સુંદરમ પાર્કમાં થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો ; પૂર્વ પતિ સહિત ચારની ધરપકડ

પત્ની છૂટાછેડા પછી પ્રેમી સાથે લગ્ન કરી લેશે તો મકાન નહિં મળે તેવુ વિચારી હત્યાનું પૂર્વ પતિએ દિવમાં કાવત્રું ઘડ્યું

સમાધાન માટે આજી ડેમ પાસે બોલાવ્યા બાદ ઝગડો કરી  મહિલાના  ઘરે જઇ સંજય-ધવલે ફાંસો આપી હત્યા કરી નાંખી : વર્ષા ઘર બહાર ચોકી પહેરો કરતી હતી

પત્ની સાથે છૂટાછેડાના રૂ. 6 લાખ મેળવી પતિ પરિવારજનો સાથે દિવમાં ફરવા ગયો’તો

શહેરના માડાડુંગર પાસે આવેલ સુંદરમ પાર્કમાં રહેતી 40 વર્ષિય મહિલાની કોહવાયેલી હાલતમાં ઘરમાંથી લાશ મળી આવ્યા બાદ આજીડેમ પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. મહિલાના પૂર્વ પતિએ જ મિલકત બાબતે પોતાના પિતરાઈ ભાઈ-ભાભી અને અન્ય એક શખ્સની મદદથી મહિલાની હત્યા કરાવી નાખ્યા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  હત્યાનો આ પ્લાન પૂર્વ પતિએ દીવમાં ઘડયો હતો. જ્યારે હત્યાને ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ પણ દીવ ચાલ્યા ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ  માંડા ડુંગર પાસે સુદરમ્ પાર્ક-3માં રહેતી ભારતીબેન દેવજીભાઈ મગનભાઇ જાદવ નામની ત્યકતા મહિલાની તેના જ ઘરમાંથી લટકતી લાશ મળ્યા બાદ મર્ડર મિસ્ટ્રી સામે આવી હતી. આજીડેમ પોલીસે તપાસ કરતાં ભારતીબેનની હત્યા તેના જ પતિ આનંદ ચુનીલાલ સાકરીયાએ પોતાના ફઇના દિકરા સંજય ઉર્ફ જગો જીવણભાઈ ભુસડીયા, તેની પત્નિ વર્ષા સંજય અને સંજયના મિત્ર ધવલ કોળી સાથે પ્લાન ઘડીને કરાવ્યાનું સામે આવ્યું હતું. આનંદ દિવમાં બેઠો બેઠો આનંદ કરતો હતો. ત્યારે તેના પ્લાન મુજબ સંજય અને વર્ષા દિવથી રાજકોટ આવ્યા હતાં અને મિત્ર ધવલ સાથે મળી ભારતીબેનની હત્યા કરી રાતોરાત ફરી આનંદ પાસે દિવ જતાં રહ્યા હતાં. એ પછી ત્યાંથી અલગ પડી ગયા હતાં.

હત્યાની ઘટનામાં પોલીસે હત્યાનો ભોગ બનેલા ભારતીબેને જેની સાથે મૈત્રી કરાર કર્યા હતાં તે ચુનારાવાડ અંબિકા સોસાયટી-3માં રહેતાં પ્રવિણભાઇ તળશીભાઇ મેણીયા (કોળી) (ઉ.વ.55)ની ફરિયાદ પરથી ભારતીના પૂર્વ પતિ આનંદ ચુનીલાલ સાકરીયા, તેના ફઇના દિકરા ભાઇ સંજય ઉર્ફ જગો જીવણભાઇ ભુસડીયા, વર્ષા સંજય ભુસડીયા અને સંજયના મિત્ર ધવલ સામે આઇપીસી 302, 120 (બી), 114 મુજબ કાવત્રુ ઘડી હત્યાનો ગુનો નોંધી ચારેયને સકંજામાં લઇ કોવિડ ટેસ્ટ કરાવવા તજવીજ કરી છે.

પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. લગ્ન જીવન દરમિયાન ભારતી અને આનંદ પાંચ દિકરીના માતા-પિતા બન્યા હતાં. જેમાં એક દિકરી સાસરે છે. છેલ્લા દોઢેક વર્ષથી ભારતીને પતિ આનંદ કોઇને કોઇ મુદ્દે હેરાન કરવા માંડ્યો હતો. મકાન સહિતની મિલ્કત તેણીના નામે હોઇ આ બાબત આનંદને ગમતી નહોતી. પતિની હેરાનગતીને લીધે કંટાળી તેણી દોઢેક વર્ષની અલગ સુંદરમ પાર્કમાં રહેવા જતી રહી હતી. એ દરમિયાન ચુનારાવાડમાં માવતરના પડોશમાં જ રહેતાં વિધુર પ્રવિણભાઈ મેણીયા સાથે સંપર્કમાં આવી હતી અને એક જ જ્ઞાતિના હોઇ બંને વચ્ચે પ્રેમ થઇ જતાં મૈત્રી કરાર કર્યા હતાં.

બાદમાં તેણીએ પતિ આનંદ સાથે છૂટાછેડા લેવાનું નક્કી કર્યુ હતું. ગત 23મીએ જ બંનેના છૂટાછેડા થયા હતાં. કોર્ટમાં નક્કી થયા મુજબ આ માટે ભારતીએ પતિ આનંદને સાત લાખ ચુકવવાના હતાં. ચારેય દિકરીઓ આનંદ પાસે હોઇ તેણીના ભરણપોષણ માટે ભારતીએ આ રકમ આપી હતી. આનંદના પિતાનું પાંચ વર્ષ પહેલા અવસાન થયું ત્યારે તેના લોકરમાંથી 32 લાખ રોકડા અને 35 તોલા સોનું મળ્યું હતું. આનંદે આ સોનું પણ ભારતીને આપી દીધું હતું. તેમજ 32 લાખમાંથી સુંદરમ પાર્કમાં બે મકાન ખરીદ કર્યા હતાં. આ ઉપરાંત આઠ લાખમાં બીજુ એક મકાન પણ ભારતીને માંડા ડુંગર પાસે ખરીદી અપાયું હતું. તે હાલમાં ભાડે છે.

આનંદ હાલમાં માંડા ડુંગર પાસે ભાડે રહેતો હતો. તેની સાથે ઉપરના માળે તેના ફઇનો પુત્ર જય અને તેની પત્નિ વર્ષા રહે છે. આનંદ ચાર પુત્રી સાથે અહિ રહેતો હતો. જ્યારે તેની પત્નિ ભારતી સુંદરમ પાર્કમાં થોડા દિવસ અને થોડા દિવસ પ્રવિણ સાથે રહેતી હતી. આ કારણે તેણે છૂટાછેડા માંગ્યા હતાં. આનંદે 23મીએ જ છુટાછેડા આપ્યા હતાં અને છ લાખ રોકડા તથા એક લાખની ફિકસ મેળવી હતી.

પૈસા આવ્યા બાદ આનંદ ચારેય દિકરીઓ, ફઇના પુત્ર સંજય અને વર્ષો તથા સંજયના મિત્ર ધવલને લઇ દિવ ફરવા નીકળી ગયો હતો. ત્યાં પહોંચ્યા બાદ આનંદે ભારતીના નામે બે મકાન હોઇ તે પણ પોતાને મળી જાય તો સારુ નહિતર પ્રવિણ સાથે લગ્ન થઇ જશે તો આ મકાન હાથમાં નહિ આવે તેમ વિચારી ભારતીનો કાંટો કાઢી નાંખવાનો પ્લાન ઘડ્યો હતો. નક્કી થયા મુજબ સંજય ઉફે જગો તેની પત્નિ વર્ષા અને 15 વર્ષની એક દિકરીને આનંદે દિવથી 24મીએ રાજકોટ રવાના કર્યા હતાં. પોતે ત્રણ દિકરી સાથે દિવમાં જ રોકાયો હતો. રાજકોટ પહોંચી સંજયએ 24મીએ સાંજે ભારતીને ફોન કરી તારા છુટાછેડા થયા તેના બદલામાં મને 2000 આપવાના છે તેમ કહી તેણીને આજીડેમ ચોડકીએ બોલાવી હતી. અહિ જાણી જોઇને ઝઘડો કર્યો હતો. પછી સુંદરમ પાર્કના મકાનમાં બેસીને વાત કરશે તેમ કહી તેણીને ત્યાં લઇ જવાયેલ. એ પહેલા સંજય સાથે તેનો મિત્ર ધવલ પણ જોડાઇ ગયો હતો.

ઘરમાં ગયા બાદ વાતચીતનો ડોળ ઉભો કર્યો હતો. વર્ષા આનંદની દિકરીને લઇ બહાર નીકળી ગઇ હતી. બાદમાં દિકરી ઉપરના ભાડૂઆતના ઘરમાં જતી રહી હતી અને વર્ષો બહાર ધ્યાન રાખીને ઉભી હતી. એ પછી અંદર રૂમમાં ભારતીને સાડીથી ટૂંપો આપી ગાળીયો બનાવી એ જ સાડીને બારીમાં બાંધી દઇ ભારતીને ટીંગાડી દઇ હત્યા કરી કંઇ બન્યું ન હોય તેમ રાતો રાત ફરી દિવ જતાં રહ્યા હતાં.

આનંદની દિકરીને આ હત્યા વિશે કંઇ જ ખબર નહોતી. 25મીએ વહેલી સવારે સંજય ફરી આનંદ જે હોટેલમાં હતો ત્યાં પહોંચ્યો હતો અને કામ થઇ ગયાનું કહી હવે લાશનો નિકાલ તું કરી નાંખજે તેમ કહ્યું હતું. પરંતુ સાચ્ચે જ હત્યા થઇ ગયાની ખબર પડતાં આનંદ ગભરાઇ ગયો હતો અને લાશનો નિકાલ કરવા જ ગયો નહોતો. બાદમાં તે દિકરીઓને લઇ રાજકોટ તરફ આવી ગયો હતો અને સંજય તથા ધવલ પોતાની રીતે ભાગી ગયા હતાં.પાંચ દિવસ સુધી લાશ લટકતી રહી હોઇ કોહવાઇ ગઇ હતી અને જીવાત પડી ગઈ હતી. કોહવાયેલી લાશ મળ્યા બાદ આજીડેમ પીઆઇ વી.જે. ચાવડા, એએસઆઇ જાવેદહુશેન રિઝવી, સ્મીતભાઇ વૈજ્ઞાણી સહિતે ભેદ ઉકેલ્યો હતો. ચાર આરોપીઓને સકંજામાં લઇ કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ ધરપકડ કરવામાં આવશે. આનંદને હત્યા બાબતે કોઇ અફસોસ જણાતો નથી. જો કે તેના આ કૃત્યથી હવે દિકરીઓ નોધારી હાલતમાં મુકાઇ ગઇ છે.

Loading...