Abtak Media Google News

રાષ્ટ્રસંતે સાધ્વીરત્ના પૂ.ગુલાબબાઈ મ.સ.ને શ્રધ્ધાંજલિ અર્પી

ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની પિયુષભાઈ મોદીનાં નિવાસસ્થાનેથી પારસધામમાં પ્રવેશ પધરામણી થઈ છે. અર્હમ યુવા સેવા ગ્રુપનાં સભ્યોએ આવકાર નૃત્ય પ્રસ્તુતિ દ્વારા, મહિલાઓએ મસ્તકે શુભ શુકન રૂપ કળશ ધારણ કરીને, તો લુક એન લર્ન જૈન પાઠશાળાનાં નાના બાળકોએ પોતાની નિર્દોષ ભાવ ભક્તિ દ્વારા રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવનું ઉમળકાભર્યું સ્વાગત કર્યું હતું.

પારસધામમાં પ્રવેશ બાદ, નાભિના નાદથી ઉવસગ્ગહરં સ્તોત્રની જપ સાધના કરાવ્યા બાદ પારસધામનાં પ્રાંગણમાં ખીચોખીચ બેઠેલાં ભાવિકોને રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવે એક અલગ જ દિશામાં લઈ જતાં ફરમાવ્યું કે, પહેલાનાં કાળમાં વહેતી નદીઓ હતી અને આજનાં સમયમાં વહેતી પાઈપલાઈન્સ છે. નદીને તડકાની અસર થાય, પરંતુ પાઈપલાઈનમાં પ્રવાહિત પાણી તડકાથી સૂકાતુ નથી. પારસધામ એ પાઈપલાઈન્સ જેવા ભાવિકોનાં હૃદયમાં પ્રભુનો પ્રવાહ પહોંચાડનારું પંપિંગ સ્ટેશન છે.Whatsapp Image 2019 03 18 At 10.21A

નવકારશી બાદ રાષ્ટ્રસંતે બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોને મંત્રાધિરાજ નમસ્કાર મહામંત્રનાં લયબદ્ધ અને મુદ્રાસહિત જાપ કરાવતાં વાતાવરણમાં અલગ જ દિવ્યતાનાં સ્પંદનો પ્રસરી ગયાં હતા. લુક એન્ડ લર્ન જૈન પાઠશાળાનાં બાળકો દ્વારા સ્વાગત નૃત્ય બાદ ભાવિકજનોને આત્મહિતકારી બોધ આપતાં રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવે ફરમાવ્યું કે ગુરુનું સાંનિધ્ય પળે પળે શિષ્યનાં હૃદયમાં પરિવર્તન લાવે છે. જો વ્યક્તિ ગઈકાલ જેવી આજે પણ લાગે તો સમજવું કે તેનું ગુરુ સાથેનું કનેક્શન વીક થઈ ગયું છે. કેમ કે અસત્ત નિમિતોથી ભરેલા આ સંસારથી પોતાના આત્માને બચાવવો તે ખૂબ જ અઘરું હોય છે.

ગોંડલ સંપ્રદાયનાં ૭૨ વર્ષની સર્વોચ્ચ દીક્ષા પર્યાય ધરાવનાર પૂ. ગુલાબબાઈ મ. ૪ દિવસ પહેલાં કાળધર્મ પામતાં રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ, ક્રાંતિકારી સંત પૂ. પારસમુનિ મહારાજ સાહેબ, બોટાદ સંપ્રદાયનાં પૂ. રસિલાબાઈ મ. ના સુશિષ્યા પૂ. રોશનીબાઈ મ. એવમ શાસનચંદ્રિકા પૂ. હીરાબાઈ મ.નાં સુશિષ્યા પૂ. ભારતીબાઈ મ. એ પૂ. ગુલાબબાઈ મ.નાં જીવનકવન અને ગુણોને યાદ કરી સ્મરણાંજલી અને શ્રદ્ધાંજલી અર્પી હતી.

વિશેષમાં, પૂ. ગુલાબબાઈ મ.ની વિદાય થતાં, હાલમાં ગોંડલ સંપ્રદાયમાં સર્વોચ્ચ દીક્ષા પર્યાય ધરાવનાર વલસાડ, પ્રાણધામ બિરાજીત પૂ. પ્રાણકુંવરબાઈ મ.ને રાષ્ટ્રસંત પૂજ્યે સંપ્રદાય વરિષ્ઠાની પદથી વિભૂષિત કર્યા હતાં.નવદિક્ષિતા પૂ. પરમ સંબોધિજી મ.એ ગુરુ સાથેનાં કનેક્શનને સ્ટ્રોંગ કરવા માટે સંસારમાં અનાથતાનો અનુભવ, ગુરુ પ્રત્યેનાં ઉપકારભાવ અને ગુરુનાં ભક્ત પ્રત્યે ગુણગ્રાહકતા ભાવ પર મનનીય પ્રવચન ફરમાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.