Abtak Media Google News

જેમ્સ બોન્ડનું નામ પડતાં જ લોકો તેના ચહેરાને યાદ કરી લેતા હોય છે. હાલના તબક્કે પણ લોકો જેમ્સ બોન્ડ પાછળ દિવાના હોય છે તેના અનેકવિધ કિસ્સા સામે આવતા હોય છે. તેવો જ એક કિસ્સો હાલ પ્રકાશમાં આવ્યો છે કે જેમાં જેમ્સ બોન્ડ ઉર્ફે સીન કોનરીએ તેની પ્રથમ જેમ્સ બોન્ડની વર્ષ ૧૯૬૨માં રીલીઝ થયેલી ફિલ્મ ડો.નો માં વાપરેલી પિસ્તોલની બોલી ૧.૭૫ કરોડ રૂપિયા સુધીની લાગી હતી.

વર્ષ ૧૯૬૨માં ડો.નો નામની સીન કોનરીની ફિલ્મ રીલીઝ થઈ હતી. જે જેમ્સ બોન્ડ સીરીઝની પ્રથમ ફિલ્મ હતી. આ ફિલ્મમાં સીન કોનરીએ  ડીએક્ટિવેટેડ સેમી ઓટોમેટીક પીપી પિસ્તોલ સાથે અભિનય કર્યો હતો. ૫૮ વર્ષ જૂની ફિલ્મમાં સીન કોનરીએ જે પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો તેનું ઓકશન લોસ એન્જલીસમાં યોજાયું હતું. ગુરૂવારે યોજાયેલા ઓકશનમાં આ પિસ્તોલની ખરીદી માટે ૨.૫૬ લાખ ડોલર (આશરે ૧.૭૫ કરોડ રૂપિયા) સુધીની બોલી લાગી હતી. જે હોલીવુડના ઈતિહાસમાં સૌથી ઉંચી બોલી ગણાય રહી છે. ઉલ્લેખનીય બાબત છે કે, ફિલ્મના પોસ્ટરમાં સીન કોનરીએ હાથમાં પિસ્તોલ રાખેલ ફોટો મુકવામાં આવ્યો હતો. જેથી આ પિસ્તોલની લોકપ્રિયતા ખુબ જ વધુ હતી. ઓકશનમાં અનેક સ્થળોએથી લોકો ઉમટી પડ્યા હતા. બોલીની ઉતાર ચઢાવ બાદ મુળ અમેરિકને ૨.૫૬ લાખ ડોલરની અંતિમ બોલી લગાવી હતી અને પિસ્તોલ અમેરિકનને સોંપી દેવામાં આવી હતી. ઓકશન બાદ અમેરિકને કહ્યું હતું કે, હું અને મારો સમગ્ર પરિવાર જેમ્સ બોન્ડના સૌથી મોટા ફેન છીએ. અમે જેમ્સ બોન્ડની તમામ ફિલ્મ જોયેલી છે અને અમને ખબર પડી કે પિસ્તોલની હરરાજી થનારી છે ત્યારે અમે અહીં આવી પહોંચ્યા. હરરાજી પૂર્વે આશરે ૧.૫૦થી ૨ લાખ ડોલર સુધીની બોલી લગાવામાં આવે તેવી આશા મુકવામાં આવી હતી પરંતુ હરરાજી કરનારાની અપેક્ષા બહાર પિસ્તોલની બોલી ખુબ જ ઉચી લગાવવામાં આવી હતી. ઉપરાંત ટોપ ગન ફિલ્મમાં ટોમ ક્રુઝે જે હેલ્મેટનો ઉપયોગ કર્યો હતો તેની ખરીદી ૧.૮ લાખ ડોલરમાં કરાઈ હતી. તેમજ બ્રુસ વીલીયમ્સે પલ્પ ફિકશન નામની ફિલ્મમાં જે તલવારનો ઉપયોગ કર્યો હતો તેની ખરીદી ૩૫૨૦૦ ડોલરમાં કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.