Abtak Media Google News

ગુરુ ચરણમાં સ્વયંની સામાન્યતા અને અસમર્થતા દર્શાવીને સામર્થ્યવાન બનવાનો માર્ગ ખોલી દેવાના પરમ કલ્યાણકારી બોધ સાથે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્ય “ગુરુ ઉપકાર ઉદ્ઘોષ અવસર લાઈવ પ્રસારણના માધ્યમે ઉજવવામાં આવ્યો હતો. જેમા દેશ-વિદેશના હજારો ભાવિકો જોડાયાં હતાં.

ગુરુ ચરણમાં સ્વયંના અસ્તિત્વને શૂન્ય બનાવી દેવાનો અત્યંત હિતકારી બોધ આપતાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે કહ્યું હતું કે, એક શિષ્ય હૃદય ગુરુનાં ઉપકારની અનુભૂતિ ત્યારે જ કરી શકે જ્યારે તેનું હૃદય પોતાની અસમર્થતા અને ગુરુ-પરમાત્માની સમર્થતાનો સ્વીકાર કરવા લાગે. સ્વયંની અસમર્થતા, ગુરુની સમર્થતાનો સ્વીકાર કરાવે છે. પરંતુ જે શિષ્ય પોતાને સમર્થ માને છે તે ગુરુની ઉપકારકતાનો અનુભવ કદી નથી કરી શકતાં. ગુરુપૂર્ણિમાનો દિવસ આપણને પ્રેરણા આપી રહ્યો છે કે, આપણે હંમેશાં આપણી અંદરના જ્ઞાન, આપણી બુધ્ધિ, આપણી કળા-કૌશલ્ય આદિના સમર્થનો અનુભવ કરતાં આવ્યાં છીએ માટે જ આજ સુધી ગુરુના અસીમ ઉપકારનો અનુભવ નથી કરી શક્યાં. પૂજ્ય પરમ સંબોધિજી મહાસતીજી, પૂજ્ય પરમ અસ્મિતાજી મહાસતીજી,પૂજ્ય પરમ સમ્યક્તાજી મહાસતીજી, પૂજ્ય પરમ જિનવરાજી મહાસતીજી તેમજ પૂજ્ય પરમ નમસ્વીજી મહાસતીજીએ અત્યંત અહોભાવપૂર્વકવ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ પ્રત્યેના ઉપકારોની અભિવ્યક્તિ કરતું પ્રવચન આપીને ગુરુ તત્વની મહત્તાના દર્શન કરાવ્યાં હતાં.

આ અવસરે રાજકોટના ગુરુભક્તો, અમદાવાદ તેમજ કોલકાત્તાના ગુરુભક્તો દ્વારા પ્રેરણાત્મક નાટિકા, સુંદર નૃત્ય – ગીત, આદિના માધ્યમે ગુરુ ચરણમાં ભક્તિભાવ સાથે ઉપકાર વંદના કરતાં સહુ ભક્તિભાવ ભીંજાયા હતાં. ઉપરાંતમાં અનેક અનેક ભાવિકોએ પોતાના જીવન પર પરમ ગુરુદેવે કરેલાં અસીમ ઋણોની સ્વીકૃતિ કરીને ઉપકાર ઉદ્ઘોષ કર્યો હતો.

આ અવસરે ગુરુ ચરણ વંદન એવમ્ આગમ પોથી અર્પણનો અનન્ય લાભ હિતેનભાઈ મેહતા, નટુભાઈ ચોકસી, મુલરાજભાઈ છેડા, જ્યોતિકાબેન શેઠ, હેતલબેન શેઠ, મિતાલીબેન આશીષભાઈ ચૌધરી, પુજાબેન જિમ્મીભાઈ શાહ, જીગ્નાબેન કામદાર, તુષારભાઈ મહેતા, પ્રદીપભાઈ દોશી, અલ્પાબેન શાહ, તેમજ પુનમબેન દોશીએ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.