Abtak Media Google News

માળીયાના ચીખલી નજીક ઘુડખરના મૃતદેહ તણાઈ આવ્યા

માળીયાના છેવાડાંના ચીખલી અંજીયાસરમાં બનાસનદીના પાણી ફરી વળતા અનેક ઘુડખરના મોત નીપજ્યા હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી છે જોકે રક્ષિત જાહેર કરાયેલા ઘુડખર પ્રાણીના મોટી સંખ્યામાં મોત થવા છતાં વનવિભાગ દ્વારા આ બાબતની ગંભીર નોંધ લેવામાં આવી નથી.

બનાસનદીએ વરસાવેલા કહેરને કારણે પૂરના પાણી છે કે હળવદ અને માળીયાના ખાડી વિસ્તાર સુધી પહોચતા હાલમાં માળીયાના અંજીયાસર અને ચીખલી સહિતના ગામોમાં ૮થી ૧૦ ફુટ જેટલા પાણી ભરાયેલા છે.પૂરના પાણીને કારણે ચીખલીમાં માણસોને તો સલામત સ્થળે ખસેડી લેવાયા હતા પરન્તુ આજુ બાજુના જંગલ વિસ્તારમાં રહેતા રક્ષિત જાહેર થયેલા ઘુડખર પ્રાણીનો સોથ બોલી ગયો છે. સમગ્ર ભારતમાં માત્રને માત્ર કચ્છના નાના રણમાં જ જોવા મળતા ઘુડખર પ્રાણીઓ ચીખલી વિસ્તારમાં મોટા પ્રમાણમાં રહે છે.ચીખલીના રહેવાસી જાગૃત નાગરિક ઇલિયાસભાઈ મલાણીના જણાવ્યા મુજબ તેમના ગામ નજીક ૩૫ થી ૪૦ ઘુડખર રહેતા હતા અને અહીંથી ચારેક કિમિ દૂરના જંગલમાં ૨૦૦ જેટલા ઘુડખર વસવાટ કરે છે પરંતુ બનાસના પાણી ફરી વળતા અત્યારે એકપણ ઘુડખર નજરે ચડતું નથી,

પૂર પહેલા જંગલમાં જતા રહેલા ઘુડખરના જીવ બચી ગયા હોવાની આશા વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે હાલમાં ગામ નજીક ૧૦ થી ૧૫ ઘુડખરના મૃતદેહો જોવા મળ્યા છે હજુ પણ અનેક જગ્યાએ ખુબજ પાણી ભર્યા હોય જઈ શકાય એવી પરિસ્થિતિ નથી પરંતુ પાણી ઉતાર્યા બાદ સાચી સ્થિતિનો ખ્યાલ આવી શકે તેમ હોવાનું જણાવ્યું હતું.

દરમિયાન જંગલી ઘુડખરના મોટા પ્રમાણમાં મૃત્યુ નિપજવા છતાં હજુ વનવિભાગ ક્યાંય ડોકાયું ન હોવાનું પણ સૂત્રોએ અંતમાં ઉમેર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.