Abtak Media Google News

૪ કરોડ લીટર પાણીની ક્ષમતા ધરાવતા પ્લાન્ટમાં ગંદા પાણીને શુધ્ધ કરાશે: ખેડૂતો, ઉદ્યોગો અને બગીચાને પાણી મળશ

સુરેન્દ્રનગર નગરપાલિકાની હદમાં આવતાં શહેરી વિસ્તારોમાંથી નીકાલ કરવામાં આવતાં ગંદા પાણીને ફરી પ્રક્રિયા કરી શુધ્ધ કરી તેનો ઉપયોગ થઈ શકે તે માટે સરકારે વઢવાણ મુળચંદ રોડ પર કરોડોના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી) નાંખવાની કામગીરી હાથધરી છે અને હાલ આ પ્લાન્ટનું ટેસ્ટીંગ ચાલી રહ્યું છે અને કામગીરી પૂર્ણ થવા આવી રહી છે ત્યારે આગામી દિવસોમાં પ્લાન્ટ નું લોકાર્પણ થયાં બાદ ગંદા પાણીને શુધ્ધ કરી તેનો ઉપયોગ થઈ શકશે.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર પાલિકાના અલગ-અલગ વોર્ડમાં આવેલ રહેણાંક વિસ્તારોમાંથી ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે છે ત્યારે આ પાણીનો ફરી શુધ્ધ થયાં બાદ ઉપયોગ થઈ શકે તેમજ પાણીની બચત થાય તેવાં હેતુથી પાલિકાના પૂર્વ પ્રમુખ વિપીનભાઈ ટોલીયાએ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત ઉચ્ચકક્ષાએ રજુઆતો કરી હતી. જેને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા મુળચંદ રોડ પર અંદાજે રૂા.૩૮.૧૭ કરોડથી વધુના ખર્ચે અતીઆધુનિક સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. અને તેની કામગીરી હાલ ચાલી રહી છે જે મોટાભાગે પૂર્ણતાના આરે છે. ત્યારે શરૂઆતના પ્રાથમિક ટ્રાયલબેઝમાં દરરોજ અંદાજે ૫૦ લાખ લીટરથી વધુ ગંદુ પાણી અહિં પાઈપલાઈન મારફતે આવી રહ્યું છે અને તેને અલગ-અલગ પ્રક્રિયા કરી શુધ્ધ કરવામાં આવી રહ્યું છે. અતિ આધુનિક મશીનરી અને અદ્યતન ટેકનોલોજીનો આ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ઉપયોગ કરવામાં આવ્યો છે અને દૈનિક અંદાજે ૩ કરોડ લીટરથી વધુ ગંદુ પાણી શુધ્ધ કરવાની આ પ્લાન્ટ ક્ષમતા ધરાવે છે.

જ્યારે આ અંગે પાલિકાના યુવા પ્રમુખના જણાવ્યા મુજબ આ પ્લાન્ટ સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગયા બાદ શહેરી વિસ્તારોમાંથી દરરોજ અંદાજે ૨.૬૦ કરોડ લીટર ગંદુ પાણી સુએઝ પ્લાન્ટમાં ઠાલવવામાં આવશે અને અલગ-અલગ પ્રક્રિયા કરી શુધ્ધ કર્યા બાદ ખેડુતો, ઉદ્યોગો તેમજ પાલિકા હસ્તકના બગીચાઓને પુરૂ પાડવામાં આવશે. તેમજ આ પ્લાન્ટ કાર્યરત થયાં બાદ શુધ્ધ પાણીની બચત થશે તેમજ ગંદા પાણીનો યોગ્ય રીતે ઉપયોગ પણ થઈ શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.