Abtak Media Google News

પુત્ર સાથે મહુવા કોર્ટના કામે જતા જીવલેણ અકસ્માત સર્જાયો: ચાર ઘવાયા

તળાજા શહેર નજીકના હાઈવે રસ્તા પર આજે સવારે અકસ્માતની ઘટનામાં ૧૨ વ્યકિત ઈજા પામ્યા બાદ આજે સાંજના સમયે મહુવા રોડ પર બે બાઈક સામ સામે અથડાતા તળાજાના કોળી સમાજના યુવા આગેવાનનું સ્થળ પર મોત નિપજેલ. અન્ય ચાર વ્યકિતને ગંભીર ઈજાઓ પહોંચતા ભાવનગર સારવાર માટે ખસેડાયેલ. ઈજાગ્રસ્તોમાં ૨ તળાજા અને બે લોંગિયા ગામના યુવાનોનો સમાવેશ થાય છે.

ન જાણ્યું જાનકી નાથે કાલ સવારે શું કરવાનું છે એ ઉકિતને ચરિતાર્થ કરતી ઘટનાથી તળાજામાં અરેરાટી ફેલાઈ છે. મળતી વિગતો અનુસાર તળાજા ભાજપના યુવા અગ્રણી અને જુની મામલતદાર કચેરી સામે હોટેલ ધરાવતા અશ્ર્વિનભાઈ ધીરૂભાઈ ડોડીયા, મથુરભાઈ શિવાભાઈ તથા અશ્ર્વિનભાઈના પુત્ર કુલદીપ મોડી સાંજે મહુવા કોર્ટનું કામ પૂર્ણ કરી બાઈક પર સવાર થઈ તળાજા આવી રહ્યા હતા ત્યારે સામેથી આવતા બાઈક સાથે અકસ્માતમાં બંને બાઈક સામ સામે અથડાતા બંને બાઈક મળી કુલ ૫ વ્યકિતઓને ગંભીર ઈજા થઈ હતી.

જીનીંગ એસો.ના મધુભાઈ ભાદરકા રોડ કોન્ટ્રાકટર હર્ષદભાઈ પટેલ સહિતના સેવાભાવી લોકોએ સ્થળ પર દોડી જઈ ચારેય ઈજાગ્રસ્તોને તાત્કાલિક તળાજા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. બીજી બાઈક પર સવાર સન્ની પોપટભાઈ બારીચા અને કિસન રસિકભાઈ ઢાપા બંને યુવાનો લોંગીયા ગામના રહેવાસી હોવાનું જાણવા મળેલ છે.  જયારે અશ્ર્વિનભાઈ ધીરૂભાઈ ડોડીયાનું સ્થળ પર મોત નિપજયું હતું.બનાવના પગલે તળાજા પી.એસ.આઈ મકવાણા ડી-સ્ટાફે સ્થળ પર દોડી જઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અકસ્માતના સમાચાર વાયુવેગે ફેલાતા કોળી સમાજના લોકો તથા રાજકીય આગેવાનો પરેશભાઈ જાની, એ.બી.મેર, લઘુમતી મોરચાના હનીફભાઈ તુર્કી, નગરસેવક વિનુભાઈ વેગડ, રમેશભાઈ ભલીયા, છગનભાઈ ભીલ, અશોકભાઈ સગર, ઝવેરભાઈ ચુડાસમા, કોંગ્રેસના મુસ્તકભાઈ મેમણ, કાળુભાઈ આહીર, કનુભાઈ ચૌહાણ સહિતના લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.