“પોલીસદળ પોતે જ યુદ્ધનું મેદાન છે જેમ “પ્રેમ અને યુદ્ધમાં બધુ બરાબર જ માની લેવામાં આવે છે!”

74

“એ હકીકત છે કે પોલીસ ખાતાની નોકરી કઠણ અને કપરી છે છતા જેઓ પોલીસદળમાં જોડાય છે તેઓ તે જાણીને સ્વેચ્છાએ જ જોડાય છે!”

શિસ્ત માટેનું હથિયાર ખાતાકીય તપાસ

પોલીસ દળના જવાનો અને અધિકારીઓ નિયમ અને કાયદા મુજબ જ ફરજ પાલન કરે. શિસ્ત ભંગ ન કરે કે કાયદાની અમલવારીમાં અતિશયોકિત ન કરે કે જોખમી, કપરી અને મુશ્કેલી ભરી ફરજ ટાળવા પ્રયત્ન ન કરે કે કાયરતા ન દાખવે તે માટે ખાતાકીય તપાસ (ડીપાર્ટમેન્ટલ પ્રોસીડીંગ) કે જેને ટુંકમાં ડીપી કહે છે તેની જોગવાઈ છે.

એ હકિકત છે કે પોલીસ ખાતાની નોકરી મુશ્કેલ અને કપરી છે. છતા જેઓ પોલીસ દળમાં જોડાય છે. તેઓ તે જાણીને સ્વેચ્છાએ જ જોડાય છે. તેમના માટે પછી નોકરીની મુશ્કેલીઓ અંગે રજૂઆત કરવાનો કોઈ વિકલ્પ રહેતો નથી. તમામ જવાનો અને અધિકારીઓને પોતાની ફરજો અને નિયમોનો ખ્યાલ હોય જ છે. છતા કોઈ ભીરૂ કે કામ ચોર કર્મચારી પોતાની ફરજ પ્રત્યે બેદરકારી અને ઉદાસીનતા ન દાખવે કે ફરજ ને ટાળે નહિ તેમના માટે જ આ ડીપીની કાર્યવાહીની જોગવાઈ રાખવામાં આવેલી છે.

આ ડીપીની કાર્યવાહી અર્ધન્યાયીક પ્રક્રિયા છે. જેમાં કસુરદાર કર્મચારીને તેણે ફરજમાં દાખવેલી બેદરકારી કે નિષ્ક્રિયતાનું ચાર્જશીટ આપવામાં આવે છે. અને એક ઉચ્ચ અધિકારીની પ્રિસાઈડીંગ ઓફીસર (પ્રીઓ.) તરીકે નિમણુંક કરી તેની સમક્ષ કસુરદાર વિરૂધ્ધના ચાર્જશિટની ટ્રાયલ ચલાવવામાં આસવે છે. સાક્ષીઓને તપાસવા માટે જેમ અદાલતમાં બચાવ પક્ષના વકિલ હોય છે. તેમ આ કાર્યવાહીમાં કસુરદાર ઈચ્છે તો અન્ય કોઈ કાયદા તેમજ નિયમોના જાણકાર અધિકારી કે કર્મચારીને પોતાના બચાવ સારૂ પોતાના મિત્ર તરીકે રાખી શકે છે. જેમાં પ્રીઓ, સમક્ષ સુનાવણી (ટ્રાયલ) થાય ત્યારે સરતપાસ બાદ સાક્ષીની ઉલટ તપાસ આ મિત્ર કરી શકે છે. પરંતુ અર્ધન્યાયીક પ્રક્રિયા હોઈ ઉલટ તપાસમાં અમુક હદ સુધીનાં જ પ્રશ્ર્નો પુછી શકાય છે. આ કાર્યવાહીને અંતે કસુરદાર કે નિર્દોષ કે દોષિત જાહેર થાય તે પ્રમાણે શિક્ષા કે દંડ કરવામાં આવે અથવા નિર્દોષ જાહેર કરવામાં આવે.

ડી.પી.ની કાર્યવાહી અર્ધન્યાયીક કે અંધેરી નગરી ન્યાયીક?

પીઆઈ જયદેવ આ ડીપીની કાર્યવાહીને શિસ્તબધ્ધ પોલીસદળ માટે અતિ આવશ્યક હોવાનું માનતો, પણ પોલીસ ખાતામાં નોકરી દરમ્યાનના અનુભવો ને અંતે તે એવા નિષ્કર્ષ ઉપર આવેલો કે આ ડીપી કાર્યવાહીનો ઉપયોગ ઘણી વખત મલીન સાધન તરીકે પણ થાય છે. જયદેવને જે રીતે ઉંઝા ખાતેથી ત્રણેક વર્ષ બાદ પાંચ ખોટા ડીપી મોકલેલા અને જયદેવ તે ડીપી ચલાવી ને પાંચેયમાં નિદોર્ષ છૂટેલો તે અનુભવ પછી તો તેને આ ડીપીની કાર્યવાહી અર્ધન્યાયીક ને બદલે અંધેરી નગરી ન્યાયીક જણાયેલ છે.

આ ડીપીની કાર્યવાહી જરૂરી છે પણ જો તેનો ઈરાદા પૂર્વક દૂરૂપયોગ થાય કે જરૂરી તકેદારી રાખવામાં ન આવે તો તે ખરેખર અંધેરી નગરી ના ન્યાય જેવું બને તેના અનેક કારણો છે.

પ્રથમ તો આક્ષેપો જનતા દ્વારા થાય અથવા કોઈ સુપીરીયર અધિકારી દ્વારા ઉભા કરવામાં આવે ત્યારે સૌ પ્રથમ તેની પ્રાથમિક ઈન્કવાયરી કોઈ અન્ય અધિકારી સોંપાય છે. આવી ઈન્કવાયરી જે તે જીલ્લાના કે યુનિટના પોલીસ વડા પોતાની ઈચ્છા અનુસાર પસંદગીના અધિકારીને સોંપાતા હોય છે એ ઈરાદાથી કે પોતાનો માનીતો કસુરદાર હોય તો બચાવવા અને જો પોતાના પ્રવાહમાં ભળ્યો નહોય તો પાડી દેવા માટે જરૂરી સુચના અને સમય મર્યાદા પણ ઈન્કવાયરી અધિકારીને જણાવી દેતા હોય છે. પણ તે સૂચના મૌખીક જ હોય !

બીજુ આ ઈન્કવાયરી અધિકારીઓ પણ કાંઈ દૂધે ધોયેલા હોય (તટસ્થ હોય) તેવું હોતુ નથી. માનવ સહજ તેઓ પણ માનસીક રીતે જ્ઞાતિવાદ, જુથવાદ, વહાલા દવલા અને અનેક પ્રકારનાં પૂર્વ ગ્રહોથી પીડાતા હોય છે.કદાચ તેઓ પણ કાદવ કીચડમાં ઉભા હોય હુકમ (મૌખીક સુચના) મુજબ ઈન્કવાયરી કરવી કે ન્યાયીક કરવી તે બાબત પોતે જ વિમાસણ અને અવઢવમાં હોય છે. તો વળી ઘણી વખત પોતાની, વ્યકિતગત મુરાદો પણ બર લાવવા માટે આવા મોકાની રાહમાં જ હોય તેવામાં આવો મોકો મળે ત્યારે દાઝ કાઢી જ લેતા હોય છે. આથી જ કુદરતી ન્યાયના સિધ્ધાંત મુજબ ઈન્કવાયરી અધિકારી તટસ્થ અને ન્યાયીક હોવો જોઈઐ પણ ચારે બાજુ જયારે ધુમ્મસ ધુમ્મસ હોય પછી કોઈ આવું જોતુ નથી અને ખાતામાં આ ચાલ્યા જ કરે છે.

પોલીસ ખાતામાં કેટલીક વખત કોઈ અધિકારી કે જવાન એવા હુકમો કે જે પડદા પાછળના હોય તેને તાબે થતા ન હોય તો તેની કાયદેસરની કાર્યવાહીમાં પણ જેમ ‘દુધમાંથી પૂરા (પોરા) કાઢે’ તેમ આવા ઈન્કવાયરી અધિકારી પોતાની રીતે ભાષા અને કાર્યવાહીનું મનઘડત અર્થઘટન કરી જેમ ઘોડાને ચોકડુ (લગામ) ચડાવીને તાબે કરવામાં આવે છે તેમ આવા મકકમ મનોબળ વાળા અધિકારી કે જવાન ને આવી ઈન્કવાયરીમાં કેટલીક વખત તો કોઈ પૂરાવો ન હોવા છતાં ફકત ઈન્કવાયરી અધિકારીના અભિપ્રાય અહેવાલ ઉપર જ આવું ડીપી ઝીંકી દેવામાં આવે છે. ભલે પૂરાવા વગરનું કે ખોટુ ડીપી હોય પણ તેનીટ્રાયલ તો બે ત્રણ વર્ષ સુધી લબડ ધબડ ચાલે જ. આથી આવા કુંડાળામાં ફસાયેલો અધિકારી કે જવાન માનસીક રીતે ઢીલો પડીને પછી ખાતાનો જે ગાડરીયો પ્રવાહ છે તેમાં ભળી જતો હોય છે. અને પછી તેની પાસેથી ઘાંચીના બળદની માફક વૈતરૂ ઈચ્છા મુજબ કરાવવામાં આવતું હોવાનું જણાયેલ છે. ખરેખર તો જો પૂર્વગ્રહથી, વ્યકિતગત વૈમનસ્ય કે માન્યતાને કારણે ખોટી રીતે મનઘડત આક્ષેપ નામા આપવાનું જો બંધ થાય તો સમાજને ઘણા ન્યાયીક અને નવો ચિલો ચાતરતા અને ગુનેગારોને ધ્રુજાવતા જવાનો અધિકારીઓ તૈયાર થાય અને ગાડરીયા પ્રવાહમાં ભળતા બંધ થાય તો સમાજને સુરક્ષા અને શાંતિનો અહેસાસ થાય અને પોલીસ દળ ઉપર જનતાને પણ વિશ્ર્વાસ ઉભો થાય.

સંઘરેલા સાપ પણ કામ લાગે!

પીઆઈ જયદેવને આવા અનેક ડીપીનો અનુભવ સમયાંતરે થતો રહ્યો તેના કારણો તો ઉપર જણાવ્યા પ્રમાણેના જ હતા તેમ છતા જયદેવે પોતાની કાર્ય પધ્ધતિમાં કયારેય ફેરફાર કર્યો નહિ અને ચીલાચાલુ ગાડરીયા પ્રવાહમાં ભળ્યો નહિ પરંતુ તેના રીટાયરમેન્ટ નિવૃતિ નજીકના ત્રણચાર વર્ષ દરમ્યાન અમુક અનુભવો એવા થયા કે નોકરીની આખરનાં વર્ષો દરમ્યાન તેણે પોતાના હથીયારો મ્યાન કરી દીધેલા. આવા અનુભવોમાં ખાસ તો આ પ્રકરણમાં વર્ણવેલા પાંચ ડીપી અને બીજો ભૂજ સીટી પોલીસ સ્ટેશન ખાતે થયેલ એક અકસ્માત મોત (કસ્ટડીયલ ડેથ) જેની વિગત આગળ ઉપર આવશે તે તથા નિવૃતિના છેલ્લા વર્ષે ખોટુ ડીપી ઉભુ કરી ટ્રાયલને અંતે નિર્દોષ છુટવા છતાં પોલીસવડાએ પ્રમોશનના કલીયરન્સ સુધી દોષમુક્તનો હુકમ નહીં કરી પેન્ડીંગ ડીપી દર્શાવી ખોટી રીતે અન્યાય કરી કલીયરન્સના બીજા દિવસે દોષ મુક્ત જાહેર કરેલો તે મુખ્ય છે જે પ્રમોશન ન્યાયની અદાલતમાંથી મેળવવું પડેલુ ! તે ખાસ ખરાબ અનુભવો હતો.

એક દિવસ રાજકોટ પીસીબી કચેરીમાં વિસનગર ડીવાયએસપીનો એક ફેકસ મેસેજ આવ્યો તેમાં ગોધરાકાંડ અન્વયે ઉંઝા ખાતે થયેલ કોમી તોફાનો અંગેના બનાવો બાબત અમુક પુછાણ આવ્યું હતુ. સહજ છે કે આવા કિસ્સામાં વળતા જ ફેકસથી જવાબ થઈ શકે નહિ, પરંતુ જયદેવને તો આ ગોધરા કાંડનો બનાવ બન્યો ત્યારથી જ ખબર હતી કેતોફાનો બાદ આ બનાવો અંગે પંચો, સીટોની રચના થશે અને પૂરૂ નહિ સમજી શકનાર દ્વારા સ્પષ્ટતાઓ મેળવવામાં આવશે અને તે અંગે પૂર્વગ્રહિત અધિકારીઓને તો દુધમાંથી પોરા કાઢવાનો મોકો મળી જશે.

આથી જયદેવ ઉંઝાથી છૂટો થયો તે પહેલા જ આ તેના ઉંઝા પોલીસ સ્ટેશનના કાર્યકાળ દરમ્યાનનાં જરૂરી રેકર્ડ તથા કેસ ડાયરીઓ, વિકલી ડાયરીઓની નકલોની જરૂર પડવા સંભવ હોય તે માટે સાથે જ લેતો આવેલો આથી પાછળથી રેકર્ડ મેળવવા માટે ઉંઝા પોલીસ સ્ટેશનની કોઈ તાબેદારી નહિ ! આથી વિસનગરથી આવેલ ફેકસનો જવાબ ફેકસ મેસેજથી જ કરી દીધો.

પરંતુ જયદેવને મનમાં વિચાર આવ્યો કે આ વિસનગરના ડીવાયએસપી જયારથી બદલાઈને આવ્યા છે. ત્યારથી જ તેનાથી પૂર્વગ્રહિત હતા જુઓ પ્રકરણ ૨૨૨ આંતરિક કોમવાદ ફકત પોતાને વાંધાવાળા અધિકારીની અટક જયદેવ ધરાવતો હોય ખૂલ્લેઆમ પોતે આવતા વેત જયદેવને કહેલું કે મારે તમારી સાથે નહિ બને. વળી પ્રકરણ ૨૨૪ ‘કપટની રાજનીતિ પ્રત્યાઘાત ૨’ વાળા દાસજ ગામે બનેલ કોમી તોફાનો સમયે આ ડીવાયએસપીની સૂચક ગેરહાજરીને કારણે ઉચ્ચ અધિકારીઓનો કદાચ ઠપકો પણ તેમણે સાંભળવો પડયો હોઈ શેકે આથી તેમણે આ કોમી તોફાનો બાદની વિધાનસભાની મધ્યસત્ર ચૂંટણી દરમ્યાન જયદેવે ઉંઝા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યૂહાત્મક રીતે ગોઠવેલ ચૂંટણી બંદોબસ્તની સ્ક્રીમમાં પણ ચૂંટણી સમય પૂરતા નવા નીમાયેલ પોલીસ વડા પાસે ફેરફાર કરાવેલ અને આ કારણોસર જ વિશોળ ગામે મતદાન પ્રક્રિયા દરમ્યાન તોફાનો થતા પોલીસ ફાયરીંગ કરવા પડેલા જુઓ પ્રકરણ ૨૨૫/૨૨૬ ‘અસ્તિત્વ માટે નો જંગ ૧-૨’.

આથી જયદેવે ડીવાયએસપીની આવી વર્તુણુક અને મનોવૃત્તિને કારણે જો કોઈ અમારા વિરૂધ્ધ ઈન્કવાયરી કરાવવાની જરૂરત ઉભી થાય તો આ પૂર્વગ્રહિત ડીવાયએસપીથી કરાવવી નહિ પણ અન્ય તટસ્થ અધિકારીથી કરાવવા માટે ડીઓ (ડેમીઓફિસીયલ) પત્ર લખીને જે તે પોલીસ વડાને જણાવી દીધેલું. પરંતુ તે પોલીસ વડા અને તે પછીના પોલીસ વડા પણ બદલાઈ ચૂકેલા અને જુના બે ત્રણ વર્ષ પહેલા ના ડીઓ લેટર કાઢીને વાંચવાનો કોને ટાઈમ હોય ? આથી જયદેવને થયું કે નવા પોલીસ વડા સમક્ષ આ પૂર્વગ્રહિત ડીવાયએસપી જો કાઈક કાન ભંભેરણી કરશે તો ખોટી મુશ્કેલીઓ તો ઉભી કરશે જ આથી જયદેવે નવા પોલીસ વડા મહેસાણાને પણ રાજકોટ ખાતેથી જ કારણો સાથે નો ડીઓ લેટર લખી જો પોતા વિરૂધ્ધ કોઈ ઈન્કવાયરી કરાવવાનો મુદો ઉપસ્થિત થાય તો આ પૂર્વ ગ્રહિત વિસનગર ડીવાયએસપીથી ન્યાયના હિતમાં તપાસ નહિ કરાવવા જાણ કરી દીધી.

એવરીથીંગ ઈઝ ફેર ઈન લવ એન્ડ વોર!

પરંતુ પોલીસદળ યુધ્ધનુ મેદાન જ છે. પેલી કહેવત મુજબ એવરીથીંગ ઈઝ ફેર ઈન લવ એન્ડ વોર માફક આવા ગંભીર પત્રોને પણ અભેરાઈએ ચડાવી દેવામાં આવે છે. અને પૂર્વગ્રહિત ઉચ્ચ અધિકારીઓ પોતાના વ્યકિતગત ‘ઈગો’ અવશ્ય પણે આવા સંજોગોમાં સંતોષી લેતા હોય છે!

આ પછી સાત-આઠ મહિના બાદ મહેસાણાથી એકી સાથે પાંચ ડીપીનાં ચાર્જશીટ જયદેવ માટે આવ્યા તમામ ચાર્જ ત્રણેક વર્ષ પહેલા ના જ સમયગાળાના હતા. અગાઉ જણાવ્યા પ્રમાણે જે તે વખતના અને તે પછી આવેલા પોલીસ વડા પણ ત્યાંથી બદલાઈ ગયા હતા. જે પોલીસ વડા દ્વારા જયદેવને ચાર્જશીટ અપાયેલા પણ ન હતા. પરંતુ આ પોલીસ વડા પણ કાઠીયાવાડી પૂર્વગ્રહથી યુકત હોય તે માનવ સહજ છે.

જેતે સમયે તો આ નવા પોલીસ વડાએ જયદેવને ચાર્જશીટ મોકલી આપ્યા ! ડીવાયએસપી વિસનગરની ચડામણીથી જયદેવને ડીપી આપી દીધા. પરંતુ તે પછી અમુક વર્ષો બાદ આજ પોલીસ વડા અને જયદેવ એક જીલ્લામાં ફરજમાં ભેગા થઈ ગયેલા ત્યારે તેઓ જયદેવની કાર્યનિષ્ઠા અને કાર્યપધ્ધતિ જોઈ ખૂબ આશ્ર્ચર્ય પામેલા અને જયદેવ પ્રત્યેખૂબજ સહાનૂભૂતિ ઉભી થયેલી જોકે જયદેવે તેને તેમના દ્વારા થયેલ અન્યાય અંગે કયારેય અણસાર પણ આવવા દીધેલો નહિ. પરંતુ આ પોલીસ વડાએ પોતાના થી ભૂતકાળમાં થયેલ ખોટા અન્યાયના પ્રાયશ્ર્ચિત રૂપે જયદેવને ખૂબ પ્રોત્સાહિત કરેલો અને લાંબા સમયના સંબંધો થયેલા.(ક્રમશ:)

‘સત્યમેવ જયતે !’

જયદેવ જોયું તો પાંચ પાંચ ડીપી તદન ખોટા અને દ્વેષબુધ્ધિથી ખોટી રીતે ઉભા કરેલા હતા. આ ડીપી કોઈ આમ જનતાની રજૂઆતથી અપાયેલા ન હતા. ઉપરાંત જે તે સમયે ઉચ્ચ અધિકારીઓ ડીવાયએસપી પોલીસ વડા કે રેન્જ આઈજીપીના ઉંઝા પોલીસ સ્ટેશનનાં સમયાંતરે થયેલ ઈન્સ્પેકશન (તપાસણી) દરમ્યાન પણ કોઈ ખામીઓ વહિવટી કે ન્યાયીક તપાસોની કાર્યવાહીમાં જણાયેલ નહિ. તો આ પાછળથી આટલા સમય બાદ કેમ ઉપસ્થિત થયું ? આ પ્રશ્ર્ન જયદેવને થતા તેણે ખાનગીમા ઉંઝા ખાતે તપાસ કરાવતા જાણવા મળ્યું કે જયદેવની બદલી થતા જે રીતે ઉંઝા તાલુકાની જનતા તથા વિવિધ ૩૦ જેટલી સંસ્થાઓ એ જયદેવનો વિદાય સન્માન સમારોહ યોજીને જે માન આપેલું તેના કારણે વિસનગર ડીવાયએસપી પૂર્વગ્રહ અને દ્વેષભાવને કારણે ખૂબ દુ:ખી થયેલા ખરેખર લોકોએ આ જયદેવનું કરેલુ સન્માન એ તો પોલીસ દળનું જ સન્માન હતુ તેનું ગૌરવ લેવા ને બદલે જ્ઞાતિવાદની લઘુતાગ્રંથીથી પીડાતા આ વિસનગર ડીવાયએસપીએ જયાં સુધી ઉંઝામાં જયદેવ હતો ત્યાં સુધી તો તેનો વાળ પણ વાંકો કરી શકેલ નહિ પરંતુ પાછળથી નવા પોલીસ વડાની ખોટી કાન ભંભેરણી કરી ખોટી ઈન્કવાયરી પૂર્વગ્રહથી પીડાઈને કરી આ ડીપીનાં ચાર્જ ઉભા કર્યા હતા. જયદેવ માટે તો પેલા પ્રખ્યાત શેર જેવી હાલત હતી. ‘ઝહર શિવ ને હી નહી હમને ભી પીયા હૈ રહબર!  યહ તસલસલ તસલસલ હી રહેગા ફિર ભી’ ઝેર ભગવાન શંકરે જ નહી અમે પણ પીધું છે હે સંગાથી મિત્રો આ પરંપરાતો ચાલ્યા જ કરવાની છે.

Loading...