Abtak Media Google News

મોરબીના વેપારીને ફસાવનાર ગેંગના ૪ સભ્યોને દબોચી લેવાતા બળાત્કાર અને છેતરપિંડીના ગુન્હાનો ભેદ પણ ખુલ્યો

મોરબીમાં તાંત્રિક વિધી કરી ધન અપાવવાની લાલચમાં વેપારીને ફસાવીને વાદી ગેંગે કુલ રૂ. ૧૦.૫૦ લાખ તેમજ સોના ચાંદીના દાગીના હડપયા હતા. બાદમાં વધુ ૩. ૨૮ લાખની માંગણી કરતી વાદી ગેંગને એલસીબીએ પકડી પાડી છે. આ ગેંગના ૪ પૈકી એક સભ્ય ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું પણ ખુલવા પામ્યું છે.

મોરબીના જતીનભાઈ દુર્લભજીભાઈ જીવાણીએ એલસીબીને ફરિયાદ કરી હતી કે ૪ શખ્સોએ ત્રણ મહિના પૂર્વે ધન અપાવવાની લાલચ આપીને જામનગરના ભાટિયા ખાતે વિધિ કરાવી હતી. આ વિધિ દરમિયાન તેમના એક સાગરીત પાસેથી મોઢામાં લોહી નીકળતું હોય તેવું એક નાટક કરાવ્યું હતું. બાદમાં ચારેય શખ્સોએ એવી ધમકી આપી હતી કે તમારી વિધિ દરમિયાન આ વ્યક્તિની તબિયત ખરાબ થઈ ગઈ છે અને ટૂંક સમયમાજ તેનું મૃત્યુ થનાર છે. જો તેનું મૃત્યુ થશે તો તમારી સામે ગુનો નોંધાશે. આ પ્રકારનો ડર બતાવીને ચારેય શખ્સોએ આ વ્યક્તિની તબિયત સુધારવાની વિધિ શરૂ કરાવી હતી.

Img 20180818 Wa0023આમ કુલ આ ચારેય શખ્સો દ્વારા રૂ. ૧૦.૫૦ લાખ અને સોના ચાંદીના દાગીના વિધિના બહાને પડાવી લેવામાં આવ્યા છે. ઉપરાંત હજી વધુ રૂ. ૩.૨૮ લાખની માંગણી કરી રહયા છે. આ પ્રકારની ફરિયાદના આધારે એલસીબીએ છટકું ગોઠવ્યું હતું. જેમાં ચારેય શખ્સોને પૈસા લેવા માટે રફાળેશ્વર મંદિર પાસે બોલાવવામાં આવ્યા હતા. જેવા આ ચારેય શખ્સો તેમની કારમાં પૈસા લેવા માટે રફાળેશ્વર મંદિર પાસે પહોંચ્યા એલસીબીએ આ તમામ શખ્સો જવેરનાથ રાજુનાથ પઢીયાર, દિલીપનાથ કેશનાથ બામણિયા, વિરમભાઇ કાળા ભાઈ બગડા અને પ્રકાશનાથ જવેરનાથ પઢીયારને પકડી પાડ્યા હતા.

એલસીબીએ ચારેય આરોપીઓની ધરપકડ કરી ઇન્ડિકા કાર કિંમત રૂ. ૧.૫ લાખ, મોબાઈલ ફોન નંગ ૬ કિંમત રૂ. ૩૩,૯૯૦, સોનાનો ચેઇન કિંમત રૂ. ૫૦ હજાર મળી કુલ રૂ. ૭,૮૮,૯૯૦નો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવ સંદર્ભે મોરબી જિલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાએ જણાવ્યું કે આરોપીઓએ અગાઉ વલસાડ અને સુરેન્દ્રનગરમાં પણ આ રીતે જ ગુનો કર્યો છે. ઉપરાંત જવેરનાથ પારડી પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ આરોપી છે. તે સુરતના આમરોલી વિસ્તારમાં બળાત્કારના ગુનામાં પણ સંડોવાયેલો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.