Abtak Media Google News

ભારતનો મીડલ ઓર્ડર ફેઈલ: વિન્ડિઝની સરખામણીમાં ભારતની ડિફેન્સીવ રમત

ત્રણ વન-ડે મેચ સીરીઝનો છેલ્લો મેચ જીતી ભારતે શ્રેણી અંકે કરતા દેશવાસીઓને નવા વર્ષ પૂર્વે જીતની ભેટ આપી છે ત્યારે બીજી તરફ વિપક્ષી વેસ્ટ ઈન્ડિઝની જબદરસ્ત લડાઈનાં કારણે ત્રીજો વન-ડે રોમાચક કરી દીધો હતો. ટોસ જીતી જયારે ભારતે વેસ્ટ ઈન્ડિઝને બેટીંગ કરવા માટે આમંત્રણ આપ્યું ત્યારે એક સમયે વિન્ડીઝની ટીમ ધીમી રમત રમતી જોવા મળી હતી પરંતુ છેલ્લી ૧૦ ઓવરમાં ૧૧૧ રન ફટકારી વેસ્ટ ઈન્ડિઝની ટીમે ૩૦૦+ નો સ્કોર કર્યો હતો જેમાં ૪૦ થી ૫૦ ઓવર વચ્ચે પોલાર્ડ અને પુરને વિસ્ફોટક ઈનીંગ રમી ટીમને ૩૧૫ રન સુધી પહોંચાડી હતી. લક્ષયનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખુબ જ સારી રહી હતી. ઓપનર રોહિત શર્મા અને લોકેશ રાહુલે સમજદારીપૂર્વક રમત રમી ટીમને મજબુત સ્થિતિમાં રાખી હતી પરંતુ તેમની વિકેટ પડતાની સાથે જ ભારતીય ટીમના મીડલ ઓર્ડર બેટસમેનો ફેઈલ થયા હતા ત્યારે વિરાટ કોહલીએ કેપ્ટન્સી ઈનીંગ રમી ટીમને જીતની નજીક પહોંચાડી હતી. વિરાટ કોહલીની વિકેટ પડયા બાદ બેટીંગમાં આવેલા સાર્દુલ ઠાકુરે ભારતીય ટીમને જીતનો સ્વાદ ચખાડયો હતો. સાર્દુલ ઠાકુરે ચેન્નઈ સુપરકિંગ્સ તરફથી અનેક એવા રોમાંચક મેચમાં બેટીંગ કરી ટીમને વિજય અપાવ્યો છે ત્યારે ભારતીય ટીમને ત્રીજા વન-ડેમાં જીત મળવામાં સાર્દુલ ઠાકુરનું યોગદાન મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

વિરાટ કોહલીની કેપ્ટન ઈનિંગ્સ અને રોહિત શર્મા અને લોકેશ રાહુલની અડધી સદીની મદદથી ભારતે રવિવારે કટકમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી ત્રીજી અને નિર્ણાયક વન-ડે ક્રિકેટ મેચમાં ચાર વિકેટે વિજય નોંધાવ્યો હતો. આ સાથે જ ભારતે ત્રણ મેચની શ્રેણી ૨-૧થી જીતી લીધી હતી. પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે વિજય નોંધાવ્યો હતો અને બીજી મેચમાં ભારતનો ધમાકેદાર વિજય થયો હતો. જેના કારણે ત્રીજી અને અંતિમ મેચ નિર્ણાયક બની ગઈ હતી જેમા વિરાટ સેનાએ બાજી મારી છે.  ભારતે ટોસ જીતીને વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું અને પ્રવાસ ટીમે નિર્ધારીત ૫૦ ઓવરમાં પાંચ વિકેટ ૩૧૫ રનનો સ્કોર નોંધાવ્યો હતો. ભારતે ૪૮.૪ ઓવરમાં છ વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. કોહલીએ ૮૫ રન નોંધાવ્યા હતા. ૩૧૬ રનના લક્ષ્યાંકના જવાબમાં રોહિત અને રાહુલની ઓપનિંગ જોડીએ ટીમને દમદાર શરૂઆત અપાવી હતી. આ જોડીએ વધુ એક સદીની ભાગીદારી નોંધાવી હતી. રોહિત અને રાહુલે પ્રથમ વિકેટ માટે ૧૨૨ રનની ભાગીદારી નોંધાવી હતી. રોહિતે ૬૩ બોલમાં ૬૩ રન નોંધાવ્યા હતા. તેણે આઠ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. જ્યારે રાહુલે આઠ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી ૮૯ બોલમાં ૭૭ રનની ઈનિંગ્સ રમી હતી.  જોકે, મિડલ ઓર્ડર નિષ્ફળ રહ્યો હતો. શ્રેયસ ઐય્યર અને રિશભ પંત સાત-સાત અને કેદાર જાધવ નવ રન નોંધાવીને આઉટ થયો હતો. જોકે, લક્ષ્યાંક પાર પાડવામાં નિષ્ણાંત અને બીજી મેચમાં પ્રથમ બોલ પર જ આઉટ થનારા વિરાટ કોહલીએ બાજી સંભાળી હતી અને વિજયની જવાબદારી પોતાના ખભા પર લઈ લીધી હતી. તેણે કેપ્ટન ઈનિંગ્સ રમી હતી. સામે છેડે તેને રવીન્દ્ર જાડેજાનો સહકાર મળ્યો હતો. કોહલીએ ૮૧ બોલમાં ૮૫ રનની મેચ વિનિંગ ઈનિંગ્સ રમી હતી જેમાં તેણે આઠ ચોગ્ગા ફટકાર્યા હતા. જાડેજાએ ૩૧ બોલમાં ચાર ચોગ્ગા સાથે ૩૯ રનની ઈનિંગ્સ રમી હતી. આ ઉપરાંત શાર્દૂલ ઠાકુરે છ બોલમાં બે ચોગ્ગા અને એક સિક્સર સાથે ૧૭ રન નોંધાવ્યા હતા. જાડેજા અને ઠાકુર અણનમ રહ્યા હતા.

7537D2F3 18

અગાઉ વેસ્ટ ઈન્ડિઝે નિકોલસ પૂરન અને કેપ્ટન કેઈરોન પોલાર્ડની આક્રમક અડધી સદીની મદદથી પડકારજનક સ્કોર નોંધાવ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ બેટિંગનું આમંત્રણ મળ્યું હતું. કેરેબિયન ટીમની શરૂઆત મજબૂત રહી હતી. ઈવિન લૂઈસ અને શાઈ હોપની જોડીએ ૫૭ રનની ભાગીદારી નોંધાવી હતી. જેમાં લૂઈસ ૨૧ અને હોપ ૪૨ રન નોંધાવીને આઉટ થયો હતો. મિડલ ઓર્ડરમાં પણ રોસ્ટન ચેઝે ૩૮ અને શિમરોન હેતમાયરે ૩૭ રન નોંધાવ્યા હતા. જોકે, પોલાર્ડ અને પૂરનની બેટિંગ આકર્ષણનું કેન્દ્ર રહી હતી. ગત મેચમાં ખાતુ ખોલાવ્યા વગર આઉટ થયેલા પોલાર્ડે પોતાની પ્રતિષ્ઠા અનુરૂપ બેટિંગ કરી હતી. આ જોડીએ ભારતીય બોલર્સને હંફાવ્યા હતા અને તોફાની બેટિંગ કરી હતી. પૂરને ૬૪ બોલમાં ૮૯ રન ફટકાર્યા હતા જેમાં ૧૦ ચોગ્ગા અને ત્રણ સિક્સર સામેલ હતી. જ્યારે પોલાર્ડ ૫૧ બોલમાં ૭૪ રન નોંધાવીને અણનમ રહ્યો હતો. જેમાં તેણે ત્રણ ચોગ્ગા અને સાત સિક્સર ફટકારી હતી. આ જોડીએ ૧૩૫ રનની ભાગીદારી નોંધાવી હતી. ભારત માટે નવદીપ સૈનીએ બે, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી અને રવીન્દ્ર જાડેજાએ એક-એક વિકેટ ઝડપી હતી.

શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી માટે આજે થશે ભારતીય ટીમની જાહેરાત

વેસ્ટ ઈન્ડિઝ સામે ટી-૨૦ અને વન-ડે સિરીઝ જીત્યા બાદ આજે શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત થશે તેવું હાલ લાગી રહ્યું છે. શ્રીલંકા સામે ટી-૨૦ મેચ અને ઓસ્ટ્રેલિયા સામે વન-ડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત આજરોજ કરવામાં આવશે તેવી સંભાવના સેવાઈ રહી છે. ટીમમાં જસપ્રીત બુમરાહ ઉપર સિલેકટરોની નજર રહેશે ત્યારે હાલ બુમરાહનું સ્વાસ્થ્ય સારું ન હોવાથી તેને વેસ્ટ ઈન્ડિઝ સીરીઝ માટે આરામ આપવામાં આવ્યો હતો. ભારતીય ટીમનાં ફિઝીયો નીતિન પટેલે બુમરાહને નેટ પ્રેકટીસ દરમિયાન નિહાળ્યો હતો અને તે સ્વસ્થ થઈ ગયો હોય તેવું જણાવ્યું હતું. આગામી બે સિરીઝ માટે ભારતીય ટીમમાં બુમરાહનું પુનરાગમન થાય તેવું લાગી રહ્યું છે. સિલેકટરો દ્વારા બંને સીરીઝ માટે ટીમની જાહેરાત કરવામાં આવશે જેમાં એમ.એસ.કે. પ્રસાદ સિલેકશન કમિટીનાં વડા હોવાથી તેઓની અધ્યક્ષ હોવાનાં કારણે ટીમનું ચય્યન કરાશે અને સિલેકશન દરમિયાન વિરાટ કોહલી વિડીયો કોન્ફરન્સ મારફતે હાજરી પણ આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.