Abtak Media Google News

પોલીસે સીસીટીવીની મદદથી બાળકી અને અપહરણ કરનાર મહિલાને શોધી કાઢી

જામનગરના હાર્દસમા તળાવની પાળ પર રવિવારે પોતાની માતા સહિત પરીજનો સાથે ફરવા આવેલી અઢી વર્ષની માસુમ બાળાનુ કોઇ અજાણી સ્ત્રી અપહરણ કરી લઇ ગયાની ફરિયાદ નોંધાતા દોડધામ મચી જવા પામી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શકમંદ મનાતી અજાણી સ્ત્રીના સગડ મેળવી ૨૪ કલાકમાં ૩૦ કિ.મી. જોગવડ પાસેથી મેઘપર પોલીસને હેમખેમ મળી આવતા હાશકારો થયો છે.

શહેરમાં સાંઢીયા પુલ નજીક મહાલક્ષ્મી બંગ્લોઝ ખાતે રહેતા પુનમબેન ઘનશ્યામભાઇ ઝીંઝૂવાડીયા નામની મહિલા પોતાના પુત્ર અને માસુમ પુત્રી જીયા(ઉ.વ.અઢી)ઉપરાંત બે ભાભી સહિતના પરીજનો સાથે રવિવારે સાંજે તળાવની પાળ ખાતે ફરવા માટે આવ્યા હતા. જે દરમિયાન મોડી સાંજે બાળકો સાથે માસુમ જીયા પણ જયુબેલી ગાર્ડન પાસે રમતી હતી. જયાંથી હિચકા ખાવા માટે આંબેડકર ગાર્ડન પાસે પહોંચી હતી. ત્યારબાદ બાળકી ગુમ થઇ જવા પામી હતી. જેથી તેના પરીજનોએ હાંફળા ફાંફળા બની આજુબાજુમાં સધન શોધખોળ કર્યા બાદ સીટી એ પોલીસનો સંપર્ક કર્યો હતો.જેમાં ભોગગ્રસ્તના માતા પુનમબેનની ફરિયાદ પરથી પોલીસે અજાણી સ્ત્રી સામે અપહરણનો ગુનો નોંધ્યો હતો.આ બનાવની જાણ થતા પીઆઇ એસ.એચ.રાઠવા, મદદનીશ જયપાલસિંહ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સિકયુરીટી સ્ટાફને વાકેફ કરી જુદા જુદા ગેઇટ પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા પણ તપાસ કર્યા હતા જેમાં બાળાનો હાથ પકડીને કોઇ અજાણી સ્ત્રી તેણીને લઇ જતી હોવાનુ પણ નજરે પડયુ હતુ.આથી પોલીસે શકમંદ સ્ત્રીની ઓળખ મેળવવા માટે જીણવટભરી તપાસ હાથ ધરી હતી.

જે દરમિયાન મેઘપર પોલીસે ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવીને ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર જોગવડ પાસેથી અપહ્યત માસુમ બાળાનો પતો મેળવ્યો હતો અને તેણીને હેમખેમ સ્થાનિક પોલીસ મથકે ખસેડી હતી અને તેના માતા-પિતાને જાણ કરતા તેઓ તુરંત જ દોડી આવ્યા હતા.બાળા સાથે તેના પરીજનોને સીટી એ પોલીસ સ્ટેશને લઇ જવાયા હતા. જયારે અપહરણકાર યુવતી પણ પોલીસના સંકજામાં સપડાઇ હતી. જેની પોલીસે ઘનિષ્ઠ પુછપરછ હાથ ધરી હોવાનુ બહાર આવ્યુ છે.ખાનગી કંપનીમાં મજુરી કામ સાથે સંકળાયેલા યુવાનની પત્ની એવી પ્રિયા ઉપનામધારી યુવતી એક સંતાનની માતા પણ હોવાનુ જાણવા મળ્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.