Abtak Media Google News

વાયોલીન અને ગાયનવાદથી તાનારીરી મહોત્સવ દીપી ઉઠયો

વડનગરમાં સંગીત બેલડી તાનારીરી બહેનોની યાદમાં દર વર્ષે યોજાતો તાનારીરી મહોત્સવ આ વખતે કોરોના મહામારીના કારણે એક જ દિવસ રખાયો હતો. ગુરૂવારે એક દિવસીય મહોત્સવ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ઈ-શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત કલાકારોએ સંગીતના સુર રેલાવ્યા હતા. કોરોનાના લીધે મર્યાદિત સંખ્યામાં આમંત્રીતો હાજર રહ્યાં હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, કલા, સંગીત જે ગુજરાતને ધબકતું રાખે છે તેવું કહી વધુમાં જણાવ્યું હતું કે, જેથી રાજ્ય સરકાર દ્વારા સોમનાથ મહોત્સવ, ડાકોર મહોત્સવ, અંબાજી મહોત્સવ, ઉત્તરાધ મહોત્સવ જેવા અનેક સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. વાયોલીન અને ગાયનવાદનથી તાનારીરી મહોત્સવનો પ્રારંભ કરાયો હતો.

Screenshot 5 18

કાર્યક્રમમાં અનુરાધા પોડવાલ સહિતને સન્માનીત કરાયા હતા. સાથે જ એક પરર્ફોમિંગ કોલેજનું લોકાપર્ણ કરાવવામાં આવ્યું હતું. પ્રથમવાર વડનગર વાસીઓએ તાનારીરી મહોત્સવ સોશિયલ મીડિયા સહિત કેબલ પર નિહાળ્યો હતો. આ ઉપરાંત ઈ-માધ્યમ દ્વારા તાનારીરી મહોત્સવ અને પરર્ફોમિંગ આર્ટસ કોલેજનો મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી અને યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓના મંત્રી ઈશ્ર્વરસિંહ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો.

Screenshot 4 21

મહોત્સવમાં અનુરાધા પોડવાલ, સાધના સરગમની સાથે અભિષેક જોષી, પૃથ્વી કડી, વર્ષાબેન ત્રિવેદી, પંડિત વિજયકુમાર ગંગાધર સંત, શિતલ બારોટ, નૃત્ય કલા એજ્યુકેશન ટ્રસ્ટના કલાકારોએ સ્ટેજ પરર્ફોમન્સ આપ્યું હતું.

Img 20201126 Wa0036

સોળમી સદીમાં ભકત કવિ નરસિંહ મહેતાની દિકરી કુંવરબાઇએ પોતાની પુત્રી શર્મિષ્ઠાને વડનગર પરણાવી હતી. શર્મિષ્ઠાને બે દિકરી હતી જેના નામ તાના અને રીરી હતાં. તાના-રીરીએ સંગીતની આકરી સાધના કરીને રાગ-રાગિણીઓને આત્મસાત કર્યા હતા. બન્ને બહેનો ભૈરવ, વસંત, દિપક, અને મલ્હાર જેવા રાગોને એકદમ ચોક્કસાઇપૂર્વક ગાઇ શકતી હતી.

Screenshot 3 27

એક વખત અકબર બાદશાહે તાનસેનને દિપક રાગ ગાઇને દિવડાઓ સળગાવવાનું કહ્યું. તાનસેન જાણતાં હતા કે દિપક રાગ ગાવવાથી દિવડાઓ સળગી ઉઠે પણ એ સાથે એ રાગ ગાનારાના શરીરમાં પણ દાહ ઉપડે છે. શરીરમાં ઉપડેલો એ દાહને શાંત કરવાનો એક જ ઉપાય હતો, મલ્હાર રાગ ગાઇને વરસાદ વરસાવવો!!! તાનસેન મલ્હાર રાગ ચોક્કસાઇપૂર્વક ગાઇ શકતા ન હતા એટલે પહેલા તો તેમણે અકબર બાદશાહને દિપક રાગ ગાવાની સવિનય ના પાડી, પણ અકબર બાદશાહે જીદ કરી એટલે એમણે દિપક રાગ ગાયો અને દિવડાઓ એ રાગ થકી પ્રગટી ઉઠયા. એ સાથે જ તાનસેનના શરીરમાં પણ અગન ઉપડયો.

Screenshot 1 25

તાનસેન પોતાના શરીરમાં ઉપડેલા એ અગનઝાળને શાંત કરવા મલ્હાર રાગ ચોક્કસાઇપૂર્વક ગાઇ શકતી વ્યકિતની શોધમાં નીકળ્યા. યોગ્ય વ્યકિતની શોધ કરતાં-કરતાં તાનસેન વડનગર પહોચ્યા અને રાત થઇ હોવાથી શર્મિષ્ઠા તળાવે મુકામ કર્યો.

Img 20201126 Wa0034 1

વહેલી સવારે ગામની બહેનો શર્મિષ્ઠા તળાવમાં પાણી ભરવા માટે આવવા લાગી. તાના-રીરી પણ આવી. રીરીએ પાણીનો એક ઘડો ભર્યો જયારે તાના પાણીનો ઘડો ભરતી હતી અને ફરી પાછી ઘડાનું પાણી તળાવમાં પાછું ઠાલવતી હતી. તાના બહેન આ તું શું કરે છે? કુતુહલવશ રીરીએ તાનાને પુછયું. રીરી, હું ઘડામાં પાણી ભરૂં છું ત્યારે પાણી ભરવાનો અવાજ આવે છે, એ અવાજ મલ્હાર રાગ જેવો નીકળશે ત્યારે જ હું ઘડો પાણીથી ભરીને ઘરે લઇ જઇશ. તાનાએ પોતાની બહેનને જવાબ આપ્યો.

Screenshot 2 37

તાનાએ અલગ-અલગ રીતે ઘડામાં પાણી ભર્યુ અને જયારે મલ્હાર રાગ જેવો પાણી ભરવાનો અવાજ આવ્યો ત્યારે તે ખુશ થઇ અને ઘડો માથા ઉપર મુકયો. શર્મિષ્ઠા તળાવ ના કિનારે તાનસેન એ બન્ને બહેનોને નિહાળી રહ્યા હતા. તાનાની વાત સાંભળીને તેને હાશકારો થયો. હું જે વ્યકિતની શોધમાં છું એ તો આ બે બહેનો જ છે. જે વ્યકિત પાણી ભરવાના અવાજને મલ્હાર રાગની સાથે સરખામણી કરી શકે તે મલ્હાર રાગ તો ચોક્કસાઇપૂર્વક ગાઇ શકે જ.

Img 20201126 Wa0033

તાનસેન આમ વિચારતો એ બન્ને બહેનો પાસે ગયો અને પોતે એક બ્રાહ્મણ છે એવી ઓળખાણ આપી પોતાના શરીરમાં લાગેલી અગનદાહ વિશે વાત કરી. એ અગનદાહને શાંત કરવા એ બન્ને બહેનોને મલ્હાર રાગ ગાવાની તાનસેને વાત કરી. તાના-રીરીએ પોતાના પિતાની સંમતિ લઇને તળાવ પાસે આવેલા હાટકેશવર મહાદેવના મંદિરમાં મલ્હાર રાગ ગાવાની શરૂઆત કરી. તાનપુરાના તાર ઉપર નાજુક કોમળ આંગળીઓ રમવા લાગી. તાના-રીરીએ મેઘ મલ્હાર છેડયો અને થોડી જ વારમાં મેઘ વરસી પડયો. તાનસેનના તન અને મનનો અગનદાહ શાંત પડયો. તાનસેન એ બન્ને બહેનોનો આભાર માન્યો. તાના-રીરીએ આ બાબતની વાત કોઇને ન કરવાનું તાનસેન પાસેથી વચન લીધું.

થોડા સમય બાદ તાનસેન અકબરના દરબારમાં ફરી હાજર થયો ત્યારે તેના અગનદાહને શાંત પડેલો જોઇને અકબરે તેને પુછયું,તાનસેન તમે તો કહેતા હતા ને કે તમારા શરીર નો અગનદાહ શાંત પડી શકે તેમ નથી તો આ ચમત્કાર કેમ થયો? વચનથી બંધાયેલા તાનસેને અકબર બાદશાહને ખોટી વાત કરી. બાદશાહને સંતોષ થયો નહી એટલે એમણે તાનસેનને મૃત્યુદંડની સજાની બીક બતાવી ત્યારે તાનસેને સાચી વાત જણાવી દીધી.

તાનસેનની વાત સાંભળીને અકબરે તાના-રીરીને માનભેર પોતાના દરબારમાં લાવવાનો હુકમ કર્યો. સેનાપતિઓ તાના-રીરીને દિલ્હી લાવવા માટે વડનગર આવ્યા. સેનાપતિ ઓએ બાદશાહની ઇચ્છા જણાવી પણ તાના-રીરીને કશું અઘટિત લાગતાં દિલ્હી આવવાની ના પાડી. આથી સેનાપતિઓ તાના-રીરીને બળજબરથી દિલ્હી લઇ જવા દબાણ કરવા લાગ્યા.

Img 20201126 Wa0035

બન્ને બહેનોએ મનોમંથન કરી આત્મબલિદાનનો માર્ગ અપનાવ્યો. ઇષ્ટદેવની પુજા કરી બન્ને બહેનોએ અગ્નિસ્નાન કર્યુ. તાના-રીરી વિશે તાનસેનને વાત જાણવા મળી ત્યારે તેને ખૂબ જ આઘાત લાગ્યો. તાનસેને એ બન્ને મહાન બહેનોના માનમાં નોમ. તોમ. ઘરાનામા તાના-રીરી આલાપ જગતભરમાં પ્રસિદ્ઘ કર્યો. આજે પણ સંગીતજ્ઞો કોઇપણ આલાપને ગાવાનું શરૂ કરે એ પહેલા નોમ.તોમ.ઘરાનામાતાના-રીરીઆલાપ ગાઇને તાના-રીરીને શ્રધ્ઘાંજલી અર્પિત કરે છે.

વડનગરમાં તાના-રીરીની દેરીઓ આજે પણ હયાત છે. શર્મિષ્ઠા તળાવ પાસે આવેલા તાના-રીરી બગીચામાં તાના-રીરી શાસ્ત્રીય સંગીતનું આયોજન કરવામાં આવે છે જેને હજારો દર્શકો દર વર્ષે માણે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.