ગરીબોની ‘કસ્તુરી’ ડુંગળી સફરજનની સાઈડ કાપશે?

નિકાસ પ્રતિબંધિત હોવા છતાં ડુંગળીના ભાવ કિલોએ રૂ.૧૦૦ને આંબી જશે

ભારે વરસાદના પગલે અનેકવિધ પાકોને ભારે નુકસાની સર્જાઈ છે તેમાં પણ સૌથી વધુ નુકસાની ગરીબોની ‘કસ્તુરી’ ડુંગળીને પહોંચી હોવાનું સામે આવ્યું છે. જેના કારણે ડુંગળીમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. ડુંગળીના વધતા ભાવને કાબુમાં રાખવા કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની આયાત પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમ છતાં ડુંગળીના ભાવમાં સતત ઉછાળો નોંધાઈ રહ્યો છે. જેના પરીણામે ડુંગળીના ભાવ ટુંક સમયમાં પ્રતિ કિલોએ રૂ.૧૦૦ને આંબી જાય તો નવાઈ નહીં.

માર્કેટીંગ યાર્ડના સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી લોકોને રાતાપાણીએ રડાવશે. ઓકટોબર મહિનાના અંત સુધીમાં ડુંગળીના ભાવ કિલોના ૧૦૦ રૂા. સુધી પહોંચી જશે. ડુંગળીના ભાવ અત્યારે હોલસેલના ભાવ ૧૫ થી ૨૦ અને છુટકનાં ૨૦ ટકા જેટલા વધી ગયા છે. મંગળવારે મહુવા માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીનો હોલસેલ ભાવ ૨૫ રૂા.કિલો અને અમદાવાદ માર્કેટીંગ યાર્ડના જથ્થાબંધનો ભાવ ૧૫ થી ૨૦ રૂા. કિલો અને છુટકમાં ૫૦ રૂા. કિલો વેચાઈ હતી. ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં દુકાન ધરાવતા ભીખાભાઈ ઝઘડિયાએ જણાવ્યું હતું કે, આ વખતે ડુંગળીના પાકને અતિવૃષ્ટિનો માર લાગી ગયો છે. માત્ર ગુજરાતમાં જ નહીં અન્ય ડુંગળી પકવતા રાજયના પાકને પણ નુકસાન થયું છે.

કોરોના લોકડાઉનની અસરના કારણે પણ ડુંગળીના ભાવ ૧૦૦ રૂા. કિલોએ પહોંચી ગયા હતા. આગામી ૫૦ દિવસોમાં આ ભાવ ફરીથી ૧૦૦ રૂપિયા કિલો થઈ જાય તેમ અમદાવાદના એક અગ્રણી વ્યાપારીએ જણાવી કહ્યું હતું કે, નિકાસ ઉપર પ્રતિબંબ ભાવ વધારાને કાબુમાં લાવી શકશે. મહુવા માર્કેટીંગ યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું હતું કે, નિકાસ પરનો પ્રતિબંધ વહેલાસર હોવો જોઈએ. નિકાસ ઉપર પ્રતિબંધ બજારને નીચી લાવી શકે છે અને તેનાથી ભાવ ૨૦ ટકા સુધી નીચે જઈ શકે છે પરંતુ તેનાથી ખેડુતોને નુકસાન જશે.

ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું હતું કે, પોતે કેન્દ્ર અને રાજય સરકારને પત્ર પાઠવી ખેડુતોના હિતને ધ્યાનમાં રાખી નિર્ણય ફેરવવા કહેશે. મહુવા માર્કેટીંગ યાર્ડના વેપારીઓએ જણાવ્યું હતું કે, આ નિર્ણય માત્ર ખેડુતોને ખોટ નહીં આપે સાથે સાથે મોટા સ્ટોક ધરાવતા વ્યાપારીઓને પણ ખોટ જશે. ટુંકા સમયમાં જ ખેડુતોએ તેમનો માલ કયારનો વેચી નાખ્યો છે. આગામી થોડા જ દિવસોમાં એટલે કે ઓકટોબર મહિનાના અંત સુધીમાં ડુંગળી રૂા.૧૦૦ કિલો વેચાશે.

મહારાષ્ટ્રએ ડુંગળીની નિકાસ પરથી પ્રતિબંધ હટાવવા કરી માંગ

મહારાષ્ટ્ર સરકાર દ્વારા કેબિનેટ કક્ષાનું ડેલિગેશન નાયબ મુખ્યમંત્રી અજીત પવારના માર્ગદર્શન હેઠળ દિલ્હી મોકલનાર છે. કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીના વધતા ભાવને નિયંત્રણમાં રાખવા નિકાસ પર પ્રતિબંધ મુકયો છે જે મામલે ઉદ્ધવ સરકારે અસહમતી દર્શાવી છે. ડુંગળીની નિકાસ પરના પ્રતિબંધને ઉંચકી લેવા આ ડેલિગેશન કેન્દ્ર સરકારને રજુઆત કરનાર છે. મામલામાં કેબિનેટ મંત્રી એકનાથ સિંદેએ કહ્યું છે કે, ચાર લાખ મેટ્રીક ટન ડુંગળી સાથે આશરે ૫૦૦ ટ્રક ભારત-બાંગ્લાદેશ અને ભારત-નેપાળ સરહદે ઉભા છે જે એકાએક લાદવામાં આવેલા પ્રતિબંધને કારણે હાલાકી ભોગવી રહ્યા છે. જેના કારણે ખેડુતોને ભારે નુકસાની સર્જાવાની ભીતિ છે.

Loading...