Abtak Media Google News

કાર્તિક સુદ અગિયારસથી પૂનમ સુધીના પાંચ દિવસીય મેળામાં લાખોની સંખ્યામાં શિવભક્તો ઉમટી પડે છે: હાલ કોરોના મહામારીને કારણે મેળો રદ્દ

“આજ મહારાજ ! જલ પર ઉદય જોઈને

ચંદ્રનો હૃદયમાં હર્ષ જાગે,

જલધિજલદલ ઉપર દામિની દમકતી,

યામિની વ્યોમસર માહિ સરતી

કામિની કોકિલા કેલિ કૂંજન કરે,

સાગરે ભાસતી ભવ્ય ભરતી “

સોરઠના સાગર કાંઠે પરાપૂર્વ વર્ષોથી સદાશિવ મહાદેવના સાનિધ્યમાં પ્રતિવર્ષ કાર્તિકી પૂર્ણિમા મેળો ભારતીય પૌરાણીક સંસ્કૃતિનો દિવ્ય વારસો છે તો જગત નિયંતા શિવ આરાધકો-ઉપાસકો માટે ભગવાન શિવની ભક્તિમાં લીન થયાનો પૂણ્ય અવસર છે. આ મેળાના મહોત્સવમાં મોટી સંખ્યામાં દર વર્ષે લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. શિવ ભક્તો આખુ વર્ષ આ મેળાની રાહ જોઈને બેસે છે. વર્ષ ૧૯૫૫થી સતત સોમનાથ ટ્રસ્ટના આ પારંપારીક સાંસ્કૃતિક મેળાનું આયોજન કરવામાં આવે છે. મેળા માટે મંદિર મોડી રાત સુધી ખુલ્લુ રાખવામાં આવે છે. મોડી રાત્રે મહાઆરતી કરવામાં આવે છે. આ મેળામાં સૌરાષ્ટ્રના લાખો લોકો હાજર રહે છે.

ડાયરાથી માંડી વિવિધ આયોજનો પણ કરવામાં આવે છે. આ લોક મેળામાં કાર્તિકી પૂનમના દિવસે અનોખો સંયોગ યોજાતા લાખો દર્શનાર્થીઓ સોમનાથ દાદાના સાનિધ્યે આવે છે. જો કે ચાલુ વરસે કોરોના મહામારીને કારણે સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળો બંધ છે.

પ્રભાસ ક્ષેત્રમાં કાર્તિકી પૂર્ણિમાનું વિશિષ્ટ મહત્વ હોવાથી મેળો ભલે રદ્દ થયો હોય પરંતુ દાદાની મહાઆરતી અને મહાપૂજાનું આયોજન કરાયું છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકો ઘેરબેઠા દાદાના દર્શન તેમજ મહાઆરતીનો લાભ લઈ શકાય તેવી ઓનલાઈન વ્યવસ્થા ગોઠવાઈ છે.

Img 20201127 Wa0017

શા માટે કાર્તિકી પૂર્ણિમાએ મેળો યોજાય છે ?

પ્રાચીન શાસ્ત્રો મુજબ પૂર્ણિમાને ઋતુઓના ફેરફારની માનવ જીવન ઉપર ઘેરી અસર હોવાની અને તે મંગળ અને પવિત્ર ગણાઈ છે. જેથી પ્રત્યેક માસની પૂનમને કોઈને કોઈ તહેવાર-વ્રત કે પગે ચાલીને આસ્થા મંદિરોએ જવાની વરસો જૂની પરંપરા છે.

કાર્તિકી પૂર્ણિમા ત્રિપુરારી પૂર્ણિમા છે અને પૌરાણીક માન્યતા પ્રમાણે ત્રણ પુરોવાળો દૈત્ય ત્રિપુર રાક્ષસ દેવોને ખૂબ જ રંજાડતો હતો. આથી દેવોની વિનંતીથી મહાદેવજીએ ત્રણ દિવસ સુધી સતત યુદ્ધ કરી તેનો નાશ કર્યો તેથી તે ત્રિપુરારી કહેવાય છે અને આ વિજયની દેવોએ દિવાળી મનાવી અને કાર્તિકી પૂર્ણિમાએ તેની ઉજવણી કરી તેની યાદમાં કાર્તિકી પૂર્ણિમા મેળો ભરાય છે.

સંવત ૧૦૮૬માં ભીમદેવ પહેલાએ સોમનાથ મહાદેવનું પૂજન કરી ગ્રામદાન કર્યું હતું

ઈતિહાસ કથા મુજબ કુમારપાળે સવંત ૧૨૨૫માં સોમનાથ મંદિરનો જિર્યોધ્ધાર કરી હતી અને એ પહેલા સવંત ૧૦૮૬માં ભીમદેવ પહેલાએ સોમનાથ મહાદેવનું પૂજન કરી ગ્રામદાન કર્યું હતું અને સોમનાથમાં શુકલ ચર્તુદશીથી કૃષ્ણ દ્વિતીયા સુધી કાર્તિકી પૂર્ણિમાનો મેળો ભરાતો. “મિરાતી એહમદી ગ્રંથ જે ઈતિહાસકારો માટે આધાર ગણવામાં આવે છે. તેમાં પણ કરાયેલા ઉલ્લેખ પ્રમાણે સોમનાથ સાગર કાંઠે કાર્તિક પૂનમે સ્નાન કરવાથી પૂણ્ય મળે છે તેવી તે સમયમાં માન્યતા હતી. મહાદેવે સમુદ્ર મંથનમાંથી નીકળતા ચંદ્રદેવ પ્રભાસમાં શિવજીના કાલ ભૈરવલિંગની આરાધન કરી અને વરદાન માગ્યુ હતું કે સોમ-ચંદ્રને મસ્તક ઉપર ધારણ કરનાર શિવજી “સોમનાથ નામે અનંતકાળ માટે પ્રસિધ્ધ થાય. (સ્ક્રંદ પુરાણ પ્રભાસ ખંડ ૭૪૭-૫૧)

અગાઉ પણ અનેક વખત મેળો રદ્દ રહ્યો હતો

સોમનાથનો આ મેળો કનૈયાલાલ મુનશીએ ટ્રસ્ટી તરીકે તા.૨૭-૨-૧૯૫૫થી યોજાય છે. એટલે કે કેટલાંક વરસો બંધ રહ્યાં બાદ ફરી યોજાતો રહે છે. જો કે, ભારત-ચીન યુધ્ધ વખતે સંપૂર્ણ બંધ રહ્યો અને વર્ષ ૨૦૧૯માં વાવાઝોડા આગાહીને કારણે મેળાની મંજૂરી નહોતી મળી પરંતુ વાવાઝોડાનો ખતરો ટળતાં તા.૮ નવેમ્બરને બદલે બે દિવસ મોડો એટલે કે ૧૧ નવે.થી શરૂ થયો હતો.

પ્રભાસના આ પવિત્ર-ઐતિહાસિક-ભવ્ય મેળાઓના જીવંત સાક્ષી એવા સોમનાથના ભાસ્કર વૈદ્ય કહે છે “સોમનાથનો મેળો એ પ્રભાસના જીવનમાં એક અદ્ભૂત પૂણ્ય લ્હાવા સમી ઘટના છે. ગણેશ ચતૂર્થી ઉત્સવ પૂર્ણ થાય ત્યારથી જ લોકો કેલેન્ડર પંચાગોના પાયા ફંફોળે કે કાર્તિકી પૂર્ણિમાના મેળાની તારીખો કઈ છે અને તે દિવસોમાં રવિવાર ક્યારે આવે છે તેની આતુરતાપૂર્વક રાહ જુવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.