Abtak Media Google News

 

મન્નાડે એ ફિલ્મગીત-ગઝલ-યુગલ ગીતો સાથે શ્રેષ્ઠ શાસ્ત્રીય ગીતો ગાયા હતા: ૧૯૪૨ થી ૨૦૧૩ સુધી ગાયનયાત્રામાં ૪ હજારથી વધુ ગીતો ગાયા હતા, ૨૦૦૭માં તેમને દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળ્યો હતો

પ્રબોધચંદ્રડે જેને આપણે હિન્દી ફિલ્મના મહાન ગાયક મન્નાડે તરીકે ઓળખીએ છીએ. તેમનો જન્મ કલકતામાં ૧ મેં ૧૯૧૯ના રોજ થયો. અમર ગીતોના સુરિલા ગાયકનું અવસાન ૨૪ ઓકટોબર ૨૦૧૩ના રોજ ૯૩ વર્ષની વયે બેંગલોર ખાતે થયું હતું. તેમની કારકિર્દી ૧૯૪૨ થી ૨૦૧૩ સુધીની રહી હતી. તેમની ગાયન શૈલીમાં ફિલ્મી કવ્વાલી, ગઝલ, શાસ્ત્રીય ગીતો સાથે રોક એન્ડ રોલ ટાઈપનાં ગીતો પણ ગાયા હતા. ૨૦૦૭માં તેમને સર્વોચ્ચ સન્માન દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાયા હતા. તે ફિલ્મ જગતનાં બહુમુખી પ્રતિભા ધરાવતા ગાયકો પૈકી એક હતા.

હિન્દી ફિલ્મના શાસ્ત્રીય રાગ આધારીત શ્રેષ્ઠ ગીતો મન્નાડેએ સૌથી વધુ ગાયા છે. તેમની ફિલ્મી કેરીયર ૧૯૪૨માં ફિલ્મ તમન્નાથી શ‚ થઈ હતી. તેમણે ૪ હજારથી વધુ ગીતો ગાયા હતા. ૧૯૭૧માં પદ્મશ્રી, ૨૦૦૫માં પદ્મભુષણ અને ૨૦૧૨માં પદ્મવિભુષણ જેવા શ્રેષ્ઠ સન્માનો મળ્યા હતા. તેઓ ગાયક ઉપરાંત સારા સંગીતકાર હતા. તેમને જીવનના અંત સુધી વિવિધ સ્ટેજ શો કર્યા હતા. તેઓ હારમોનિયમ, તબલા, સિતાર અને તાનપુરામાં ખુબ જ નિષ્ણાંત હતા. તેમણે ભારતની વિવિધ ભાષાઓમાં ગીતો ગાયા જેમાં બંગાલી, ભોજપુરી, ગુજરાતી, પંજાબી, આસામી, કોંકણી, ઓડિયા, સિંધી, કન્નડ, મલયાલમ અને નેપાળીમાં ગીતોને સ્વર આપ્યો હતો.

હિન્દી ફિલ્મ જગતમાં તેમનો સિતારો ૧૯૫૩થી ૧૯૭૬ વચ્ચે ચમકતો રહ્યોને અઢીથી વધુ દાયકામાં ફિલ્મ જગતનાં શ્રેષ્ઠ ગીતો ગાયા. તેમની ગાયકી સરળ અને હંમેશા શાસ્ત્રીય ટચવાળી હતી. ૭૦ થી ૮૦ના દાયકામાં બોલીવુડના બદલાતા યુગમાં તેમણે ગાવાનું બંધ કરી દીધું. તેઓ શાળા કક્ષાએ જ ૧૯૨૯માં સ્ટેજ શો ભાગ લીધો હતો. તેઓ ૧૯૪૨માં મુંબઈ આવ્યા હતા. આજ વર્ષે તમન્ના ફિલ્મમાં જાણીતા ગાયિકા સુરૈયા સાથે યુગલ ગીત ગાયું જે સુપર ડુપર હિટ થઈ ગયું. ૧૯૪૩માં રામરાજય ફિલ્મમાં તક મળી ગઈ હતી અને ત્યારથી તેમની ફિલ્મી ગાયનની યાત્રા શ‚ થઈ ગઈ. બાદમાં તો ચલતે ચલતે ફિલ્મમાં મીના કપુર સાથે તથા કમલા અને રાજકુમારી જેવી હિટ ફિલ્મોમાં ગાવાની તક મળી હતી. ઈન્સાફ (૧૯૪૬) ફિલ્મમાં તેમને ચાર યુગલ ગીત ગાવાની તક મળી હતી. ૧૯૫૦માં એસ.ડી.બર્મન સાથે ફિલ્મ ‘મશાલ’માં સુંદર ગીતો ગાયા હતા.

૧૯૪૭ આઝાદી પછી મન્નાડેને નિયમિત‚પે ફિલ્મી સંગીતકારો અનિલ વિશ્ર્વાસ, ખેમચંદપ્રકાશ, શંકરરાવ વ્યાસ, એસ.કે.પાલ જેવા પ્રસિઘ્ધ સંગીતકારોની પ્રથમ પસંદ બની ગયા હતા. ગજરે, હમ ભી ઈન્સાન હૈ, દો સિતારે, હમદર્દ, મહાત્મા કબીર, પ્યાસી જેવી ફિલ્મોમાં સુંદર ગીતો ગાયા હતા. જોકે અનિલ વિશ્ર્વાસ સાથે બહુ ઓછા ગીતો ગાયા હતા. તેમણે પહેલુ યુગલ ગીત રામસાદ બેગમ સાથે ગાયું હતું. વસંત દેસાઈના સંગીતમાં મન્નાડેએ લતાજી સાથે ગીતો ગાયા હતા. ૧૯૪૮ થી ૧૯૫૪ના ગાળામાં તેમણે શાસ્ત્રીય આધારીત ફિલ્મી ગીતો વધુ ગાયા હતા. પશ્ર્ચિમી સંગીત સાથે તેમના પ્રયોગોમાં કેટલાક સુંદર હિન્દી ફિલ્મી ગીતો આપણને મળ્યા હતા. તેમણે ૧૯૫૩માં પ્રથમ ફિલ્મી ગઝલ પણ ગાઈ હતી. ૧૯૫૩માં દો બીખા જમીન ફિલ્મમાં સંગીતકાર સલિલ ચૌધરી સાથે શ્રેષ્ઠ ગીતો ગાઈને રાષ્ટ્રીય સ્તરે પ્રસિઘ્ધ મન્નાડે થઈ ગયા હતા. સલિલ ચૌધરી સાથે ૧૯૫૩ થી ૧૯૯૨ સુધી શ્રેષ્ઠગીતો ગાયા. રાજકપુર અને શંકર જયકિશન સાથે એમનો સંબંધ ફિલ્મ આવારાથી શ‚ થયો હતો. બાદમાં બુટ પોલિસ ફિલ્મ સાથે ૧૯૫૪ થી ૧૯૭૧ સુધી આર.કે.બેનરની ફિલ્મોમાં ગીતોને સ્વર આપ્યો, જેમાં શ્રી ૪૨૦, મેરા નામ જોકર, ચોરી-ચોરી, પરવરિશ, દિલ હી તો હે, શ્રીમાન સત્યવાદી, કલ આજ ઔર કલ, અબ્દુલા જેવી હિટ ફિલ્મોનો સમાવેશ થાય છે.

મન્નાડેના શ્રેષ્ઠ યુગલ ગીતો રાજકપૂરની ફિલ્મોમાં વધુ હતા. તેમણે રણધીરકપુર, ઋષિકપુર માટે પણ ગીતો ગાયા હતા. ૧૯૫૫માં સી.રામચંદ્ર સાથે ગીતોની શ‚આત કરીને ઈન્સાનિય ફિલ્મ બાદ તલ્લાક (૧૯૫૯) નવરંગ, પૈગામ, સ્ત્રી (૧૯૬૧) અને વિર ભિમસેન જેવી ફિલ્મોમાં ગીતો ગાયા હતા. ૧૯૫૬માં સુધા મલ્હોત્રા સાથે ઘર ઘર દિપ જલાવો હિટ ગીત ગાયુ હતું. આ ગાળામાં માત્ર બે વર્ષમાં ૫૦થી વધુ ગીતોને ૧૯૫૬માં ૪૫ હિન્દી ફિલ્મી ગીતો ગાયને રેકોર્ડ કર્યો હતો. તેમણે નૌશાદ, એસ.એન.ત્રિપાઠી, દુશનલાલ ભગતરામ, ઓપીનૈયર, અવિનાશ વ્યાસ જેવા વિવિધ સંગીતકારો સાથે ગીતો ગાયા હતા. ૧૯૫૮માં કલ્યાણજી આણંદજીને ૧૯૬૪માં લક્ષ્મીકાંત પ્યારે લાલ જેવા નવા યુગના સંગીતકારો સાથે ફિલ્મ જગતને શ્રેષ્ઠ ગીતો આપ્યા હતા. રાહુલ દેવ બર્મનના રોક એન્ડ રોલ ટાઈપ સોંગ આવો ટવીસ્ટ કરે, પ્યાર કરતા જી જે બ્લોક બસ્ટર બની ગયા હતા. ૧૯૫૫ થી ૧૯૬૯ વચ્ચે શ્રેષ્ઠ ગીતો ફિલ્મ જગતને મન્નાડેએ આપ્યા હતા. સીમા ફિલ્મમાં તું પ્યાર કા સાગર હૈ, લાગા ચુનરી મે દાગ-ફિલ્મ દિલ હી તો જેવા હિટ ગીતો આપ્યા હતા.

કાબુલીવાલા ફિલ્મનું ગીત એ મેરે પ્યારે વતન આજે પણ એટલું જ લોકપ્રિય છે. ઉપકાર ફિલ્મનું કસ્મેવાદે પ્યાર વફા સબ, મેરા નામ જોકરનું એ ભારી જરા દેખ કે ચલોને જંજીરની કવ્વાલી યારી હે ઈમાન મેરા યાર મેરી જીંદગી જેવા હિટ ગીતો ફિલ્મ જગતને આપ્યા હતા. ૧૯૬૦ના દસકામાં ભુત બંગલા, ગોમતી કે કિનારે, પડોશન, ચંદન કાપલના, બહારો કે સપને જેવી ફિલ્મો મન્નાડેના ગીતોને કારણે જ હીટ થઈ ગઈ હતી. ૧૯૬૦ થી ૧૯૭૫માં કેટલીક ફિલ્મોમાં મહેમુદ અને અનુપકુમાર માટે પણ સ્વર આપ્યો હતો.

સુમન કલ્યાણપુર સાથે મન્નાડેના યુગલ ગીતોનોએ જમાનામાં બહુ જ ક્રેઝ હતો. તે બન્ને લગભગ ૪૫ યુગલ ગીતો ગાયા છે. જેમાં સખીરોબીન, જીંદગી ઔર ખ્વાબ જેવી હિટ ફિલ્મો સામેલ હતી. મન્નાડેએ રફીજી સાથે ૧૦૧ ગીતો ગાયા છે જેમાં ૫૮ યુગલ ગીતોમાં બરસાતકી રાત, પરવરિશ, ઉસ્તાદ, હિન્દુસ્તાન કી કસમ, શાર્ગિદ જેવી ફિલ્મો સામેલ છે. તેમણે આશા ભોંસલે સાથે પણ શ્રેષ્ઠ ગીતો ગાયા હતા. કિશોરકુમાર સાથે ફકત ૬ ગીતો જ ગાયા છે. પડોશન ફિલ્મનું એક ચતુર નાર બડી હોંશિયાર ખુબ જ હીટ થયું હતું. ૧૯૯૨થી ફિલ્મી ગીતો ગાવાનું બંધ કર્યુંને ફકત ભજન, ગઝલ સાથે ૧૯૯૨ થી ૨૦૧૨ સુધી વિવિધ સ્ટેજ શો કર્યા હતા. ૧૯૬૮માં ફિલ્મ મેરે હુજુર માટે શ્રેષ્ઠ ગાયકનો એવોર્ડ મળ્યો હતો.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.