Abtak Media Google News

ઉત્પાદકતાથી જ દેશ ૮ ટકા જીડીપી મેળવી શકે તે માટે મજદૂરોને પ્રોત્સાહિત કરવા સાથોસાથ શિસ્તબદ્ધને પ્રાધાન્ય અપાશે

કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં શ્રમ કાયદામાં સુધારો કરી શ્રમિકોનાં વેતન અને તેનાં વ્યવસાયિક સુરક્ષા, આરોગ્ય અને કાર્યસ્થળે કામ કરવાની પરિસ્થિતિમાં સુધારો લાવવા શ્રમ કાયદા અને લઘુતમ વેતન દરમાં સુધારો કરવા માટે કવાયત હાથધરી છે. કેન્દ્ર સરકારે શ્રમ કાયદાનાં સુધારાનો પ્રસ્તાવ લોકસભામાં મુકયો હતો જેની સામે વિપક્ષ દ્વારા આ ખરડાને પ્રથમ સંસદની સ્ટેન્ડિંગ કમિટીમાં સમીક્ષા માટે મોકલવાની માંગ પણ કરી હતી. સરકારે દેશનાં શ્રમિકોનાં અધિકારોને વધુ સુરક્ષિત બનાવવા માટે લઘુતમ વેતન દર સમગ્ર દેશમાં લાગુ કરવા અને વ્યવસાયિક સુરક્ષાની સાથોસાથ શ્રમિકોનાં આરોગ્ય અને કાર્યસ્થળનું વાતાવરણ અને સવલત સુધારાની હિમાયત કરવામાં આવી છે.

સરકારે દેશમાં પ્રવર્તમાન ૧૩ અલગ-અલગ કેન્દ્રીય મજુર કાયદાને એક સમાન તથા એકરૂપ આપી સમગ્ર દેશમાં ૧૦ કે તેથી વધુ મજુરોની સંખ્યાવાળા એકમોમાં એક સરખી રીતે લાગુ કરવાની હિમાયત પણ કરી છે. સરકાર દ્વારા જે નવા કાયદાની કવાયત હાથ ધરવામાં આવી છે તેમાં દેશવ્યાપી ધોરણે લઘુતમ વેતન સમયસર દરેક કામદારોને પગારની ચુકવણી અને મજુર શ્રમિકોનાં જીવનધોરણની ગુણવતા સુધારી દેશનાં ૫૦ કરોડ મજુરોનાં જીવનધોરણ સુધારવા માટેનાં કાયદામાં સુધારાની જોગવાઈ કરી નવો કાયદો દરેક રાજયમાં લાગુ કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. સાથોસાથ કાયદામાં એવી પણ જોગવાઈ કરવામાં આવી છે કે, મજુરોને ગમે ત્યારે તેમની ઉત્પાદકતાનાં અભાવનાં કારણે છુટા કરી દેવામાં આવશે. હાલ આ પ્રણાલી વિદેશમાં કાર્યરત છે ત્યારે આગામી સમયમાં જે કોઈ મજુરોએ તેમનાં વ્યવસાય સાથે ટકી રહેવું હશે તો ઉત્પાદકતામાં વધારો અનિવાર્ય બની રહેશે.

૫ ટ્રિલીયન ડોલરની ઈકોનોમી તથા ૮ ટકા જીડીપી ગ્રોથ મેળવવા માટે મજદુરોને પ્રોત્સાહિત કરવા તથા કાર્યશૈલીમાં શિસ્તબઘ્ધને પ્રાધાન્ય આપવામાં આવશે. કેન્દ્ર સરકારનાં શ્રમ સુધારાનો કાયદો પ્રથમ વખત લોકસભા-૨૦૧૭માં રજુ કરવામાં આવ્યો હતો. સ્ટેન્ડિંગ કમિટીમાં મુકાયેલા આ કાયદાનો સંપુર્ણપણે અહેવાલ ડિસેમ્બર-૨૦૧૮માં રજુ કરવામાં આવ્યો હતો પરંતુ ૧૬મી લોકસભાનાં વિસર્જનનાં કારણે આ કાયદાને પડતો મુકાયો હતો. શ્રમ કાયદામાં શ્રમિકોની રોજગાર સુરક્ષા, આરોગ્ય અને કામ કરવાના સ્થળે ખાસ સવલતોની જોગવાઈ કરતાં કાયદામાં એક એકમ માટે રજીસ્ટ્રેશન, વ્યવસાયિક સરળતા, શ્રમિકોને નિમણુક પત્ર, કર્મચારીઓની વિનામુલ્યે વાર્ષિક આરોગ્ય ચકાસણી, કેન્દ્રીય એકમનું નિયંત્રણ, મહિલાઓને રાત્રે કામ કરવાની પરવાનગી જેવી જોગવાઈ આ નવા કાયદામાં લાગુ કરવાની હિમાયત કરવામાં આવી છે.

વિપક્ષે આ કાયદામાં સુધારો કરવા માટે પ્રથમ આ મુસદ્દાને સંસદની સ્ટેન્ડિંગ કમિટીમાં મુકવાની માંગ કરી છે. શ્રમિકો માટે રોજગાર સુરક્ષા, આરોગ્ય, આર્થિક કલ્યાણ, આધુનિક સવલતો, મહિલાઓને વધુ સ્વાયતતા, કામદારોનું જીવનધોરણ, ૪૦ ટકાનાં રજીસ્ટ્રેશન સામે ઓછામાં ઓછા ૫૦૦ કર્મચારીઓને લાભની જોગવાઈ જેવા નવા કાયદાની હિમાયત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશનાં આર્થિક વિકાસ દરની તરકકી માટે ઔધોગિક વિકાસ અને દેશનાં વેપાર ઉધોગને વધુ, વિસ્તૃત, સરળ અને આંતરરાષ્ટ્રીય સ્તરનું બનાવવા માટે ખુબ જ લાંબી કવાયત બાદ દેશમાં ઉભા કરેલા જીએસટી કરમાળખા અંતર્ગત વેપાર ઉધોગને અને ખાસ કરીને કર વ્યવસ્થા અને સરળ અને પારદર્શક બનાવ્યા બાદ શ્રમ કાયદામાં સુધારો લાવવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.