Abtak Media Google News

રૂ. ૧ કરોડથી વધુના પ્રોજેકટમાં કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઉપર ૨૦ ટકાની સબસીડી મળશે

થીમ પાર્ક અથવા એમ્યુઝમેન્ટ પાર્કમાં રૂ. ૫૦ કરોડથી ૫૦૦ કરોડ વચ્ચેના મૂડી રોકાણમાં ૧૫ ટકા સબસીડી અપાશે

સૌરાષ્ટ્ર માટે સોનાના દ્વાર ખોલતી નવી ટુરિઝમ પોલિસી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેર કરી છે. આ ટુરિઝમ પોલિસીથી સૌરાષ્ટ્ર પ્રવાસન ક્ષેત્રે નવા આયામો સર કરવાનું છે. અને સૌરાષ્ટ્રનો અતિથિ દેવો ભવનો ભાવ સમગ્ર વિશ્વ સમક્ષ આવવાનો છે તે નક્કી છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નવી પ્રવાસન પોલિસીની જાહેરત કરી છે. આ પ્રવાસન પોલિસી ૫ વર્ષની છે. ૧ જાન્યુ. ૨૦૨૧થી ૩૧ માર્ચ ૨૦૨૫ સુધીનો પોલિસીમાં ઘણા મહત્વના મુદાઓ છે. જેમાં પ્રવાસન પોલ પોલિસીને પ્રોત્સાહન આપવાથી પ્રવાસીઓ વધતા રાજ્યનો વિકાસ દર વધશે. પ્રવાસીઓ તાજમહેલ કરતા જઘઞની વધુ મુલાકાત લે છે. ગિરનાર રોપ-વે, સી-પ્લેન, હેરિટેજને પ્રોત્સાહન મળશે. જૂની પોલિસીમાં અનેક ફેરફાર કરાયા છે. દ્વારકા પાસે શિવરાજપુરને વિકસિત કરાશે અને વોટરપાર્ક, થીમ પાર્કને પ્રોત્સાહિત કરવામાં આવશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતુ કે, વેલનેસ રિસોર્ટ પર ૧૫ ટકા સબસિડી આપવામાં આવશે. ૫૦૦ કરોડથી વધુ રોકાણ કરે તેને ૧૫ ટકા સહાય મળશે એટલું જ નહીં પણ ૫૦૦ કરોડથી વધુ રોકાણ કરનારને જમીન લીજ પર અપાશે. સ્પોર્ટ્સ, એડવેન્ચર ટૂરિઝમ માટે પણ સહાય અપાશે. ટૂરિસ્ટ વિસ્તારમાં ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવામાં આવશે. ઈલેક્ટ્રિક વાહનોમાં મૂળ કિંમતના ૧૫ ટકા સહાય આપવામાં આવશે.

ઉપરાંત વિશ્વભરના યુવા પ્રવાસીઓ આકર્ષિત કરવા માટે ખાસ એડવેન્ચર ટુરિઝમને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. એડવેન્ચર ટુરિઝમ ઈકવિપમેનટ માટે ૧૫ ટકા કેપીટલ સબસિડી અને મહત્તમ રૂપિયા ૧૫ લાખ પ્રદાન કરવાનું જાહેર કરાયું છે.

રૂપાણીએ શિવરાજપુર બીચ વિશે  કહ્યું કે તેને ગોવાના બીચ જેમ ડેવલોપ કરાશે.  ગુજરાતમાં દારૂબંધી છે અને તેનો ચુસ્ત અમલ થશે. બહારથી જે આવે છે તે પરમિટ સાથે લઇને આવે છે. વિદેશી પ્રવાસીઓ માટે આપણે એરપોર્ટ ઉપર જ પરમિટ મળી રહે તેવી વ્યવસ્થા કરી છે. પરંતુ પ્રવાસન સ્થળોએ લિકર મળી રહે તેવી કોઇ સુવિધા આપવાના નથી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે વર્ષ ૨૦૦૯થી ૨૦૧૮ દરમિયાન ૯ વર્ષોમાં પ્રવાસીઓની સંખ્યા ૧૫ ટકાના દરે વધી છે જે ભારતના કુલ પ્રવાસીઓની સંખ્યાના ૧૨ ટકાના વૃદ્ધિ દર કરતા પણ વધારે છે. સ્થાનિક પ્રવાસીઓ મેળવવાની દ્રષ્ટીએ ગુજરાત ટોચના  ૧૦ પ્રવાસન સ્થળોમાં સ્થાન ધરાવે છે. હાઇ પ્રાયોરીટી ટુરિઝમ સેન્ટરમાં અમદાવાદ- ગાંધીનગરનો સમાવેશ કરાયો નથી.

રાજ્યના હાઈ પ્રાયોરિટી સેન્ટરમાં ૬ સૌરાષ્ટ્રના સ્થળો

નવી પ્રવાસન નીતિમાં રાજ્યમાં ૯ હાઈ પ્રાયોરિટી સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે. જેમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, નર્મદા, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, ડાંગ, ધારી, ડભોઇનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ આ ૯ હાઈ પ્રાયોરિટી સેન્ટરમાં ૬ સ્થળ તો સૌરાષ્ટ્રના છે એટલે નવી પ્રવાસન પોલિસી સૌરાષ્ટ્ર માટે સોનાના દ્વાર ખોલશે તે નક્કી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.