વોર્ડ નંબર 7 માં લોકોની એક જ ફરિયાદ, રામનાથ મંદિરનું કામ કેમ આગળ વધતું નથી ??

વોર્ડ. ૭

આગામી ૫ વર્ષમાં જુના રાજકોટની અનોખી ઓળખ ઉભી કરાશે

વર્ષ ૧૯૫૨માં જનસંઘની સ્થાપના થઇ તે પણ મોટી ટાંકી ચોક વોર્ડ નંબર ૦૭ માં થઈ હતી.એ વખતના ફાઉન્ડર, મેમ્બર ચીમનભાઈ શુક્લ એક કાર્યકર હતા.

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે વોર્ડ નંબર ૧ થી ૧૮ માં ભાજપ કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેડવારોને જીતાડવા એડી ચોંટી નું જોર લગાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી ની સામે કોંગ્રેસ પક્ષ મજબૂત ઉમેદવારો ઉતારવા માઈક્રો પ્લાન તૈયાર કરી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ દરેક વોર્ડમાં દરેક સોસાયટી દીઠ મતદાર યાદી તૈયાર કરી જીત હાસિલ કરવા પ્લાનિંગ ચાલી રહ્યું છે.ગત ચૂંટણીમાં વિકાસ ગાંડો થયા ના નારા સાથે કોંગ્રેસીઓએ પ્રચાર કર્યો હતો .પરંતુ લોકોએ ભાજપ પર પોતાનો ભરોસો અકબંધ રાખ્યો હતો. આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ તમામ વોર્ડમાં મતદારોને આકર્ષવા સજ્જ બની છે ત્યારે શહેરીજનો પણ પોતાના વોર્ડમાં છેલ્લા ૫ વર્ષ દરમ્યાન થયેલા કામો જોઈને જ મત આપવાનું વિચારી રહ્યા છે. શહેરીજનોની ભાવિ નગરસેવકો પાસે અનેક આશાઓ છે ત્યારે જોવુએ રહ્યું કે આવનારી મહાનગર પાલિકા ચૂંટણીમાં બાજી કોણ મારશે?

રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીમાં આ વખતે ભારતીય જનતા પક્ષની સામે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકરોએ એડીચોટીનું જોર લગાવવાની તૈયારી કરી દીધી છે. વિકાસ કામો લોકો સમક્ષ લઈ જવામાં ભાજપ પણ જરાય ઉણું ઉતર્યું નથી. છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન રાજકોટમાં જે વિકાસ કામો થયા છે તે અંગે ભાજપ કોંગ્રેસના આગેવાનો તેમજ સામાન્ય લોકોનું શું માનવું છે તે જાણવાનો પ્રયાસ ‘અબતક’ની ટીમ દ્વારા થયો હતો.

જેમાં ભારતીય જનતા પક્ષ તથા કોંગ્રેસના આગેવાનોએ વિકાસ કાર્યો અંગે પોતાના મત વ્યકત કર્યા હતા. બીજી તરફ સામાન્ય લોકોએ પણ ચાલુ વર્ષે ચુંટણીમાં વિકાસ કાર્યોની વાસ્તવિક અંગે સમજી પારખી ને જ પોતાનો અમૂલ્ય મત આપવાનો નિર્ધાર કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

વોર્ડ નંબર ૦૭ ભાજપ નો ગઢ ગણાય છે.વર્ષ ૧૯૭૭માં પ્રથમ મેયર આ જ વોર્ડના પંચનાથ વિસ્તારના અરવિંદભાઈ મણિયાર બન્યા હતા.છેલ્લી ટર્મ માં વોર્ડ નંબર ૦૭ માં ભાજપની સતા હતી. વોર્ડ નંબર ૦૭ ની કુલ જનસંખ્યા ૮૦,૦૬૬ છે. જેમાં પુરૂષ મતદાર ૩૦,૪૦૭ તેમજ સ્ત્રી મતદાર ૨૯,૫૯૯ છે. આ વોર્ડના મુખ્ય વિસ્તારોની જો વાત કરવામાં આવે તો રામનાથ પરા વિસ્તાર,પેલેસ રોડ, ગુંદાવાડી વિસ્તાર ,ભક્તિનગર જીઆઇડીસી, નાગરીક બેંક ચોક,સદર બજાર મેઈન રોડ ,જીલ્લા પંચાયત ચોક, રેસકોર્સ રોડ, જનકલ્યાણ સોસાયટી,હેમુગઢવી હોલ વિસ્તાર, હથિખાના વિસ્તાર,સદર બજાર વિસ્તાર, કિસાનપરા ચોક વિસ્તાર સહિતના વિસ્તારો આવેલ છે.

વોર્ડ નંબર ૦૭ માં વર્ષોથી સળગતો જો કોઈ પ્રશ્ન હોઈ તો એ છે ગ્રામ્ય દેવતા રામનાથ દાદા મંદિર નો પ્રશ્ન . અનેક વખત મંદિરની આસપાસ ડિઝાઇન માં ફેરફાર થયા પરંતુ તંત્રના પાપે મંદીરનું કામ આગળ વધતું જ નથી.  વોર્ડ નંબર ૦૭ ભાજપના પૂર્વ કોર્પોરેટર કશ્યપભાઇ શુક્લએ જણાવ્યું કે આવનારા ૫ વર્ષમાં જુના રાજકોટને એક આગવી ઓળખ આપવી છે.જ્યારે ભાજપ કોર્પોરેટર અજય પરમારે જણાવ્યું હતું કે વોર્ડ ૦૭ માં લોકો ભાજપની નીતિ અને કામગીરીથી સંતુષ્ટ છે.

લોકોને નેગેટિવિટી ના ચશ્મા “વિકાસ” માટે પડકાર

વોર્ડ નંબર ૦૭ ના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર પ્રવીણ રાઠોડ તેમજ કોંગ્રેસ આગેવાન રણજીત મૂંધવાએ ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે વોર્ડ ૦૭ ના રહેવાસીઓ ભાજપથી ત્રસ્ત થઈ ગયા છે.આગામી કોર્પોરેશન ચૂંટણીમાં આ વિસ્તારમાં પરિવર્તન આવશે લોકો કોંગ્રેસ પર ફરી વિશ્વાસ કરશે.વોર્ડ નંબર ૦૭ ના રહેવાસીઓ ખૂબ રોષે ભરાયેલ છે. દર ૫ વ્યક્તીએ એક વ્યક્તિ ના મોઢે રામનાથ દાદા મંદિર નું અટકેલું કામનો પ્રશ્ન સાંભળવા મળી રહ્યો છે.જૂનું રાજકોટ વોર્ડ નંબર ૦૭ માં વસેલું છે. બજારોમાં વાહનો પાર્કિંગનો પ્રશ્ન પણ એટલોજ સળગતો છે જેનું નિરાકરણ હજુ સુધી આવ્યું નથી. માટે આવનારી ચૂંટણીમાં લોકો પરિવર્તન લાવે તો પણ નવાઈ નહીં.

Loading...