Abtak Media Google News

આપણા દેશના રાજકારણમાં ભોળીભલી પ્રજાને દાયકાઓથી ભરમાવીને રાજ ચલાવાઈ રહ્યું છે

તે સૂત્રોમાં લોકશાહીને બચાવો, ગરીબીને હટાવો, સમાજવાદી સમાજ રચના સર્જો, ‘બેકારી-બેરોજગરી મિટાવો; રામમંદિરનું અને રામરાજયનું નિર્માણ કરો…

આ સૂત્રો પર હવે કાટ લાગી ગયો છે દેશની જનતાને હવે એમાં લેશમાત્ર ભરોસો નથી રહ્યો ઉધઈએ એને રૂંવે રૂંવે

કોરા ખાધાં છે…

દેશની યુવા પેઢીને, નવી તથા ઉગતી પેઢીને એમાં બદલાવ ખપે છે, ક્રાંતિ ખપે છે, ભ્રષ્ટાચારનો રાક્ષસ એમને મંજૂર નથી. બળાત્કારોની પરંપરા એમને મંજૂર નથી, ભેળસેળનો ગંદવાડા એમને લગીરે ખપતો નથી, લોકોના પરસેવાના પૈસાનો નિરર્થક ધૂમાડો હવે નહિ સાંખી લેવાય, પોતાની હલકટાઈને છૂપાવવા અને સખ્ત ટીકાનાં કલંકને ઢાંકતા રહીને પોતાની વાહવાહ તેમજ નિજી સ્વાર્થ માટે કરોડોના ખર્ચે જાહેરાતોનાં ઢગલા કરવાની નિરંકુશા શાસનપધ્ધતિ હવે નહિ સાંખી લેવાય, એવા સંકેતો હવે ડગલે ને પગલે સાંપડે છે. કોઈએક રાજયમાં નહિ પણ આખા દેશમાં આવાં સંકેતો દ્રષ્ટિગોચર થાય છે.

નેતાજી સુભાષચંદ્ર બોઝે આઝાદ થયેલા ભારતનાં શાસકો અને ભારતની પ્રજાને નીચે મુજબ કહ્યું હતુ :‘કયાં આપ પૂરી તરહસે ખીલે હુએ ગુલાબકી સુગંધ ચાહતે હૈ ? યહિ હાં, તો આપકો કાંટે ભી સ્વીકાર કરને ચાહિયે કયા આપ મુશ્કરાતી હુઈ ઉષાકા માધુર્ય ચાહતે હો? યદિ હાં તો આપકો રાત્રિકે ઘને અંધકારમેં સેભી ગૂજરના પડેગા…

કયા આપ સ્વાધીનતાકા આનંદ લેના ચાહતે હૈ? યદિ હાં, તો તો આપકો ઈસકી કિંમત ચૂકાની ચાહિયે, ઔર આઝાદીકી કિમંત હૈ, કષ્ટ ઔર બલિદાન. અગર આપ સ્વાર્થી, દેશદ્રોહી, સત્તાકી ભૂખમેં હી ડૂબાડૂબ રહેગે તો આઝાદી બરબાદીમેં બદલ જાયેગી. કમનશીબે આજના શાસકોએ નેતાજી સુભાષચંદ્ર બોઝની આ શીખામણનો ઉલાળિયો કર્યો છે. અને તેમની દહેશતને સાચી પાડી છે.

આ દેશના રાજકીય ક્ષેત્રે રાજગાદી, સત્તા, નિજી સ્વાર્થ અને પ્રજાને દંભી તથા પાખંડી વચનોથી ભરમાવીને દેશને તમામ રીતે લૂંટવાની ગતિવિધિઓ તથા એને લગતા કાવાદાવાઓ જ થતા રહ્યા છે. વચનદ્રોહને જો રાજદ્રોહ-દેશદ્રોહ કહી શકાય તો આપણો દેશ આ બધા જ દ્રોહના કેન્સરથી પીડાઈ રહ્યો હોવાનું કહી શકાય !

આપણા દેશનાં બંધારણમાં અને શાસન પધ્ધતિમાં લોકશાહી, સમાજવાદ અને ધર્મનિરપેક્ષતા-બિનસાંપ્રદાયિકતાના સિધ્ધાંતોને અગ્રતા અપાઈ હતી. અત્યારે એ ત્રણેય સિધ્ધાંતો કાંતો ખતમ થયા છે, અથવા તો મરવા વાંકે જીવતા હોય એવા ર્જીણશીર્ણ બની ચૂકયા છે.

7537D2F3 2

લોકતંત્ર, સમાજવાદ, ગરીબી હટાઓ તેમજ બેકારી- બેરોજગારીને ખતમ કરો, એ બધા જ પાયાનાં સિધ્ધાંતોની હોળી થઈ ચૂકી છે !આપણો દેશ અને આપણો સમાજ વધુમાં વધુ ગરીબ અને કમજોર બન્યો છે. તે આપણી ‘સંસ્કૃતિ’ને ‘સંસ્કાર’ને અને આપણી સભ્યતાને આપણે ખોઈ બેઠા, તે કારણે છે.

આપણો દેશ લાંબી ગુલામીમાંથી બહાર આવી શકયો તે આપણી સંસ્કૃતિ, સંસ્કાર અને આપણી સભ્યતા જીવતા હતા. તેના આધારે એ શકય બન્યું હતુઅત્યારે તે સ્થિતિ નથી રહી.આપણી યુવા પેઢી, નવી પેઢી, ઉગતી પેઢી હવે આવું બધું નહિ સાંખે, સમૂળગા પરિવર્તન અને સમૂળી ક્રાંતિ, એ એક જ ઉપાય છે. આપણા બાલમંદિરો શાળા-કોલેજો, યુનિવર્સિટીઓ તેમજ શિક્ષણપધ્ધતિ અને ચારિત્ર્ય ઘડતરનો સીલસીલો આ દેશને જોઈતી સમૂળગી ક્રાંતિની અને આપણી વેદિક સંસ્કૃતી, સંસ્કાર તેમજ સભ્યતાને નવપલ્લવિત કરવાની પરિપૂર્ણ ભૂમિકા સર્જી શકયા હોત તો આ દેશની હાલત આજના જેટલી બૂરી અને વિનષ્ટ ન હોત !

આ દેશની સવા અબજ જેટલી વસ્તીનાં ભવિષ્યને સાંકળતું હાલનું શાસન ગંગા-યમુના અને ગંગોત્રી-યમુનોત્રીમાં પાવન થઈને નવા મંગલ પ્રયાણ શરૂ કરે એ આજનો તકાજો છે. આપણી યુવા શકિતના શિરે આ જવાબદારી છે, એ નિર્વિવાદ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.