Abtak Media Google News

નાના બાળકો અથવા તો એવા દર્દીઓ કે જેમની નસ ત્વચાની નીચે ઉંડી રહેલી છે એમની માટે લોહીનું પરિક્ષણ કરાવવા આશિર્વાદ રૂપ સાધન

દુનિયામાં એવી કોઈ પણ વ્યક્તિ નહીં હોય જેણે ઈન્જેકશનની સોયનો અનુભવ ન કર્યો હોય. લોહીની તપાસ કરવા કે રોગની સારવાર કરવા ચામડી ઉપર સોય ઘોંચીને લોહીની નસ પકડવી પડે. પછી તપાસ કે સારવાર શકય બને. આ કામ ધારો એટલું સરળ નથી. ઘણાંને તો એનો રીતસરનો ડર લાગે છે. મેડીકલ ભાષામાં એને ‘નીડલ ફોબિયા’ (સોયની વધારે પડતી બીક) કહેવામાં આવે છે. ઘણીવાર બાળકોને આપણે સોયની બીક બતાવીને ધાર્યું કામ કરાવીએ છીએ. નવજાત શિશુ કે બાળકો માટે સોયની ઘોંચપરોણ ભારે મુશ્કેલ હોય છે. કારણ કે બાળકોની રક્તવાહિનીઓ નાજુક અને નાની હોય છે. આ ઉપરાંત ઘણાં અકસ્માતનાં કિસ્સામાં દર્દીઓનું લોહી વહી ગયું હોય અથવા તો ગંભીર રોગના દર્દીઓ હોય કે જેની નસ સંકોચાઈને દબાઈ ગઈ હોય છે. આવા કિસ્સાઓમાં પણ લોહીની નસ શોધવી દુષ્કર કાર્ય છે. ઘણાંને રકત્દાન કરવું છે પણ સોયથી બીક લાગે છે અને નસ જો એક વાર ન મળે તો ફરીથી સોય ઘોંચવામાં આવે, ફરી ના મળે તો ફરી ઘોંચવામાં આવે. પીડા તો થાય જ, ડર પણ લાગે, ગુસ્સો પણ આવે, કાશ સોંય વિનાના ઈન્જેકશન આવતા હોત. વેલ, એવું તો હજી શોધાયું નથી પણ એક એવી અદ્ભૂત શોધ થઈ છે કે જેનાથી ચામડીની નીચે લોહીની નસો ક્યાંથી કયાં જાય છે એનું ચિત્ર સ્પષ્ટ કરી આપે છે. થોડા મહિના પહેલાં એ ‘વેઈનવ્યુઅર’નો વિડીયો વાઈરલ થયો હતો. ઘણાં લોકોએ જોયો. ઘણાંને એમાં પણ લાગ્યું કે આ તો કમ્પ્યુટર ગ્રાફિકસની કમાલ છે. આવું તે કાંઈ હોતું હશે ? અથવા હોય તો એ ક્યારે ઉપલબ્ધ થશે ? વિદેશોમાં શકય બને પણ આપણે ત્યાં કયારે સુલભ બનશે ?અમેરિકાની ક્રિસ્ટી મેડીકલ ઈન્સ્ટીટયુટ દ્વારા આવું ‘વેઈનવ્યુઅર’ મશીન હજી હાલમાં જ વર્લ્ડ માર્કેટમાં મૂકાયું અને તપાસ કરતા જાણવા મળ્યું કે, ગુજરાતમાં પ્રથમ મશીન રાજકોટની ડો.ભટ્ટ પેથોલોજી લેબોરેટરીમાં આવી ચૂકયું છે. એ શી રીતે કામ કરે છે ? એ જાણવું ય રસપ્રદ છે. આ સાધન નરી આંખે ના જોઈ શકાય એવા સંપૂર્ણ સલામત ‘નીઅર ઈન્ફ્રા રેડ’ કિરણોથી કામ કરે છે. પેશન્ટની ચામડી પર આ કિરણો ફેંકાય ત્યારે લોહીમાં રહેલું હિમોગ્લોબીન એને શોષી લે છે. બીજી માંસપેશીઓ બાકીના કિરણો મશીન તરફ પાછા ફેંકે છે. મશીનમાં રહેલું સુપર કમ્પ્યુટર પાછા ફરેલા કિરણોનું પૃથક્કરણ કરીને એનું રંગીન ચિત્ર ચામડી પર પાછું મોકલે છે. આ બધી વિધિ ઘડીના હજારમાં ભાગમાં બની જાય છે. ચામડીની નીચે જયાં જયાં લોહી હોય એ જગ્યાનું સ્પષ્ટ અને ભરોસાપાત્ર આલેખન થતું રહે છે. આખી પ્રક્રિયા એટલી ઝડપી છે કે ચામડીની નીચે નસોની અંદર વહેતુ લોહી નજરે જોઈ શકાય છે. લોહીની કઈ નળી કયાંથી કયાં જાય છે, કયાં એના ફાંટા પડે છે, કઈ નળીમાં વળાંક છે, બધું જ તાદ્રશ દેખાય છે. ડો.ભટ્ટની લેબોરેટરીમાં આ લાખોના ખર્ચે મુકવામાં આવેલા અદ્યતન સાધન માટે પેશન્ટસને કોઈ પણ વધારાનો ચાર્જ આપવાનો રહેતો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.