Abtak Media Google News

આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે બિન અનામત આયોગની રચનાને મંજૂરી આપી દીધી છે. આ આયોગને ‘બિનઅનામત શૈક્ષણિક વિકાસ નિગમ’ નામ આપવામાં આવશે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદારો પર થયેલા પોલીસ દમન અંગે પણ તપાસ પંચ બનાવવાની સરકારે જાહેરાત કરી છે. આ પંચ માટે નિવૃત જજની નિમણૂંક કરવામાં આવશે અને પંચના રિપોર્ટના આઘારે કાર્યવાહી કરવામાં આવશે. ગઈકાલે પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા આગેવાનો સાથે થયેલી મુલાકાત બાદ આજે મળેલી કેબિનેટ મિટિંગમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય લીધા હતા.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સરકારે બિન અનામત શૈક્ષણિક વિકાસ નિગમની રચના કરવાનો નિર્ણય કર્યો છે. સરકાર વિદેશ જવા ઈચ્છતા બિનઅનામત વર્ગના લોકોને ઓછા વ્યાજે લોન આપશે તેવી જાહેરાત પણ સરકાર દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત, પાસના સભ્યો સાથે ચર્ચાયેલા મુખ્ય મુદ્દાની પણ ચર્ચા પણ આજની કેબિનેટ બેઠકમાં થઈ હતી.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સાથે નીતિન પટેલની અધ્યક્ષતામાં સરકાર દ્વારા બેઠક કરવામાં આવી હતી. જેમાં પાટીદારોએ પોતાનો પક્ષ રજૂ કરી પોતાની માગો અંગે ચર્ચા કરી હતી. ગઈકાલે જ સરકારે પાટીદારોની માગણીને ધ્યાને લઈ ઘટતું કરવાની ખાતરી આપી હતી.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં નિર્ણય લેવાયા કે પાટીદાર પરના પોલીસ કેસો પાછા ખેંચવામાં આવશે, જે સરકાર ના હસ્તક છે. કેસ પાછા ખેંચવા ગૃહ સચિવને સૂચના આપી. બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની મંજૂરી આપવામાં આવી. ઓછા વ્યાજની લોનની પણ જોગવાઈ કરાઇ. પોલીસ દમન માટે હાઇકોર્ટના નિવૃત જજને તપાસ સોંપવામાં આવશે. સર્વણ સમાજ માટે આયોગ રચવાનો નિર્ણય લેવાયો. શિક્ષણ, વ્યવસાય-ધંધા, ખેતી સહિતની બાબતો માટે લોન અને જરૂરી સહાય આપશે. ગઈકાલની મીટિંગ સફળ ગણાવતાં નીતિન પટેલે કહ્યું કે ગુજરાત સરકાર હસ્તક જ કેસ પાછા ખેંચવાની સત્તા છે તેવા તમામ કેસો પાછા ખેંચાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.