Abtak Media Google News

ગુજરાતનાં સપૂત અને કર્મવીર નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની હ્યદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છા

જન્મભૂમિ-વડનગર, કર્મભૂમિ- વારાણસી, વિકાસના માધ્યમથી લોકમન-લોકમતથી વિજય પ્રાપ્ત કરીને વડાપ્રધાન બન્યાં છે

વર્ષ ૧૯૮૧-૮૨માં નરેન્દ્રભાઈ મોદી સંઘના પ્રચારક તરીકે અમદાવાદ જીલ્લાનાં ધંધુકા આવતા-જતા ત્યારે તે દરમ્યાન મારા ઘરે રાત્રિરોકાણ સમયે તેમણે હનુમાનજીની પર એક લાંબી કવિતા લખેલી તે મને સારા અક્ષરે લખવા આપી ત્યારથી જ મારા મનમાં તેમની એક કવિ તરીકેની છાપ ઉપસી હતી.

૩૬-૩૭ વર્ષના સંપર્ક-સંબંધમાં તેમની સાથેનાં સંભારણોની હારમાળા છે, પ્રેમની વર્ષા સાથે સતત માર્ગદર્શન વચ્ચે કોઈ વાર હું  તેમના ગુસ્સાનો પણ હક્કદાર હતો. તા.૧.૧.૧૯૮૮માં મને ભાજપમાં કામ કરવા માટે ધંધુકાથી અમદાવાદ લઈ ગયા અને દસ વર્ષ પછી ૧૯૯૮માં વિધાનસભાની ચુંટણીમાં મુખ્યમંત્રી સામે ચૂંટણી લડવા ધંધુકા મુકવા આવ્યા ત્યારે જાહેરસભામાં આંખમાં આંસુ સાથે ભાવવિભોર થઈને તેઓ બોલ્યા હતા કે ૧૦ વર્ષ પહેલાં લઈ ગયેલાં ભરતને હું પાછો મુકવા આવ્યો છું. તમે જીતાડીને ગાંધીનગર મોકલી આપજો અને તે સમયે હું સમગ્ર દેશમાં પદસ્થ મુખ્યમંત્રી દિલીપ પરીખને હરાવનાર સૌથી યુવાન ધારાસભ્ય બન્યો હતો.

4 Bharat Pandya Photo 1યાદશક્તિ અને કાર્યશક્તિ

તેઓને કોઈ પહેલીવાર મળે ત્યારથી મળનારનું નામ લગભગ યાદ રહી જાય. જે ગામ કે શહેરમાં જાય ત્યારે અનેક લોકોને નામથી બોલાવે અને જાહેર સભામાં પણ વર્ષો પહેલાંના સંભારણા અવશ્ય કહે. પૂર્વ આયોજન અને પૂર્ણ આયોજન આ શબ્દને તેમણે મૂર્તિમંત કર્યા હતાં. કોઈ પણ સંગઠન કાર્ય કે કાર્યક્રમની પૂર્વતૈયારી માટે પરીશ્રમ કરે અને લોકોને પણ કરાવે. સંગઠનના પત્રકો અને ચોપડા લખવા માટે અનેક જીલ્લામાં તે સમયના મોટા-મોટા પદાધિકારીઓને પણ રાત્રે બે-ત્રણ વાગ્યા સુધી બેસાડ્યાંના અનેક પ્રસંગો કાર્યકર્તાઓને યાદ છે. વહેલી સવારે કામના સંદર્ભમાં ફોન કરે અને મોડી રાત્રે કામનું શું થયું? તેનું ફોલોઅપ કરે એટલે શ્રી નરેન્દ્રભાઈ મોદીને જે કામ પાર્ટીએ સોંપ્યું હોય તેમાં દરેક લોકોને સતર્ક, સક્રિયતા રાખવી જ પડે તેવી તેમની એક કર્મઠ-કાર્યશક્તિની પ્રતિભા ઊભી થઈ ગઈ હતી.

નો વેકેશન

મેં ટીવી અને ઈન્ટરનેટ પર અનેક દેશના પ્રેસિડેન્ટને કોઈ ટાપુ પર, બોટમાં, જંગલમાં, રીસોર્ટમાં વેકેશન માણતાં જોયાં છે, વાંચ્યું છે પરંતુ જયારથી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંપર્કમાં આવ્યાં ત્યારથી સૌથી ઈશ્વરીય આશ્ચર્ય એ છે કે, તેમણે કયારેય એક પણ દિવસની રજા કે વેકેશન માણ્યું નથી. ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમને સ્વાઈન ફ્લુ થયો હતો. ત્યારે જરૂરી ફરજીયાત આરામ કર્યાં પછી પણ સી.એમ.હાઉસમાં હોસ્પિટલ જેવી વ્યવસ્થા ઊભી કરીને કામકાજ ચાલુ રાખ્યું. એકવાર દાઢનું ઑપરેશન કર્યું હોવા છતાં રાત્રે મોડા સુધી બેઠકો કરીને ગુજરાતની ચિંતા કરતાં રહ્યાં તેનો હું સાક્ષી હતો. તેઓ કહેતા કે, કામ ન કર્યાનો થાક લાગે છે, કામ કર્યાંનો સંતોષ હોય છે.

ચરૈવેતિ..ચરૈવેતિ  મહાયાત્રિક

ગુજરાતમાં સંગઠનમાં હતા ત્યારે વર્ષ ૮૭-૮૮માં વંચિતોને થતાં અન્યાય સામે શરૂ કરેલી ન્યાયયાત્રા થી માંડીને કાશ્મીર હમારા હૈની દેશભક્તિ જગાવતી ક્ધયાકુમારીથી કાશ્મીર સુધીની એકતા યાત્રાના સંયોજક તરીકેની મહત્ત્વની ભૂમિકા તેમણે ભજવી છે. ગુજરાતમાં ક્ધયા કેળવણી યાત્રા, કૃષિયાત્રા, વંચિતોની વિકાસ યાત્રા, સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા, વીરાંજલી યાત્રા, ગુજરાત ગૌરવ યાત્રા, વિકાસ ગૌરવ યાત્રા સહિત અનેક યાત્રાઓના જનક-યોજક-સંયોજક રહીને દેશનાં ઈતિહાસમાં સૌથી વધુ પ્રવાસ કરનાર એક રાજકીય મહાપુરુષ તરીકે મહાયાત્રિક બનવાનું શ્રેય શ્રી નરેન્દ્રભાઈ મોદીને ફાળે જાય છે. જનજાગૃતિ દ્વારા જનશક્તિને દેશભક્તિમાં ફેરવવા માટેનું સૌથી સબળ માધ્યમ તેઓ યાત્રાને માનતા હતા. જનમતને સમજવા, તેના પ્રશ્નોને જાણવા સતત લોકો સાથે સંપર્ક-સંવાદ-સમન્વય કરવો જોઈએ સ્વાગતથી મનકી બાત સુધી અને ગરીબ કલ્યાણ મેળાથી માંડીને યાત્રા અને સદ્દભાવના મિશન સુધી વિશ્વના ઈતિહાસમાં સૌથી વધુ જનતા સાથેનાં સંપર્ક-સંવાદ કરવાનું શ્રેય પણ શ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે.

વાંચન-ચિંતન-કથન

તેમને વાંચનનું જબરું વળગણ હતું. વિવેકાનંદજી વિશે બોલવાનું હોય તો તે અંગેનાં અનેક પુસ્તકોના વાંચન કરતા. મને યાદ છે કે ક્ધયાકુમારીથી કાશ્મીરની એકતાયાત્રામાં કાશ્મીર મુદ્દા સહિત અનેક મુદ્દા પર ૧૫૦થી વધુ પુસ્તકો વાંચ્યા હશે. સંસ્કારધામ ખાતેની તેમની લાઇબ્રેરીમાં હજારો પુસ્તકોમાં તમામ ક્ષેત્ર, તમામ વિષયવારનાં પુસ્તકો જોવાં મળતાં હતાં.

સક્રિયતા – સફળતા

સંઘર્ષમાં ગુજરાત પુસ્તકનાં લેખક શ્રી નરેન્દ્રભાઈ મોદી સંઘર્ષ અને સફળતા વચ્ચેના એક જીવનયાત્રિક છે. ભૂકંપ સમયે તારાજ થયેલાં કચ્છને કેવી રીતે બેઠું કરીને એક દેશનું શ્રેષ્ઠ ટુરિઝમ અને ઔદ્યોગિક સ્પોટ બનાવ્યું તે ગુજરાતની જનતાએ જોયું છે. સુરતનું પૂર-પ્લેગ પછી સૌથી વધુ ક્લીન સિટી બનાવ્યું, ગોધરાકાંડ પછી ગુજરાત સળગી ગયું, ભૂકંપમાં ભાંગી ગયું, પૂરમાં ડૂબી ગયું. તેવાં અનિચ્છનીય  ઘટનાક્રમો સામે એક વિકાસના યોદ્ધાની જેમ ગુજરાતને બેઠું કર્યું એટલું જ નહીં પરંતુ દેશમાં અનેક ક્ષેત્રોમાં ગુજરાતને પ્રથમ નંબરે લઈને આવ્યા. વિરોધીઓના અપપ્રચાર અને અફવા સામે ધૈર્ય,શાંતિથી ગુજરાતને આગળ વધારતા રહીને સમગ્ર વિશ્વમાં ગુજરાતને માન-સન્માન ગૌરવ અપાવ્યું તેમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીની પરિશ્રમગાથા વર્ણલવી મુશ્કેલી છે. તેમની જ એક કવિતાની પંકિત ટાંકીને તેમના વિશે કહી શકાય,

અહીંયા પ્રારબ્ધને  ગાંઠે કોણ ?

હું જ બળબળતું ફાનસ છું

સહિષ્ણુતા અને સદ્દભાવના

ગોધરાકાંડમાં વિરોધીઓએ સતત ૧૦ વર્ષ સુધી જૂઠ્ઠા આક્ષેપો કર્યાં. મોતના સોદાગર થી માંડીને હિટલર સુધીની અનેક ગાળો આપી છે એટલું જ નહીં. પાકિસ્તાનના આતંકવાદી અને ઈશરત મુદ્દે કોંગ્રેસ સી.બી.આઈ. દ્વારા શ્રી નરેન્દ્રભાઈને જેલમાં પૂરવા સુધીના પ્રયાસો કર્યા અને તત્કાલીન ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહને જેલમાં પૂર્યાં. તેમ છતાંય મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલની ભૂમિના આ ગુજરાતના સપૂતે ધૈર્ય અને શાંતિનો સંદેશો લઈને ગુજરાતની જનતાની સેવા કરવામાં જ પોતાની તમામ શક્તિ કામે લગાડી અને ૧૦ વર્ષના વિરોધીઓના આક્રમણ સામે એક પણ શબ્દ બોલ્યા નહીં અને સંપૂર્ણ રીતે મૌન રહ્યા. ૧૦ વર્ષ પછી તેમણે તેનો જવાબ સદ્દભાવના મિશન દ્વારા ૩૩ જિલ્લામાં તમામ જ્ઞાતિ-સમાજ અને વર્ગને જોડીને એક-એક દિવસનાં ઐતિહાસિક ઉપવાસ કર્યાં. સદ્દભાવના મિશનના ક્ધવીનર તરીકે મારે દરેક જિલ્લામાં જવાનું થયું હતું. ત્યારે મેં દરેક જીલ્લામાં યોજાયેલ એક દિવસના ઉપવાસ સમયે બાળકથી માંડીને વૃદ્ધ સુધીનાં, યુવા,મહિલા, દિવ્યાંગથી માંડીને સો વર્ષથી ઉપરની ઉંમરના વૃદ્ધોને નરેન્દ્ર મોદીને હાથ મિલાવતાં, ભેટતાં, ભાવવિભોર થતાં દૃશ્યો જોયાં છે. ૨૫ લાખથી વધુ લોકો તેમાં જોડાયા હતા, ૬ લાખથી વધુ લોકોએ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે હાથ મિલાવ્યાં હતાં અને કોઈએ સમુહમાં ફોટા પડાવ્યાં. ૫ લાખથી વધુ લોકો ઉપવાસમાંજોડાયાં હતા. ગુજરાતની ભૂમિ અને જનતા શાંતિ-એકતા-પ્રેમ-અહિંસામાં માને છે. તેની પ્રતીતિ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશ-વિદેશમાં કરાવી દીધી હતી.

નવીનતા અને આધુનિકતાના આગ્રહી

શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દુનિયા સાથે તાલ-મેલ કરવા આધુનિકતાનો આગ્રહ રાખવાનો એક પ્રસંગ મને યાદ આવે છે. ૬-૭ વર્ષોપહેલાં એસ.જી.વી.પી.માં મળેલ ભાજપ પ્રદેશ બેઠકમાં શ્રી નરેન્દ્રભાઈનું સમાપન સત્ર હતું. પ્રવચન દરમ્યાન તેમણે ધારાસભ્ય, સંસદસભ્ય અને પ્રદેશની ટીમના સભ્યોને પ્રશ્ન પૂછ્યો કે, તમારા પાસે પોતાનું ઇ-મેલ આઈ.ડી છે ?  બહું હાથ ઊંચા ન થયાં ત્યારે તેમણે કહ્યું કે, હું સમાપન પ્રવચન પછી કરીશ પણ પહેલાં તમે સહુ બહાર ૧૦ કોમ્પ્યુટર ઓપરેટર બેઠાં છે તેની પાસે જઈને તમારો ઇ-મેલ આઈ.ડી. બનાવો. પછી જ હું પ્રવચન કરીશ. આમ પ્રદેશની ટીમને આધુનિકતા તરફ આગળ વધવાનો આગ્રહ રાખતાં હતાં.

વર્ષ ૨૦૧૨ની વિધાનસભા ચુંટણીમાં તેમણે એક જ સ્થળ પરથી અનેક સ્થાનો ઉપર  થ્રીડી હોલોગ્રાફિસ ચુંટણી સભાને સંબોધી હતી.

વિશ્વના વૈશ્વિક નેતાઓએ જે ટેકનોલોજીનો ઉપયોગ ન હતો કર્યો તેવી ટેકનોલોજીનો ઉપયોગ શ્રી નરેન્દ્રભાઈએ લોકસભા ૨૦૧૪ની ચુંટણીમાંશ્રી કમલમ્, ગાંધીનગરથી એક સ્થાનેથી પ્રવચન કરીને ૫૦-૧૦૦ સભાઓ થ્રીડી લાઇવ સભા કરી હતી

ગાંધીજીના ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત

સામાન્ય રીતે મુખ્યમંત્રીને અપાતી ભેટ-સોગાદો રાજકારણીઓ પોતે જ ઘરભેગી કરી દેતાં હોય છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી વખતે એક નવો ચિલો-પરંપરા ઊભી કરી. મુખ્યમંત્રીનાં સમયકાળ દરમ્યાન આવેલી તમામ ભેટ-સોગાદોની લીલામી કરીને અને તેમાં આવેલાં કરોડો રૂપિયા ક્ધયાકેળવણી માટે આપી દીધાં.

ગાંધીજીના ટ્રસ્ટીપણાને શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમની એક કવિતામાં જ આ વિચાર-આચાર-મૂર્તિમંત કર્યો છે.

પ્રધાનમંત્રી બન્યા પછી મહાત્મા ગાંધીજીના આદર્શને લઈને દેશનું સૌથી મોટું સફાઈ અભિયાનની સમગ્ર દેશ અને વિશ્વએ તેની નોંધ લીધી છે.

કોઈની પાસે નહીં લેવું-દેવું, કદી હોય નહીં મારું-તારું

આ દુનિયામાં જે કૈ છે તે મનગમતું મઝીયારું

નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ ગુજરાતનું વડનગર છે અને વારાણસી કર્મભૂમિ છે, વિકાસના માધ્યમથી લોકમન-લોકમતથી વિજય પ્રાપ્ત કરીને વડાપ્રધાન બન્યાં છે. આ પાંચ વ તેમના જીવનમાં મહત્વના બન્યાં છે. એક જમાનામાં દસ હજાર બૌદ્ધ સાધુઓનું આશ્રય સ્થાન એવા વડનગરમાં સુવર્ણયુગનાં સ્થાપત્યો પૈકી એક કીર્તિસ્તંભ આવેલ છે.દામોદરદાસના પુત્ર નરેન્દ્રએ વડનગરના કીર્તિસ્તંભથી શરૂ કરીને પરિશ્રમની પરાકાષ્ટા સર્જીને દેશનાં વિકાસ, વિજયસ્તંભની સ્થાપના કરી દીધી છે.

હવે તેમની દેશભક્તિ અને વિઝન, મિશન અને એકશનને કારણે આ વિકાસ વિજ્યસ્તંભને કોઈ હટાવી શકશે નહીં અને ગુજરાત અને દેશની જનતાનો પ્રેમ, વિશ્વાસ અને જનસમર્થન રહેશે તેવો વિશ્વાસ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.