જેને મનની સમાધિ નથી પામી, એ ચાહે અન્ય કંઈ પણ પામી લે તે બધી ઉપાધિ જ હોય છે: નમ્રમુનિ મ.સા.

પરમ ગુરૂદેવની ૫૦ વર્ષીય જીવનયાત્રાનું દર્શન કરાવતાં મહાગ્રંથ “પરમ આરાધ્ય અને પ્રવચનોની પચાસ બુકસનું કરાયું વિમોચન

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, મહંત સ્વામી, શ્રી શ્રી રવિશંકરજી, રમેશભાઈ ઓઝાએ શુભેચ્છા પાઠવી

અબોલ જીવોની વેદનાનો ચિત્કાર સાંભળીને, લાચાર -દુ:ખી જીવોના દર્દનો પોકાર સાંભળીને જેઓ હજારો – લાખો જીવો પર કરુણા વરસાવી રહ્યાં છે. જીવદયા અને માનવતાના મોતી વેરીને જેઓ હજારો જીવોના જીવનઆધાર બની રહ્યા છે એવા કરુણાનિધાન રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનો પચાસમો જન્મોત્સવ -પરમોત્સવ મહા માનવતા અવસરે લાખો જીવોની આંખના આંસુ લૂછતાં માનવતાના અનેક પ્રકલ્પોના શુભારંભ અને પ્રભુ ભક્તિની અનેરી સાધના સાથે સહુના હદયમાં દિવ્યતા પ્રસરાવી ગયો હતો.

મંત્ર સાધનાનું મહત્વ તેમજ આત્મહિતનો બોધ આપીને આ અવસરે પરમ ગુરુદેવે સમજાવ્યું હતું કે, જેણે મનની સમાધિ નથી પામી એ ચાહે આ જગતનું ઘણું બધું પામી પણ લે તેમ છતાં તે બધું તેના માટે એક ઉપાધિ જ હોય છે. આ અવસરે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ પરમ ગુરુદેવને કરુણાના સાગર અને અસામાન્ય પ્રતિભાના સ્વામી તરીકે ઓળખાવીને અત્યંત અહોભાવથી પરમ ગુરુદેવને જન્મોત્સવની શુભેચ્છા -વંદના અર્પણ કરી હતી. વિજયભાઈ રૂપાણીએ પરમ ગુરુદેવના પરકલ્યાણ માટેના પુરુષાર્થની પ્રશસ્તિ કરતાં કહ્યું હતું કે, માત્ર પોતાના કલ્યાણ માટે જ નહીં પરંતુ અન્યના કલ્યાણ માટે પોતાની કાયાને કષ્ટ આપીને પણ, જાતને તપાવીને પણ જે પુરુષાર્થ કરી રહ્યા છે એવા ગુરુદેવનો જન્મોત્સવ સમગ્ર જૈન સમાજ માટે આનંદનો અવસર છે. ધર્મને તર્ક સાથે જોડનારી આજની યુવા પેઢીના તર્કનું સમાધાન આપીને એમને ધર્મ સાથે જોડી રહેલા પરમ ગુરુદેવ જીવદયા અને માનવતાના અનેક અનેક કાર્યો કરીને સહુની ચિંતા કરીને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવી રહ્યાં છે. કોરોનાના સમયમાં પણ ઔતિહાસિક સત્કાર્યો કરનારા પરમ ગુરુદેવને સમગ્ર ગુજરાતની જનતાવતી જન્મોત્સવની શુભેચ્છા- વંદના અર્પણ કરીએ છીએ.

આ અવસરે, બીએપીએસના પૂ મહંત સ્વામી, શ્રી શ્રી રવિશંકરજી, ભાઈશ્રી રમેશભાઈ ઓઝા સાથે જૈન સમાજના પૂજનીય આચાર્યો શ્રમણસંઘીય પૂજય  શિવમુનિજી મ.સા, લીંબડી અજરામર સંપ્રદાયના આચાર્ય પૂ  ભાવચંદ્રજી મ.સા. શ્રમણસંધીય યુવાચાર્ય પૂ  મહેન્દ્રઋષિજી મ.સા, પૂ  પ્રવીણઋષિજી મ.સા, આચાર્ય  કે.સી.મ.સા, ગણીવર્ય  નયપદ્મસાગરજી મ.સા, લીંબડી ગોપાલ સંપ્રદાયના  રામઉત્તમમુનિજી મ.સા, પૂ  મુકેશમુનિ મ. સા, પૂ  હરિશમુની મ.સા, આચાર્ય પૂ  લોકેશમુનિજી મ.સા આદિની શુભેચ્છા- સદ્દભાવના સાથે અનેક અનેક સંતોએ પત્ર દ્વારા પરમ ગુરુદેવને જન્મોત્સવની શુભેચ્છા આપી હતી. આરએસએસના મોહન ભાગવતજી, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્રજી ફડનવીસ, મહારાષ્ટ્ર સ્ટેટ ગવર્નર ભગતસિંહજી કોશિયારી, સાંસદ ગોપાલજી શેટ્ટી, યોગેશ સાગરજી, અજયભાઈ શેઠ, ડાયમંડ મર્ચન્ટ સવજીભાઈ ઢોલકીયા, અંબિકામિલના અવન્તિભાઈ કાંકરિયા, પદ્મશ્રી ડો કુમારપાલભાઈ દેસાઈ, એશિયન હાર્ટ હોસ્પિટલના ડો. રમાકાન્તજી પાંડા તથા ગોંડલ સંપ્રદાય વતી પ્રવીણભાઈ કોઠારી, ચંદ્રકાંતભાઈ શેઠ આદિ મહાનુભાવોએ શુભેચ્છા વંદના અર્પણ કરી હતી.

લાઈવમાં જોડાએલા લાખો ભાવિકોના હદય અત્યંત ઉત્સાહથી હર્ષ – હર્ષનો નાદ પોકારી ઉઠયાં હતાં જ્યારે સહુની આતુરતા વચ્ચે પરમ ગુરુદેવની ૫૦ વર્ષની જીવનયાત્રાને દૃષ્ટિગોચર કરાવતાં મહાગ્રંથ- પરમ આરાધ્યનું અત્યંત ભક્તિભાવથી વિમોચન કરવામાં આવ્યું હતું. એ સાથે જ, ૩૦ વર્ષના સંયમ જીવન દરમ્યાન પરમ ગુરુદેવના શ્રીમુખેથી પ્રગટ થયેલા બોધ પ્રવચનોની ૫૦ બુકસનું પરમ અક્ષરનું આ અવસરે વિમોચન કરવામાં આવતાં સહુ જ્ઞાન અનુમોદના કરી ધન્ય બન્યાં હતાં.

જીવમાત્રની ખેવના કરનારા માનવતા પ્રેમી પરમ ગુરુદેવનો આ જન્મોત્સવ -પરમોત્સવ એમના અંતરની ઉત્કૃષ્ટ કરુણાના દર્શન કરાવી ગયો હતો, જ્યારે આ અવસરે જીવદયા અને માનવતાના અનેક અનેક શ્રેષ્ઠ પ્રકલ્પોની ઉદ્દઘોષણા કરવામાં આવી હતી. તેના અંતર્ગત જરૂયાતમંદો ટ્રક ડ્રાઈવરોના નિ:શુલ્ક મોતિબિંદુ ઓપરેશન અભિયાન, પિતા વિહોણા ગરીબ તેજસ્વી વિદ્યાર્થીઓના અભ્યાસની અનુકુળતા માટે ૫૦૦૦ લેપટોપ વિતરણ અભિયાન, ગુજરાત- સૌરાષ્ટ્રની ૫૦ ગૌશાળા – પાંજરાપોળોના જીવો માટે એક વર્ષ પર્યન્ત દવા સારવાર માટે અહંમ પશુરક્ષા અભિયાન તેમજ માનવતા બેગ દ્વારા જરૂરિયાત મંદોને સહાય કરતું અભિયાન અને ગરીબ – જરૂરિયાતમંદ ભાવિકોને આર્થિક રૂપે સહાયતા આપનારી હેલ્પ એન્ડ હેપ્પી વેબસાઈનું ઉદ્દઘાટન સાથે લાખો જીવોને શાતા- સમાધિ પમાડવામાં આવશે. એ સાથે જ, પરમ ગુરુદેવ પ્રેરિત અહંમ યુવા સેવા ગ્રુપના ઉપક્રમે અને રિલાયન્સ પરિવારના અનંતભાઈ મુકેશભાઈ અંબાણીના સહયોગે અનંત અહંમ આહાર – ગરીબો માટે ભોજનની અનુકૂળતા આપનારા પ્રોજેક્ટનું ઉદ્દઘાટન કરવા સાથે આ પરમોત્સવ વાસ્તવિકતામાં મહા માનવતા મહોત્સવ બની ગયો હતો.

પરમોત્સવના આ અવસરે, પાર્લાના ટોલિયા પરિવાર, રાજકોટના શાહ પરિવાર, કરછના ગાલા પરિવાર આદિ અનેક ભાવિકોએ દિવ્ય કળશનો લાભ લીધો હતો અને પરમ ગુરુદેવને શાલ દ્વારા ઉપકાર અભિવ્યક્તિ અર્પણ કરવાનો લાભ અત્યંત ઉત્સાહ અને અહોભાવ સાથે રાજકોટના સ્નેહાબેન હિતેનભાઈ મહેતા પરિવારે લીધો હતો.

Loading...