Abtak Media Google News

ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ૮૦ હજાર ગુણી ડુંગળીની આવક: યાર્ડની સંગ્રહ ક્ષમતા ખુટી પડતા આવક બંધ કરાય

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજે ડુંગળીની હરરાજી બંધ: ૨૦ કિલો ડુંગળીના ભાવ ૪૦૦થી ૧૨૦૦એ પહોંચ્યા

કૃષિપ્રધાન ગણાતા આપણા દેશમાં દર વર્ષે મબલક ડુંગળીનો પાક થાય છે. આ ડુંગળીનો પાક એટલી વિપુલ માત્રામાં થાય છે કે તેને મોટી માત્રામાં નિકાસ કરવામાં પણ આવે છે. પરંતુ, દેશમાં સરકારી માળખાકીય સુવિધાના અભાવે ડુંગળીને સંગ્રહ કરવાની યોગ્ય સુવિધા ઉપલબ્ધ ન હોય સંગ્રહખોરો સમયાંતરે તેનો સંગ્રહ કરીને કૃત્રિમ ભાવવધારો ઉભો કરે છે. ચાલુ વર્ષે ડુંગળીનો પાક મુખ્યત્વે જે વિસ્તારોમાં થાય તેવા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાક મોડો આવ્યો છે જેથી ડુંગળીના ભાવો ૧પ૦ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી જવા પામ્યા હતાં. પરંતુ હવે ચોમાસુ પાકની ડુંગળીની મબલકઆવક શરુ થતાં ડુંગળીના ભાવોમાં ધીમે ધીમે ધટાડો જોવા મળી રહ્યો છે.

ચોમાસુ ડુંગળીનો પાક સામાન્ય રીતે નવેમ્બર માસના અંત સુધીમાં બજારમાં આવે છે પરંતુ ચાલ વર્ષે ભારે વરસાદના કારણે ડુંગળીનો પાક મોડો બજારમાં આવ્યો છે. કૃષિ વિભાગનાં આંકડાઓ મુજબ આ વર્ષે રાજના ૨૧,૭૬૪ હેકટર જમીનમાં ડુંગળીનું વાવેતર થયું છે.

જે ગત વર્ષે ૧૭,૦૯૬ હેકટર જમીનમાં થયું હતું. જેથી આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં ર૭ ટકા વધારે ડુંગળીનું વાવેતર થયું છે. આ ડુંગળીનો પાક હવે બજારમાં આવી રહ્યો છે. ગોંડલના માકેટીંગ યાર્ડમાં છેલ્લા એક પખવાડીયાથી ડુંગળીની મબલક આવક થઇ રહી છે. પ્રથમ વખત દોઢ લાખ ગુણી, બીજી વખત સવા લાખ ગુણી બાદ ગઇકાલે ૮૦ હજાર ગુણી ડુંગળીની આવક યાર્ડમાં થવા પામી હતી.

7537D2F3 11

છેલ્લા બે દિવસથી ગોંડલ માર્કેટ યાર્ડમાં ખેડુતોને ડુંગળી વેચવા લઇ આવવાનું છુટ અપાતા ૮૦૦ થી ૧૦૦૦ જેટલા ડુંગળી ભરેલા વાહનોના થપ્પા લાગી ગયા હતા. ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની સંગ્રહક્ષમતા ખુટી પડતા યાર્ડના સંચાલક મંડળે વધુ ડુંગળી લાવવા પર પ્રતિબંધ મુકી દીધો છે. ગઇકાલે થયેલી ડુંગળીની હરાજીમાં ખેડુતોને ડુંગળીના પ્રતિ મણ રૂ ૨૫૧ થી ૧૪૭૧ સુધીના ભાવો મળ્યા હતા. હાલ ડુંગળીના ઉંચા ભાવો હોય ખેડુતોને જેનો લાભ લેવા ડુંગળીનો કાચો પાક ઉપાડી રહ્યાની ફરીયાદો પણ વેપારીઓમાં ઉઠવા પામી છે. ગુજરાતમાં ડુંગળીનું જયાં મહત્તમ વેંચાણ થાય છે  તેવા ભાવનગરના મહુવા માર્કેટ યાર્ડમાં પણ ડુંગળીની વિપુલ આવક શરુ થઇ ગઇ છે. મહુવા માકેટીંગ યાર્ડમાં વેંચાવા આવતી ડુંગળીના પાકમાંથી ૭૦ ટકા કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ થાય છે જયારે ૩૦ ટકા ડુંગળી બજારમાં વેંચાવા માટે આવે છે. કોલ્ડ સ્ટોરેજમાં જે ડુંગળીનો સંગ્રહ થાય છે તે ડીડ્રાઇડેશન કરીને વિદેશોમાં એકસપોર્ટ કરવામાં આવે છે. મહુવા માર્કેટીંગ યાર્ડના સત્તાધીશોએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે ભારે વરસાદના કારણે મહુવા અને આસપાસના તાલુકામાં ડુંગળીનો પાક મોડો બજારમાં આવી રહ્યો છે.

હવે વિપુલ માત્રામાં બજારમાં ડુંગળીનો પાક આવી રહ્યો  હોય ડુંગળીના ભાવો ધીમે ધીમે ધટી રહ્યા છે. ઉપરાંત કેન્દ્ર સરકારે તુર્કી અને ઇજીપ્તથી મંગાવેલી ડુંગળી પણ ટુંક સમયમાં આવનારી છે જેથી હાલમાં ગ્રાહકોને રડાવતા ડુંગળીના ભાવો ટુંક સમયમાં ખેડુતોને રડાવશે તેવું માર્કેટના નિષ્ણાંતોનું માનવું છે.

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજે એક દિવસ માટે ડુંગળીની હરરાજી બંધ કરવામાં આવી છે. માકેટીંગ યાર્ડમાં માલનો સ્ટોક થતાં હરરાજી બંધ કરવામાં આવી છે. કાલે ડુંગળીની નવી આવક બાદ સોમવારે ફરીથી હરરાજી થશે. ડુંગળીનો પૂરતો સ્ટોક હોય જેના વેચાણ બાદ કાલથી ફરી આવક થશે અને સોમવારથી હરરાજી શરૂ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.