Abtak Media Google News

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો ૪૯મો દિક્ષાંત સમારોહ યોજાયો:
૨૮૭૬૩ જુદી જુદી શાખાના સ્નાતક-અનુસ્નાતકોને પદવી એનાયત કરવામાં આવી

રાષ્ટ્ર૫તિ શ્રી રામનાથ કોવિંદે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ૪૯મા પદવીદાન સમારોહમાં સમગ્ર રાષ્ટ્રમાં ગરવી ગુજરાતની ઓળખ આપનાર એવા ૧૯ મી સદીના રચનાત્મક પ્રણેતા કવિ નર્મદની વિચારધારાને જીવનમાં ઉતારી સમાજ, રાજય અને રાષ્ટ્રના સુદઢ નિર્માણમાં યુવાઓને સામર્થ્ય શક્તિ વડે વૈશ્વિક સ્તરે આગવી ઓળખ પ્રસ્થાપિત કરવા આહ્વાન કર્યું હતું.

Vnsgu 5રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદના હસ્તે રાજયપાલશ્રી ઓ.પી.કોહલી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિવિધ વિદ્યાશાખામાં મેડલ મેળવનારા નવ જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને પદકો-પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા.

Vnsgu 6

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે યોજાયેલા સમારોહમાં દિક્ષાંત પ્રવચન આપતાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, ગુજરાત એ એવી ધરતી છે, જયાં વીર નર્મદ જેવા સમાજ સુધારકોએ રાષ્ટ્રને આગવી ઓળખ આપી છે. ગુજરાત એ મહર્ષિ દયાનંદ સરસ્વતી, પૂ.મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઇ પટેલ જેવી વિભૂતિઓની જન્મભૂમિ છે. ગરવી ગુજરાતે મોરારજીભાઇ દેસાઇ અને નરેન્દ્રભાઇ મોદી જેવા કર્મઠ વડાપ્રધાન દેશને આપ્યા છે.

Vnsgu 7સુરત એ ગુજરાતનું આર્થિક પાટનગર છે, અને ગુજરાત એ દેશને વિકાસની દિશા ચીંધતું ગ્રોથ એન્જિન છે. ગુજરાતના વિકાસ વગર ભારતનો વિકાસ અધૂરો છે. ટેક્ષ્ટાઇલ અને હીરાઉદ્યોગના ક્ષેત્રે આગવી નામના મેળવનાર સુરતે અંગદાન શહેર (ઓર્ગન ડોનેશન લાઇફ સિટી) ની નવી ઓળખ પ્રસ્થાપિત કરી છે, એમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ જણાવ્યું હતું.

Vnsgu 9

રાષ્ટ્રપતિએ યુવાધનને નવા પડકારોનો સામનો કરીને સમાજ-દેશના હિત કાજે લક્ષ્યને હાંસલ કરવા આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રના ઉત્થાન માટે નિર્ધારિત યુવાઓને સામર્થ્ય-શકિતથી રાષ્ટ્રહિતમાં યોગદાન આપવાની આવશ્યકતા છે. દેશના યુવાનો સમૃદ્ધ અને સશક્ત રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદાર બને તેમ પણ ઉમેર્યું હતું.

Vnsgu 10

રાજયમાં શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સિદ્ધિઓની સરાહના કરતાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, આ વિશ્વ વિદ્યાલયમાં દિકરીઓ અભ્યાસમાં અગ્રેસર રહી છે. ૧,૪૧,૦૦૦ વિદ્યાર્થીઓમાં ૮૨ હજાર દિકરીઓ છે, અને સંયોગ એવો છે કે, ૮૨ પદકોમાંથી ૭૧ પુરસ્કાર વિદ્યાર્થિનીઓને મળ્યા છે. આમ, દિકરીઓ તમામ ક્ષેત્રે આગળ વધી રહી છે તે દેશ માટે શુભસંકેત છે. જેમાં સમાજનું યોગદાન પણ વિશેષ રહ્યું છે. રાષ્ટ્રપતિશ્રીએ વીર નર્મદ યુનિવર્સિટીના ૩પ હજાર જેટલા પછાતવર્ગના વિદ્યાર્થીઓને શિક્ષા પ્રદાન કરવાની વિશેષ બાબતની સરાહના કરી હતી.

Vnsgu 12રાજયપાલ શ્રી ઓ.પી.કોહલીએ પદવીધારકોને કવિ નર્મદના ૧૯ મી સદીના સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક જાગૃતિના નવજાગરણ અભિયાનના અધૂરા કાર્યને પૂરા કરવાનું દાયિત્વ નિભાવવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પૂરું પાડવાનું વિશ્વ વિદ્યાલયોનું દાયિત્વ છે. આ ઉચ્ચ શિક્ષણ વિકાસના કાર્યોમાં સહાયરૂપ બને અને વિકાસશીલતાથી વિકસિત રાજય-દેશ બને એ દિશા નિશ્ચિત કરવા આગળ આવવાનું છે.

Vnsgu

રાજયપાલશ્રીએ વિશ્વ વિદ્યાલયો માળખાકીય સવલતો સાથે અને યુવાનો કૌશલ્યવર્ધક બને એવી સ્થિતિનું નિર્માણ કરવા આહવાન કર્યું હતું. તેમણે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ન્યુ ઇન્ડિયા નિર્માણમાં યુવાશકિતના સામર્થ્ય-કૌશલ્યને જોડવા સંકલ્પ કર્યો છે, ત્યારે વિદ્યાલયો વિદ્યાર્થીઓને જ્ઞાનશકિત સાથે વિકાસશીલ નોલેજનો ખજાનો ધરી તેમની સ્કીલ ડેવલપ કરે તેવો અનુરોધ કર્યો હતો. તેમણે આદિવાસી વિસ્તારમાં શિક્ષણક્ષેત્રે થઇ રહેલી અનુકરણીય પહેલને પણ બિરદાવી હતી.

Vnsgu 13

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ દિક્ષા મેળવનાર વિદ્યાર્થીઓને સમાજજીવનના આગલા પડાવમાં માનવ કલ્યાણના મૂલ્યોને મૂર્તિમંત કરી, સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાનો અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, યુવાનોએ પડકારો ઝીલીને ભારત સક્ષમ-શકિતશાળી બને, નયા ભારતનું નિર્માણ થાય એ દિશામાં આગળ વધવાનું છે. વિશ્વ વિદ્યાલયો આ પરિસ્થિતિનું નિર્માણ કરવા અગ્રેસર બની છે. તેમણે મેડલ અને પદવી મેળવનાર વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવી હતી.

Vnsgu 3

શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ન્યુ ઇન્ડિયા વિઝનને સાકાર કરવા સુદઢ ભાવિનું નિર્માણ કરે એવા યુવાનો તૈયાર કરવા છે. વિશ્વની હરિફાઇમાં દેશનો યુવાન ટકી શકે એવી સ્થિતિનું નિર્માણ કરવું છે. સત્યતા, જવાબદારી, દેશભકિતની દાઝ હોય એવા યુવાધનને તૈયાર કરવાની દિશા સુનિશ્વિત કરવા તરફ પ્રયાણ કરવું છે તેમ જણાવી દક્ષિણ ગુજરાત યુનિવસિર્ટીને આ દિશા તરફ અગ્રેસર બનવા અનુરોધ કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને પૂ.મહાત્મા ગાંધી અને સરદાર પટેલના જીવનમૂલ્યોને જીવનમાં ઉતારવા અપીલ કરી હતી.
આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીશ્રી વિભાવરીબેન દવે, કુલપતિશ્રી શિવેન્દ્ર ગુપ્તા, જિલ્લા કલેકટરશ્રી ડો. ધવલ પટેલ, પોલિસ કમિશ્નરશ્રી સતીષ શર્મા, યુનિવસિર્ટીના પદાધિકારીઓ સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.