપ-વે શરૂ થઈ જશે તેમ કહી વધુ પવન, ટેકનિકલ ખામી અને પાવર ઓછો વધતો થતો હોવાના બહાના કરીી રોપ-વેમાં  માં રહી ગયેલી ગંભીર બેદરકારી છૂપાવવા ના પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો પણ ઉઠવા પામ્યા હતા.

જો કે, ભાગ્યે જ પત્રકારોને મોં બતાવી પ્રત્યક્ષ વાતો કરતા જુનાગઢ રોપવેના અધિકારી દ્વારા પત્રકારને સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું હતું કે, પાવર વધતો ઓછો થવાના કારણે ટ્રોલી વ્યવસ્થિત ચાલી ન શકે અને પ્રવાસીઓ રૂટ ઉપર ફસાઈ ન જાય તે માટે અમે ૧૫ થી ૨૦ મિનિટ માટે જ રોપ વે બંધ કર્યો હતો અને તેમાં કોઈ મોટી ટેક્નિકલ ખામી નથી. તેવા નજર સામેની સત્ય વાત ને ખોટી સાબિત કરતા ખોટ નિવેદનો આપવામાં આવ્યા હતા.

શિયાળામાં નરવાઇ આપતી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાને કોરોનાનું ગ્રહણ

સાહસ શૌર્યથી સભર ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાને કોરોના વાયરસ એ ભરખી લીધી છે. પ્રાપ્ત વિગતો અનુસાર જાન્યુઆરી અને ફેબ્રુઆરીના પ્રથમ રવિવારે ગુજરાત અને સમગ્ર રાષ્ટ્રના થનગનતા અને જોશીલા યુવક-યુવતીઓ માટેની દર વર્ષે યોજાતી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા તંત્ર દ્વારા કોરોનાની મહામારીના કારણે રદ કરવામાં આવી છે. જૂનાગઢના ગરવા ગીરનારના ૯૯૯૯ પગથિયા માત્ર ગણતરીની મિનિટોમાં ચઢાણ અને ઉતરાણ કરી જૂનાગઢ સહિત ગુજરાતના  યુવકોએ અનેક વિક્રમો સ્થાપ્યા છે, તો મહિલા વિભાગમાં ૨૨૨૨ પગથિયાનું ચઢાણ, ઉતરણ કરી અનેક મહિલાઓએ પોતાનામાં શક્તિઓનું સુંદર પ્રદર્શન કર્યું છે તેવી આ સ્પર્ધા આ વખતે કોરોના મહામારીના કારણે રદ કરવામાં આવી છે. જાન્યુઆરીના પ્રથમ રવિવારે યોજાતી રાજ્યકક્ષાની અને ફેબ્રુઆરીના પ્રથમ રવિવારે યોજાતી રાષ્ટ્રીય કક્ષાની માટે દર વર્ષે એક માસ અગાઉથી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે, પરંતુ કોરોનાના કારણે આ વખતે હજુ સુધી સરકાર દ્વારા કોઈ માર્ગદર્શન આપવામાં આવેલ નથી ત્યારે કોઈ જ તૈયારીઓ હજુ સુધી આયોજક કચેરી દ્વારા હાથ ધરવામાં આવી નથી. ખૂબ જ ખડતલ સાહસિક અને ભલભલા યુવાનોનું જોમ માપી લેતી આ સ્પર્ધા દસકાઓથી જૂનાગઢ ખાતે યોજાઈ રહી છે અને આ સ્પર્ધા માટે વહીવટી તંત્ર, રમત ગમત તથા યુવક, સેવા અને સાંસ્કૃતિક વિભાગ તેમજ સ્થાનિક પોલીસ તંત્ર, આરોગ્ય તંત્ર, શિક્ષણ વિભાગ તેમજ વનવિભાગના અધિકારીઓ કર્મીઓ આ સ્પર્ધાને સફળ બનાવવા માટે અથાગ પ્રયત્નો કરતા હોય છે, આ સિવાય જૂનાગઢની સેવાભાવી સંસ્થાઓ પણ આ આયોજનમાં સહભાગી થાય છે.

પાંચ દશકા પૂર્વે શરૂ થયેલ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા અનેક કારણોસર વચ્ચે વચ્ચે બંધ રહેવા પામી હતી, ત્યારે આ વર્ષે કોરોના એ ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાને ભરખી લીધી છે અને કોરોના સંક્રમણ ના વધે તે માટે સરકાર જાન્યુઆરીમાં રાજ્યકક્ષાની યોજાતી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા રદ કરવા માંગતી હોય તેમ હજુ સુધી કોઈ માર્ગદર્શન ના આવતા જૂનાગઢના સ્થાનિક આયોજક તંત્ર દ્વારા કોઈ જ તૈયારીઓ શરૂ કરાઇ નથી, જેને લઇને હજારો સ્પર્ધકોમાં નિરાશા જાગી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.