Abtak Media Google News

અમિત શાહનું નામ ફાઈનલ: પરસોતમ રૂપાલા, મનસુખ માંડવીયા, જશવંત ભાભોર અને મનસુખ વસાવાનાં નામો ચર્ચામાં: તમામ સાંસદોને હાજર રહેવા વ્હીપ: મંત્રીપદ માટે ભારે સસ્પેન્સ

પૂર્ણ બહુમતી સાથે ફરી લોકસભાની ચુંટણીમાં વિજેતા બન્યા બાદ વડાપ્રધાન તરીકે આવતીકાલે સાંજે ૭ કલાકે નરેન્દ્રભાઈ મોદી શપથગ્રહણ કરવાનાં છે ત્યારે મોદી સરકારનાં નવા મંત્રીમંડળમાં ગુજરાતનાં ૪ થી ૫ સાંસદોને સ્થાન મળે તેવી પ્રબળ સંભાવના જણાઈ રહી છે. ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગરનાં સાંસદ અમિતભાઈ શાહનું સ્થાન કેબિનેટમાં નિશ્ચિત મનાઈ રહ્યું છે.

આ ઉપરાંત હાલ પરસોતમ રૂપાલા, મનસુખ માંડવીયા, જશવંત ભાભોર અને મનસુખ વસાવાનાં નામો ચર્ચામાં હોવાનું જાણવા મળી રહ્યું છે. કાલે શપથગ્રહણ સમારોહમાં ગુજરાતનાં તમામ સાંસદોને ઉપસ્થિત રહેવા પક્ષ દ્વારા વ્હીપ આપવામાં આવ્યું છે. જોકે એકપણ સાંસદને મંત્રી પદનાં શપથ લેવા માટે તૈયાર રહેવા હજુ સુધી જાણ કરવામાં આવી નથી. સંભવત: મોડીરાત સુધીમાં કે આવતીકાલ સવારે મોદી મંત્રીમંડળનું લીસ્ટ જાહેર કરી દેવામાં આવશે.

ગત ટર્મમાં મોદી સરકારમાં ગુજરાતમાંથી રાજયસભાનાં સાંસદ તરીકે કેન્દ્રમાં ગયેલા સ્મૃતિ ઈરાની, મનસુખ માંડવીયા, પરસોતમ રૂપાલા ઉપરાંત લોકસભાનાં સાંસદ જશવંતસિંહ ભાભોર અને હરીભાઈ ચૌધરીને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ૧૭મી લોકસભાની ચુંટણીમાં ભાજપનો પ્રચંડ વિજય થયો છે. પક્ષને ૩૦૩ બેઠકો પ્રાપ્ત થઈ છે જયારે એનડીએને ૩૫૩ બેઠકો મળી છે. આવતીકાલે સાંજે ૭ કલાકે નરેન્દ્રભાઈ મોદી ફરી એક વખત વડાપ્રધાન પદનાં શપથ લેવા જઈ રહ્યા છે.

ગઈકાલે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ અને નરેન્દ્રભાઈ મોદી વચ્ચે પાંચ કલાકની મેરેથોન બેઠક યોજાઈ હતી જેમાં મંત્રી મંડળ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અગાઉની ટર્મ જેમ જ ગુજરાતનાં ૪ થી ૫ સાંસદોને મોદી મંત્રી મંડળમાં સ્થાન મળે તે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. જે રીતે નરેન્દ્ર મોદીનાં હોમ સ્ટેટ ગુજરાતે સતત બીજી વખત રાજયની તમામ બેઠકો પર ભાજપને વિજેતા બનાવ્યું છે તે જોતા એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, કેન્દ્રમાં ગુજરાતનું વજન વધશે અને વધુ સાંસદોને મંત્રીપદ આપવામાં આવે તેવી શકયતા જણાઈ રહી છે.

મોદી સરકારનાં નવા મંત્રી મંડળમાં ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો કેબિનેટમાં સમાવેશ કરવામાં આવે અને કોઈ મહત્વપૂર્ણ ખાતું સોંપવામાં આવે તે ફાઈનલ મનાઈ રહ્યું છે. આ ઉપરાંત હાલ દક્ષિણ ગુજરાતમાં નવસારી બેઠક પરથી દેશમાં સૌથી વધુ ૬.૮૯ લાખની લીડ સાથે વિજેતા બનેલા સી.આર.પાટીલને પણ મંત્રીપદ આપવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

ગત ટર્મમાં મોદી મંત્રીમંડળમાં રાજયકક્ષાનાં મંત્રી એવા પરસોતમભાઈ રૂપાલા અને મનસુખભાઈ માંડવીયાને રીપીટ કરવામાં આવે તેવી પણ સંભાવના જણાઈ રહી છે તો સૌરાષ્ટ્ર-કચ્છની ૮ બેઠકો પૈકી સૌથી વધુ લીડથી વિજેતા બનેલા રાજકોટનાં સાંસદ મોહનભાઈ કુંડારીયાને પણ મંત્રીપદની લોટરી લાગી શકે છે. આ ઉપરાંત ભ‚ચ લોકસભા બેઠકનાં ઉમેદવાર મનસુખભાઈ વસાવા અને દાહોદ લોકસભા બેઠકનાં ઉમેદવાર જસવંત ભાભોરનું નામ પણ હાલ ચર્ચામાં છે.

જોકે અમિતભાઈ શાહને બાદ કરતા મોટાભાગનાં નામો જો અને તો નાં સમીકરણોમાં રમી રહ્યા છે. ગુજરાતનાં તમામ ૨૬ સાંસદોને આવતીકાલે ફરજીયાત મોદીની શપથવિધિમાં હાજર રહેવા માટે વ્હીપ મોકલી દેવામાં આવ્યું છે. જોકે આજ સુધી એકપણ સાંસદને મંત્રી તરીકે શપથગ્રહણ કરવા તૈયારી કરવા માટે પક્ષ દ્વારા સતાવાર જાણ કરવામાં આવી ન હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. મંત્રીમંડળનાં લીસ્ટને ફાઈનલ ટચ આપવામાં આવી રહ્યો છે. સંભવત: આજે મોડીરાત્રે અથવા આવતીકાલે સવારે મંત્રીમંડળનાં સભ્યોનાં નામની જાહેરાત કરી દેવામાં આવે તેવી પણ શકયતા જણાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.