Abtak Media Google News

૯ રાજ્યોની ૭૨ બેઠકો પર ૬૪ ટકા મતદાન: વર્ષ ૨૦૧૪ની ચૂંટણીની સરખામણીમાં મતદાનની ટકાવારી કોણે ફળશે? તે મુદ્દો તમામ રાજકીય પક્ષો માટે ચિંતાનો વિષય

લોકશાહીના મહાપર્વ સમાન ગણાતી લોકસભાની ચૂંટણીના સાતમાંથી ચોથા તબકકા માટે ગઈકાલે મતદાન યોજાયું હતુ. નવ રાજયોની ૭૨ બેઠકો માટે યોજાયેલા મતદાનમાં ૬૪ ટકા જેવું સરેરાશ મતદાન થવા પામ્યું છે. અમુક રાજયોમાં વધેલા મતદાને જયારે અમુક રાજયોમાં ઘટેલા મતદાને મતદારો કંઈ તરફ વધ્યા તે મુદે તમામ રાજકીય પક્ષો ચિંતામાં મુકાય જવા પામ્યા છે. બંગાળમાં થયેલી હિંસાને બાદ કરતા અન્યત્ર બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થતા ચૂંટણી પંચે હાશકારો અનુભવ્યો હતો.

લોકસભાની ચૂંટણીના ચોથા તબકકામાં નવ રાજયોની ૭૧ બેઠકો પર મતદાન ગઈકાલ સાંજે સંપન્ન થયું હતુ જેમાં અપેક્ષા મુજબ સૌથી વધારે પ.બંગાળની આઠ બેઠકો પર ૭૬.૬૬ ટકા જેવું ભારે મતદાન થવા પામ્યું હતુ. બંગાળની આસનસોલ બેઠક પર મતદાન દરમ્યાન અનેક મતદાન મથકો પર ભાજપ અને તૃણમુલના આગેવાનો કાર્યકરો વચ્ચે હિંસા થઈ હતી. જેમાં કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રીયો સામે આચારસંહિતા ભંગ બદલ પોલીસ ફરિયાદ કરવાના પણ ચૂંટણી પંચે આદેશ કર્યા હતા.

પ.બંગાળની આ આઠ બેઠકો પર ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચૂંટણી દરમ્યાન ૮૩.૩ ટકા જેવું ભારે મતદાન થયું હતુ જયારે ગઈકાલે આ બેઠકો પર ૭૬.૬૬ ટકા જેવું મતદાન થતા ૭ ટકા મતદાન ઘટયું હતુ તૃણમુલના ગઢ સમાન વિસ્તારોની આ બેઠકોમાં મતદાન ઘટતા તૃણમુલ માટે ચિંતાનો વિષય બનવા પામ્યો છે. ભાજપ ઉત્તર પ્રદેશ બાદ સૌથી વધારે લોકસભાની ૪૨ બેઠકો ધરાવતા પ. બંગાળમાં તૃણમુલનો ગઢ તોડવા માટે લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યું છે. ભાજપે બંગાળની ૨૨ બેઠકો કબજે કરવા વ્યૂહ રચના બનાવી છે. જેથી તૃણમૂળના ગઢ સમાન આ બેઠકો પર ઓછા મતદાનથી ભાજપ માટે સારા પરિણામની આશા લઈને આવ્યું છે.

તેવી જ રીતે ઓરિસ્સાની ૬ બેઠકો પર યોજાયેલા મતદાનમાં ૬૪.૦૫ ટકા મતદાન થવા પામ્યું હતુ આ બેઠકો પર ૨૦૧૪માં ૭૫.૬૫ ટકા જેવું મતદાન થયું હતુ જેની રાજયમાં સત્તાધારી બીજુ જનતાદળના ગઢ સમાન આ બેઠકો પર ૧૧ ટકા જેવું મતદાન ઘટતા બીજુ જનતાદળ માટે ચિંતાનો વિષય જયારે ભાજપ માટે તક ઉભી થવાની આશા ઉભી થવા પામી છે.

તેવી રીતે ઉત્તર પ્રદેશની ૧૩ બેઠકો પર ૫૮.૫૬ ટકા જેવું મતદાન થવા પામ્યું હતુ વર્ષ ૨૦૧૪માં યોજાયેલી ચૂંટણીમાં થયેલા ૫૮.૨૯ ટકા મતદાન વચ્ચે ભાજપે તેમાંની મોટાભાગની બેઠકો કબ્જે કરી હતી. જેથી આ ચૂંટણીમાં ઘટેલા ૫ ટકા જેવા મતદાને ભાજપને ચિંતામા મૂકી દીધું છે. તેવી જ રીતે બિહારની પાંચ બેઠકો પર યોજાયેલા મતદાનમાં ૫૮.૯૨ ટકા મતદાન થવા પામ્યું હતુ જયારે આજ બેઠકો પર ૨૦૧૪માં ૫૭.૪૮ ટકા મતદાન થયું હતુ જેથી વધેલા દોઢ ટકા જેવા મતો કોના માટે વિજય લાવશે તે રાજકીય પક્ષો માટે ચર્ચાનો વિષય બન્યો છે.

તેવી જ રીતે મહારાષ્ટ્રની ૧૭ બેઠકો પર ૫૮.૦૫ ટકા મતદાન થવા પામ્યું હતુ આ જ બેઠકો પર ૨૦૧૪માં ૫૫.૮૨ ટકા મતદાન થયું હતુ જેની આ બેઠકો પર વધેલુ ૩ ટકા જેટલુ મતદાન કોની તરફેણમાં જશે તે રાજકીય પક્ષોમાં ચર્ચાનો વિષય બન્યો છે. કોંગ્રેસ શાસીત રાજસ્થાનની ૧૩ બેઠકો પર ૬૨.૯૩ ટકા મતદાન થયું હતુ જે આ બેઠકો પર વર્ષ ૨૦૧૪માં થયેલા ૬૪.૪ ટકા મતદાન કરતા ૨ ટકા જેટલુ ઘટવા પામ્યું હતુ આ બે ટકા ઘટેલુ મતદાન કોંગ્રેસને ફાયદો કરાવશે કે ભાજપને ફાયદો કરાવશે તે પણ બંને પક્ષો માટે ચિંતાનો વિષય બન્યો છે.

આમ, ચોથા તબકકામાં ૯ રાજયોની ૭૧ બેઠકો પર થયેલુ મતદાનમાં અમુક બેઠકો પર મતદાનની ટકાવારીમાં થયેલો વધારો જયારે અમુક બેઠકો પર મતદાનની ટકાવારી થયેલો ઘટાડો તમામ રાજકીય પક્ષો માટે ચર્ચાનો વિષય બન્યો છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૪માં આ બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાયં એનડીએને ૫૬ કોંગ્રેસને ૨ બેઠકો મળી હતી જેથી આ ચૂંટણીમાં વધેલી ઘટેલી મતદાનની ટકાવારી કોણે ફાયદો કરાવશે તે અંગે ભાજપ, કોંગ્રેસ, સપા-બસપા, જનતાદળ બીજુ જેટીયુ, એનસીપી, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સહિતના તમામ રાજકીય પક્ષો માટે ચિંતાનો વિષય બની છે.

મોદી લોકસભાની સાથે-સાથે બંગાળ વિધાનસભામાં પણ ગાબડુ પાડશે

લોકસભામાં ચૂંટણી જંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોઈ પણ સંજોગોમાં બંગાળમાં આગળ વધતા અટકાવવા માટે સૌથી વધુ આક્રમકતા બતાવતા તૃણમુલના મમતી બેનર્જીની નાવડી ડુબતી હોવાના સંકેતો આપતા એક ઘટસ્ફોટમાં મોદીએ જાહેસભામાં કર્યો હતો. કે તૃણમુલના ૪૦ ધારાસભ્યો પોતાના સંપર્કમાં છે અને ચૂંટણીના પરિણામો ૨૩મીમે બાદ આ ધારાસભ્યો ભાજપમાં જોડાય જશે.

પ.બંગાળ દીદીની ભૂલો માફ કરે પણ દીદી જે દિશામાં તેમને લઈ જાય છે તે તેનાથી આ ધારાસભ્યોએ તેમનામાં વિશ્વાસ ગુમાવી દીધો છે. વડાપ્રધાને હુબલીમાં જાહેરસભામાં આ ઘટસ્ફોટ કર્યો હતો. તૃણમુલ વડાપ્રધાન મોદીએ ચૂંટણી પંચમાં રાજકીય તોડજોડની ફરિયાદ કરી હતી. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એમ. ચંદ્રાબાબુ નાયડુ અને સીપીએમ નેતા સુજાન ચક્રવતીએ પણ મોદી સામે આજ પ્રકારની ફરિયાદ કરી છે.

મોદીએ બંગાળના મુખ્યમંત્રીની વડાપ્રધાન બનવાની મહેચ્છા સામે પ્રહારો કરતા જણાવ્યું હતુ કે દીદી દિલ્હી બહોત દૂર હૈ તેમણે જણાવ્યું હતુ કે બેનજર્ગીનો આ સરકાર રચવાના સપના પૂરો નહીં થાય કેમકે નજીવી બેઠકથી દિલ્હીની ગાદી ન મળે હું તેમની મનનની મૂરાદ અંગે કહુ તો દિલ્હીતો બહુત દૂર હય યહાં તો ભતીજેકો જમાના હૈ દિલ્હીની ચૂંટણી જીતવાની વાતો સાથે ખરેખર તો તેણી ભત્રીજી અભિષેકબેનર્જીને બંગાળમાં જમાવવા માંગે છે. બેનર્જીના ભત્રીજી અભિષેક બેનર્જી તૃણમુલ કોંગ્રેસના સાંસદ છે.

મોદી, શાહ, રાહુલ સહિતના નેતાઓની આચારસંહિતા ભંગને લઈને આજે નિર્ણય

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી વિ‚ધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે. જેનો ચૂંટણી પંચ આજે નિર્ણય લેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આરોપ છે કે તેઓ ભાષણમાં પુલવામાં અને બાલાકોટ એરસ્ટ્રાઈકનો ઉલ્લેખ કરીને આચારસંહિતાનો ભંગ કરે છે. જયારે ચૂંટણી પંચ અમિત શાહે કરેલી ‘મોદી સેના’ની ટીપ્પણી અંગે પણ તપાસ કરી રહ્યું છે. આઉપરાંત ભાજપે રાહુલ ગાંધીના ‘ચોકીદાર ચોર હૈ’ સુત્ર અંગે ફરિયાદ કરી છે કોંગ્રેસ કોર્ટમાં એવી પણ રજૂઆત કરી છે કે આ કેસની જલદીથી સુનાવણી હાથ ધરવામાં આવે. સુપ્રીમ કોર્ટ દ્વારા આજરોજ અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.