Abtak Media Google News

વિપશ્યના એકાગ્રતા ઉપરાંત અંતર્મન શુદ્ધિની અનન્યવિધિ

વિશ્વમાં ધ્યાનની અનેક પઘ્ધતિઓ છે. ધ્યાનની વિધિઓમાં માત્ર એકાગ્રતાને જ મહત્વ અપાય છે. મનની એકાગ્રતાથી સુખ-શાંતિનો અનુભવ ચેતન-મન પર જરૂર થાય છે. કાયમી શાંતિ, આનંદ, પ્રેમ, સદભાવનાનો અનુભવ કરવો હોય તો અંતર્મનને નિર્મળ કરવું પડે. તેમાં રહેલા કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, અહંકાર, નફરત જેવા વિકારોને દૂર કરવા પડે. જે માત્ર અંતર્મનની સફાઈ (શુદ્ધિ) કરવાથી જ થઈ શકે. વિપશ્યના એકાગ્રતા ઉપરાંત અંતર્મનની શુદ્ધિની અનન્ય વિધિ છે.

આપણે બુદ્ધિના સ્તર પર ઘણી સારી વાતો માનતા અને સમજતા હોઈએ છીએ. બીજાઓને પણ કરતા હોઈએ છીએ પરંતુ વ્યવહારના સ્તર પર કાંઈક જુદુ જ ઉતરતું હોય છે. આપણી વાણી અને વર્તનમાં અંતર પડતું જણાય. વિપશ્યના આચરણમાં ઉતારવાની જડીબુટી છે. આજે તણાવ જીવનનો એક અભિન્ન ભાગ બની ગયો છે.

જે ઘણી સમસ્યાઓનું મુળ છે. જીવનમાં હંમેશા માનવાંછિત બનતું નથી. ઝડપથી બદલાતી રહેતી આજની જીવનશૈલીમાં તણાવ રહિત જીવન જીવવું ખુબ જ મુશ્કેલ છે માટે તણાવ ઉત્પન્ન કરતી પરિસ્થિતિઓ વચ્ચે સમતામાં રહીને કેવી રીતે જીવવું એ શીખવું અત્યંત જરૂરી છે. વિપશ્યના આપણને સમતામાં રહેવાનું શીખવે છે.

આ સાધના અધિકારીઓ, ઉધોગપતિઓ, વ્યાપારીઓ, વિદ્રાનો યુવાનો, વિદ્યાર્થીઓ, સગર્ભા બહેનો સહિત સમાજના દરેક સ્તરનાં લોકોને લાભદાયી છે. આ સાધનાને જીવનમાં સ્થાન મળે તો તક ઝડપી લેવા જેવી છે. વિશ્વભરમાં આશરે ૧૪૦થી વધુ દેશોમાં વર્ષે એક લાખથી વધુ લોકો આ સાધના શીખી રહ્યા છે. વૈજ્ઞાનિક અભિગમથી અઘ્યાત્મને સમજવું અને તેમાં આગળ વધવું એ આજની તાતી જરૂરીયાત છે. વિપશ્યના જેવી આશુફલદાયી વિદ્યા એ એક સાચો માર્ગ છે.

દા.ત. મનમાં ક્રોધ-ગુસ્સો જાગે, તો તરત જ શરીરમાં સુક્ષમ સ્તર પર બે પ્રક્રિયા શ‚ થઈ જાય છે. એક વિદ્યુત-ચુંબકીય (ઈલેકટ્રોમેગ્નેટીક) અને બીજો જૈવરાસાયણિક (બાયોકેમિકલ) પરીણામે શ્વાસનું ઝડપી થવું, ગરમી હૃદયમાં ધબકાર, કંપન, તણાવ, ખેંચાણ જેવા સંવેદન થવા લાગે છે.

ભય જાગે તો કંપન, ફફડાટ, હૃદયના ધબકાર, પરસેવો થવા માંડે છે. આમ મનમાં વિકાર જાગવા સાથે શરીરમાં કોઈકને કોઈક પ્રકારની સંવેદના (અનુભૂતિ) થવા લાગે છે. આ સંવેદનાઓ પ્રત્યે જો પ્રતિક્રિયા કરવામાં આવે તો મગજ, ચેતાતંત્ર અને શરીરમાં સ્ટ્રેસ કેમિકલ્સ (તણાવને લગતા રસાયણો)નો સ્ત્રાવ થવા લાગે છે. આવા રસાયણોનો સ્ત્રાવ શરીરમાં અવાર-નવાર થયા કરે તો તે અનેક બિમારીઓનું કારણ બની શકે છે.

 વિપશ્યનાની વિશિષ્ટતા:-

– આ સાધના સાર્વજનિન છે, સાર્વકાલિક છે.

– માન્યતાઓથી મુકત અનુભવ આધારિત છે.

– અંતર્મનના ઉડાણમાં સંગ્રહિત વિકારોને જડમૂળથી દુર કરવાનું કામ કરે છે.

– આ સાધનામાં બાહય આલંબન, કલ્પના કે માન્યતાને કોઈ સ્થાન નથી.

વિપશ્યના ગૌતમ બુદ્ધે ફરીથી શોધી કાઢેલી દુનિયાની સૌથી પ્રાચીન ધ્યાનવિધિ છે. પશ્ય એટલે જોવું અને વિપશ્યના એટલે જે જેવું છે તેને તેના સાચા સ્વરૂપમાં જોવું. અનુભવવું. વિપશ્યાને અંગ્રેજીમાં ઈનસાઈટ મેડીસીન પણ કહેવામાં આવે છે.

વિપશ્યના સત્યની ઉપાસના છે, સત્યમાં જીવવાનો અભ્યાસ છે. સત્ય એટલે યથાર્થ. યથાર્થ વર્તમાન ક્ષણનું હોય અને તેથી વિપશ્યના આ જ ક્ષણમાં જીવવાનો અભ્યાસ છે. આ ક્ષણ જેમાં ભુતકાળની કોઈ છાપ નથી અથવા ભવિષ્યની કોઈ કલ્પના નથી. યાદોની વ્યાકુળતા નથી કે સ્વપ્નોની ઝંખનાઓ નથી. કોઈ આવરણ વગર, ભ્રમ-ભ્રાંતિ વગર આ ક્ષણનું જે સત્ય છે જેવું પણ છે તેને બસ તેવું જ. તેના સાચા સ્વભાવમાં જોવું સમજવું એ જ વિપશ્યના છે. સમ્યફ દર્શન છે. સમ્યફ જ્ઞાન છે.

વિપશ્યના શીલ પાલન દ્વારા સમાધિમાં સ્થિત થઈને આંતરપ્રજ્ઞાન જાગૃત કરવાનો પાવન અભ્યાસ છે. પ્રજ્ઞાન પુષ્ટ કરતાં કરતાં સ્થિત પ્રજ્ઞ થવાનો સત્ય પ્રયાસ છે. વિપશ્યના આત્મશુદ્ધિ છે. વિકારવિમુકત શુઘ્ધ ચિતમાં મૈત્રી અને કરૂણાનું ઝરણું અવિરત અનાયાસ વહેતું રહે છે.આ જ માનવજીવનની ચરમ ઉપલબ્ધી છે. આજ વિપશ્યના સાધનાની ચરમ પરિણતિ છે. વિપશ્યના એક વૈજ્ઞાનિક, સરળ વ્યવહારિક, બિનસાંપ્રદાયિક અને આશુફલદાયિની ધ્યાન પઘ્ધતિ છે. માનવજાતને દુ:ખમુકત કરવાનો એક વૈશ્વિક ઉપાય છે. કોઈ પણ સમજદાર વ્યકિત તેનો અભ્યાસ કરી શકે છે અને લાભાન્વિત થઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.