Abtak Media Google News

હવે ‘અબતક’માં દર બુધવારે વાંચો નીતા સોજીત્રાની કલમેસમાજ દર્પણ

ભારત એ સંસ્કૃતિનો દેશ છે. ભારતની સંસ્કૃતિ અને શિક્ષણનો વિદેશોમાં આજે પણ ડંકો વાગે છે. રાજા મહારાજાઓના વખતથી ભારતમાં ગુરુકુળનું શિક્ષણ સર્વશ્રેષ્ઠ મનાતું. વેદો, ઉપનિષદો,ધર્મ,શાસ્ત્ર,શસ્ત્ર,અને ઔષધિ સહિતનું તમામ શિક્ષણ ગુરુઓ દ્વારા આશ્રમમોમાં અપાતું.

બદલાતા સમય સાથે શિક્ષણનો અર્થ પણ બદલાયો. હવે શિક્ષણ એટલે કેળવણી કે તાલીમ નહિ પરંતુ શિક્ષણ એટલે ભણતર. શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા નક્કી કરેલા વિષયો ભણાવવા, પાઠ્યપુસ્તકમાં આપ્યું હોય એ ભણાવવું અને એમાંથી શળા આપી દઈ એટલા પ્રશ્નો પૂછીને પરીક્ષા લેવી ને એમા મળતા માર્કના આધારે વિદ્યાર્થીનું ભાવિ નક્કી થાય. ટેકનોલોજીના યુગમાં વિષયો વધ્યા, કદાચ નોલેજ પણ વધ્યું અને એ સાથે અભ્યાસ અને નોકરી ધંધાની તકો પણ વિકસી. શિક્ષણનો વ્યાપ વધ્યો એમ શાળા કોલેજોની માંગ પણ દિન બ દિન  વધીરહી છે. કૂદકે ને ભૂસકે નવી નવી શૈક્ષણિક સંસ્થાઓ ખુલી રહી છે.

એક સમય એવો હતો કે લગભગ બધી જ કોલેજો સૌરાષ્ટ્ર કે ગુજરાત યુનિવર્સીટી હેઠળ આવતી. પરંતુ ધીમે ધીમે સ્વતંત્ર યુનિવર્સીટીની બોલબાલા વધી. કાયદાકીય રીતે સ્વતંત્ર યુનિવર્સીટી માટેના માળખામાં ફિટ થતી કોલેજોને સ્વતંત્ર યુનિવર્સીટીની માન્યતા મળતી થઈ અને આ સાથે શિક્ષણના વેપારનો યુગ શરૂ થયો.

કે.જી. ની પ્રાઇવેટ શાળાઓમાં તગડી ફી વસુલવાથી લઈને સ્વનિર્ભર કોલેજોમાં એડમિશન મેળવવા માટે ચાલતી ઉઘાડી લૂંટના કિસ્સાઓ સામાન્ય બન્યા છે. મોંઘું ભણતર જ સાચું અને સારું ભણતર છે એવું માની બેઠેલા વાલીઓ પ્લે હાઉસની તોતિંગ ફી માટે ગર્વ અનુભવતા જોવાય છે.

સ્વનિર્ભર સંસ્થાઓ માટે જરૂરી યોગ્યતાઓ આડેધડ કાગળ પર ચિતરી લઇ અને શરૂ થઈ જતી શૈક્ષણિક સંસ્થાઓની ખરાઈ ક્યારેય થાય છે ખરી? એની યોગ્યતા ચકાસાય છે ખરી? સત્તાધીશોની રહેમ નજરથી કે લાગવગીયાઓના નાક નીચે ચાલતી આ પ્રવૃત્તિથી કેટલાય નિર્દોષ અને ગરીબ વિદ્યાર્થી-વાલીઓ મુશ્કેલીમાં મુકાય છે. નથી કોઈ એની ફરિયાદ સાંભળતું કે નથી કોઈ એનો ન્યાય કરતું.

છેલ્લા કેટલાય વર્ષોથી સૌરાષ્ટ્રની ઘણી કોલેજોમાં ઇજનેરી અને પોસ્ટ ગ્રેજ્યુએશનની સીટો ખાલી રહે છે જે અહેવાલ દર વર્ષે મુકવામાં આવે છે. એડમિશન પ્રક્રિયા શરૂ થયા પછીના ૩ રાઉન્ડમાં વિદ્યાર્થીને જોઈતી કોલેજોમાં એડમિશન ન મળે તો  મોટાભાગે વિદ્યાર્થી મેનેજમેન્ટ કવોટામાં પ્રયાસ કરતો હોય છે. આ વ્યવસ્થા મેનેજમેન્ટને મળતો વિશિષ્ટ લાભ છે જેને મેનેજમેન્ટ કમાવાનો ઝરીયો સમજી ખુલ્લેઆમ લૂંટ ચલાવે છે.

સૌરાષ્ટ્રની આવીજ એક શૈક્ષણિક સંસ્થામાં તાજેતરમાં બનેલા એક બનાવ પર નજર કરીએ તો  તબીબી શાખામાં પ્રવેશ મેળવવા ઇચ્છુક ખેડુપુત્રને જોઈતી કોલેજમાં પ્રવેશ ન મળતાં તેણે મેનેજમેન્ટ કવોટામાં અરજી કરી. મેનેજમેન્ટે તેને વિગતો સમજાવી બે દિવસ પછી અમુક ઓરીજીનલ ડોક્યુમેન્ટ્સ સાથે અમુક ઓફિસમાં જવા કહ્યું પરંતુ બીજા જ દિવસે જ્યારે કોલેજોનું લિસ્ટ મુકાયું ત્યારે એમાં જે-તે  શાખાની સીટો ખાલી જણાતાં વિદ્યાર્થી અને એના વાલીને તંત્રને આ વિશે પૂછતાં સત્તાધીશોએ તુમાખીશાહી વર્તણૂક દ્વારા પેલા લોકોને બોલતા બંધ કરી દીધા. બીજા દિવસે એને ઓરીજીનલ દસ્તાવેજો લઈને જવાનું હતું કહેલું એ પણ કોલેજ કમિટીએ રદ કર્યું. વિદ્યાર્થી અને વાલી પછી તો જીદ પર આવી ગયા અને એવું કહેતાં કે ’અમારે એને ભણાવવો જ નથી, તો તો અમારું એડમિશન રદ થાય ને?’ ત્યારે ત્યાંથી જવાબ મળ્યો કે, ’રદ થશે પણ એક શેરો સાથે જેથી બીજી કોઈ કોલેજમાં ખાલી સીટમાં એડમિશન ન મેળવી શકો.’ ન છૂટકે એ વિદ્યાર્થીએ મેનેજમેન્ટ કવોટામાં એડમિશન લીધું અને વાર્ષિક ૨,૧૫,૦૦૦ ની ફી સાથેનું શિક્ષણ હાલ વાર્ષિક ૪,૦૦,૦૦૦ ફી થી લઇ રહ્યો છે.

સરકાર હોય કે શાળા સંચાલક એ કેમ ભૂલે છે કે નીતિમત્તા અને પ્રમાણિકતાના પાઠ જ્યાંથી બાળકને શીખવવાના હોય ત્યાં જ આ પ્રકારે અનીતિ,ભ્રષ્ટાચાર અને ઉઘાડી લૂંટ ચાલે તો દેશનું સુકાન કોના હાથમાં સોંપવાનું?

પક્ષ બદલવાથી, સત્તા કે સત્તાધીશ બદલવાથી સમસ્યા નહિ ઉકેલાય. પાયામાં પડેલી નબળી વૃત્તિ, મફતનું અને અનિતિનું ખાવા ટેવાઈ ગયેલી હોજરીઓને જ્યાં સુધી મૂળમાંથી નહિ ફેંકી દેવાય ત્યાં સુધી કોઈ ભણતર નહિ ઊગી નીકળે.  આ ઝુંબેશ યુવાનોએ જ ઉપાડવી પડશે. સરકારી ધારાધોરણ મુજબનું તંત્ર ન જણાય તો  અવાજ ઉઠાવવાનો અધિકાર છે પ્રજાને. ખોટી ફી વસુલાય ત્યારે ચૂપચાપ ભરી દેવાને બદલે જવાબ માંગવાનો હક્ક છે એનો ઉપયોગ કરો.

ઊંઘતા તંત્રને જાગતું કરવું અને જાગતા નેદોડતું કરવું એ જાગૃત નાગરિક તરીકે પણ આપણી ફરજ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.