જીટીયુના નવા સત્રનો આવતીકાલથી પ્રારંભ

પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ૨ સપ્તાહ સુધી ડિજિટલ માધ્યમ થકી ઈંન્ડક્શન પ્રોગ્રામ યોજાશે, પ્રથમ દિવસે જીટીયુના કુલપતિ, કુલસચિવ અને ડિન ફેકલ્ટી ઑફ એન્જિનિયરીંગ વિદ્યાર્થીઓને સંબોધશે

શિક્ષણના પાયાના મૂળમાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)નો સવિશેષ ફાળો છે.  ૪૮૬થી વધુ સંલગ્ન કોલેજ અને ૪ લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ ધરાવનાર રાજયની સૌથી મોટી ટેક્નિકલ યુનિવર્સિટી તરીકે જીટીયુ એ સમગ્ર દેશમાં બહુમાન મેળવ્યું છે. એકેડમીક વર્ષ ૨૦૨૦-૨૧માં એન્જિનિયરીંગની જુદી-જુદી શાખામાં જીટીયુ સંલગ્ન કોલેજમાં પ્રથમ વર્ષમાં તાજેતરમાં જ અનેક વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. જીટીયુ દ્વારા આગામી તારીખ ૧૫ ઑક્ટોમ્બરના રોજથી નવા સત્રનો પ્રારંભ કરવામાં આવશે. પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ૨ સપ્તાહ સુધી ડિજીટલ માધ્યમ થકી ઈંન્ડક્શન પ્રોગ્રામ યોજાશે. જેના પ્રથમ દિવસે ઓરીએન્ટેશનમાં જીટીયુના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠ, કુલસચિવ ડો. કે. એન. ખેર અને ડિન ફેકલ્ટી ઑફ એન્જિનિયરીંગ ડો. જી.પી.વડોદરીયા હાજર રહીને વિદ્યાર્થીઓને સંબોધશે. પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને જીટીયુના કુલપતિએ શુભકામના આપતાં જણાવ્યું છે કે, આગામી દિવસોમાં ટેક્નિકલ શિક્ષણ થકી આજની યુવાપેઢી નીતનવા સંશોધન કરીને દેશ વિકાસમાં સહભાગી થાય અને જીટીયુનુ પણ નામ રોશન કરે.

કોવિડ-૧૯ની વર્તમાન પરિસ્થિતિને કારણે એકેડમિક વર્ષ ૨૦૨૦-૨૧માં પ્રવેશ પ્રકિયા મોડી થઈ છે. પરંતુ વિદ્યાર્થીઓના અભ્યાસને કોઈ પણ પ્રકારનું નુકસાન ના પહોંચે અને સમયમર્યાદામાં દરેક શાખાનો અભ્યાસક્રમ પૂર્ણ કરવા માટે જીટીયુ દ્વારા તમામ પ્રકારે પગલાં ભરવામાં આવ્યા છે. પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને હાલના સંજોગોમાં ડિજીટલ માધ્યમ થકી શિક્ષણ આપવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને ટેક્નોલોજીકલ શિક્ષણથી વાકેફ કરવાના હેતુસર પ્રથમ બે સપ્તાહમાં ઈંન્ડક્શન પ્રોગ્રામ યોજાશે. જેમાં વિવિધ ટેક્નિકલ વિષયોના તજજ્ઞો દ્વારા ઈ-લેક્ચર લેવામાં આવશે. આ ઉપરાંત  ક્રિએટીવ આર્ટ્સ, યુનિવર્સલ હ્યુમન વેલ્યુસ, લિટ્રસી, ઈનોવેશન તથા સ્ટાર્ટઅપ સંબધિત બાબતોનું માર્ગદર્શન આપવામાં આવશે. પ્રથમ દિવસના ઓરીએન્ટેશન પ્રોગ્રામમાં જીટીયુ સંલગ્ન તમામ કોલેજના પ્રિન્સિપાલ તથા પ્રવેશ મેળનારા વિદ્યાર્થીઓ જોડાશે. જેનું જીવંત પ્રસારણ જીટીયુના ફેસબુક પેજ પર કરવામાં આવશે.

Loading...