Abtak Media Google News

હળવદ પોલીસે લાચાર યુવતીને હોમગાર્ડકર્મી સાથે હિન્દુ શાસ્ત્રોકત વિધિથી લગ્ન કરાવી પાલીકાએ રજીસ્ટર કરાવ્યું

“પોલીસ પ્રજાનો સાચો મિત્ર” ઉકિતને સાર્થક કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સાણંદના તાલુકાના ગીતપુરા ગામની યુવતી પ્રેમી સાથે હળવદ તાલુકાના સરંભડા ગામે આવી પહોંચી હતી. જયાં પરણિત પ્રેમીએ તેની પત્ની સાથે રહેવાનું મન બનાવી લેતા અને પોતાના ઘરેથી તરછોડાયેલી યુવતી આઘાતમાં સરકી જઇ આપઘાત કરવાનો પ્રયાસ કરતા હળવદના પોલીસકર્મીએ પોલીસ મથકે લાવી હતી જયાં મહિલા પોલીસના સમજાવટ બાદ યુવતીને રાજીખુશીથી હોમગાર્ડના કર્મી સાથે લગ્ન કરાવી નવજીવન પ્રદાન કરી ઉમદા કામગીરી સાથે હળવદ પોલીસે પ્રેરણાદાયી ચીલો ચાતર્યો છે.

સાણંદ તાલુકાના હિરાપર ગામના મહેશ રાઠોડ અને  રિપલબેન વાણીયા રહે.ગીતપુરા વાળા વચ્ચે પ્રેમ સંબંધ પ્રાંગર્યો હતો અને બન્ને ગત તા.ર૧ના ૧૨ કલાકના અરસામાં ઘર છોડી હળવદ તાલુકાના સરંભડા ગામે આવી પહોંચ્યા હતાં પરંતુ પરણિત મહેશ રાઠોડે તેની પ્રેમિકાને તરછોડી પત્ની સાથે રહેવાનું પસંદ કરતાં આપઘાત કરવાની કોશિષ કરતી પ્રેમિકાને હળવદ પોલીસના હેડ કોન્સ્ટેબલ વિજયભાઈએ આ ત્રણેયને સમજાવી સાંત્વના આપી પોલીસ મથકે લઈ આવ્યા તે દરમિયાન ૧૮૧ હેલ્પલાઇન ટીમને જાણ કરતા આ યુવતીની મદદરૂપ થવા આવી પહોંચી હતી.

ત્યારબાદ મહિલા હેલ્પલાઇન દ્વારા રિપલબેનના પિતા છોટુભાઈનો ટેલિફોનીક સંપર્ક કરતા તેમના પિતાએ જણાવ્યું કે, અમને રિપલથી કોઈપણ લેવા-દેવા નથી, અને અમને આ દિકરી નથી જોઈતી તેમ કહી દેતા આ યુવતી પર જાણે આભ તુટી પડયું હતું. અને રિપલે મરવાનું મન બનાવી લીધું હોય તેમ હવે રેલવેના પાટે કપાઈ જવું છે તેમ જણાવતા હળવદ પીઆઈ એમ.આર. સોલંકીના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. વસંતભાઈ વઘેરા તથા મનિષાબેન તથા અન્ય પોલીસ સ્ટાફે રિપલને આત્મહત્યા નહીં કરવા સમજાવી જરૂરી સાંત્વના આપી હિમ્મત પૂરી પાડી હતી.

હળવદ પોલીસ અને મહિલા હેલ્પલાઇન દ્વારા રીપલને નવજીવન પ્રદાન કરતાં પોલીસ સ્ટેશનમાં જી.આર.ડી. (હોમગાર્ડ)ના સભ્ય તરીકે ફરજ બજાવતા જસમતભાઇ છગનલાલ સોલંકી રહે. ઢવાણા વાળો કુંવારો હોય અને રીપલબેનને આશરાની જરૂરત હોય જેથી રીપલને આ જસમત સાથે લગ્ન કરવા બાબતે પુછતા બંને એકબીજાની રાજીખુશીથી લગ્ન કરવા તૈયાર થતાં આજરોજ હળવદના દશામાંના મંદીરે બન્નેને હિન્દુ શાસ્ત્રોકત વિધિ અનુસાર બંનેના લગ્ન કરાવેલ તેમજ હળવદ નગરપાલિકામાં લગ્ન નોંધણી કરાવ્યું હતું. આમ એક નિ:સહાય અને લાચાર યુવતીને હળવદ પોલીસે પ્રેરણાદાયી ઉમદા કાર્ય કરી પ્રસંનીય કામગીરી કરી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.