Abtak Media Google News

અખંડ ભારતના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઇ પટેલનું દેશની એકતા અખંડીતતા માટેનું કાર્યપ્રદાન સદા અવિસ્મરણીય છે: રાદડીયા.

રાજ્યભરમાં શરૂ કરાયેલ એકતા રથયાત્રાના બીજા તબક્કાનો તા. ૧૫મી નવેમ્બરથી કરાયેલ પ્રારંભ અંતર્ગત રાજકોટ જિલ્લામાં ગોંડલ તાલુકાના ભુણાવા ગામેથી આજરોજ એકતા રથયાત્રાને લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે કરાવાયો હતો.

આ પ્રસંગે સરદાર વલ્લભભાઇ પટેલની રાષ્ટ્રસેવાને વર્ણવતા મંત્રી જયેશભાઇ રાદડીયાએ જણાવ્યું હતું કે, આઝાદી બાદ ૫૬૨ રજવાડાઓને એક કરી, અખંડ ભારતના સ્વપ્નને પરિપૂર્ણ કરનાર સરદાર વલ્લભભાઇ પટેલનું દેશની એકતા અને અખંડીતતા માટેનું કાર્યપ્રદાન અવિસ્મરીણય છે. તેમનું આ અદભૂત કાર્ય અને વિશ્વભરમાં નોંધનીય છે. વિરલ વ્યક્તિત્વ તથા તેમના વિચારોથી વિશ્વભરના લોકો અવગત થાય તેવું અદભૂત સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમા દ્વારા તેમને રાષ્ટ્ર દ્વારા અપાયેલી ભાવાંજલી સમગ્ર દેશ માટે ગૌરવપૂર્ણ બાબત છે.

સરદાર વલ્લભભાઇ પટેલની  સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમાએ સમગ્ર ભારતના એકતાના પ્રતિક સમાન છે તેમ જણાવતાં મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન  ધનસુખભાઇ ભંડેરી એ વધુમાં ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સરદાર પટેલના વિરાટ અને વિરલ વ્યક્તિત્વને શોભે તેવી વિરાટ પ્રતિમાને લોકાર્પિત કરી છે. જેની વિશ્વભરમાં નોંધ લેવાઇ છે.

Bhunav Ektayatra Dt 1આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તાલુકા ભાજપ પ્રમુખ અલ્પેશભાઇ ઢોલરીયાએ પ્રસાંગિક ઉદબોધનમાં સરદાર પટેલના એકતાના વિચારોને જીવનમાં ઉતારી સૌ કોઇને એક થઇ રાષ્ટ્રના વિકાસમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં સરદાર પટેલની પ્રતિમાને ગામની બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું તથા મંત્રી જયેશભાઇ રાદડીયા તથા અન્ય મહાનુભાવોના હસ્તે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પહાર વડે આદરાંજલી અર્પણ કરાઇ હતી.

આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી મકવાણા, મામલતદાર ચુડાસમા, તાલુકા વિકાસ અધિકારી લખતરીયા, પદાધિકારીઓ શૈલેષભાઇ ડોબરીયા, બાબુભાઇ ટોળીયા તથા ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.